બિનજરૂરી ફોન કોલ અને મેસેજથી પરેશાન છો? આવી રીતે મળશે છુટકારો

વિવિધ કંપનીઓ તરફથી મનફાવે ત્યારે આવતા કોલથી પરેશાન છો? હવે આ સમસ્યાથી પણ રાહત મેળવી શકશો. હવે તમે આવા ફોન કોલ્સને ફિલ્ટર કરીને આવતા અટકાવી શકશો. ટ્રાઈ દ્વારા આ નવી વ્યવસ્થા 1 ઓક્ટોબર 2018થી લાગુ થવા જઈ રહી છે. ટેલિકોમ સેક્ટરની કંપનીઓને આ દિશામાં જરૂરી ફેરફાર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. જેના પર અમલ ન કરવા પર કંપનીને તગડો દંડ તો ફટકારવામાં આવશે જ સાથોસાથ તેના પર કેસ પણ દાખલ કરવામાં આવી શકે છે. ટ્રાઈની આ પહેલ બાદ ગ્રાહકને બિનજરૂરી કોલથી રાહત મળી શકે છે.
1. પ્રમોશનની કેટેગરી નક્કી કરવામાં આવશે. બેંક, કાર્ડ, વીમો, હેલ્થ, એજ્યુકેશન, ટ્રાવેલ-ટૂરિઝ્મ, રિયલ એસ્ટેટ, ખાણી-પીણી, ઓટોમોબાઈલ, આઈટી, મનોરંજન વગેરે જેવી કેટેગરીમાંથી યૂઝરે કેવી જાહેરાતો મેળવવી છે તે સિલેક્ટ કરી શકશે. 2. ગ્રાહક 1909 પર કોલ કે મેસેજ કરીને પોતાની રીતે પ્રમોશન કોલના વિકલ્પો પસંદ કરી શકશે.
3. કોઈપણ કેટેગરીને સિલેક્ટ ન કરવાનો કે તમામ કેટેગરીને સિલેક્ટ કરવાનો પણ વિકલ્પ મળશે. જે વિકલ્પને સિલેક્ટ નથી કર્યો તેનો જો ફોન કોલ આવે તે કંપનીએ વળતર ચૂકવવું પડશે. ગ્રાહક અઠવાડિયાના કોઈ દિવસ અને ખાસ કરીને બે કલાકનો સમય નક્કી કરી શકે છે જે દરમિયાન તેઓ કોલ રિસિવ કરી શકે. આ નક્કી સમય પર જ એમને પ્રમોશનલ કોલ આવશે.
બિનજરૂરી કોલને અટકાવવા માટે ટ્રાઈએ 2010માં ગાઈડલાઈન બનાવી હતી. જે બાદ આમાં 2 વખત સંશોધન કરવામાં આવ્યું. હવે ટ્રાઈએ આ મામલે મોટો બદલાવ કર્યો છે. નવી વ્યવસ્થા અંતર્ગત ગ્રાહક માત્ર એક મેસેજ મોકલીને બિનજરૂરી કોલ કે મેસેજ અંગે ફરિયાદ દાખલ કરી શકશે. ફરિયાદ બાદ શું કાર્યવાહી થઈ તે અંગે ગ્રાહકને જાણકારી આપવામાં આવશે.
‘ડૂ નોટ ડિસ્ટર્બ’માં રજિસ્ટર કર્યા બાદ પણ લોકોને કેટલાય પ્રમોશનલ કોલ મળતા રહ્યા. આની સાથે સાયલન્ટ, ઓટો ડાયલર કે રોબો કોલ પણ આવવા લાગ્યા. જેનાથી લોકોની પરેશાન વધી ગઈ. સાથે જ બેંક કે અન્ય સંગઠનો ગ્રાહક પાસેથી જરૂરી લેણ-દેણનો મેસેજ મોકલવાની સહમતી લીધા બાદ તમામ પ્રમોશનલ મેસેજ મોકલવા લાગે છે. જેનાથી પણ સમસ્યા વધી છે. ત્યારે આ મામલે ટ્રાઈએ કડક વલણ અપનાવ્યું છે.