અહંકાર કેટલો અને ક્યાં સુધી ?

સફળતાની
બદલાતી પરિભાષા સાથે માણસ બદલાઈ નથી શકતો. એનો અહંકાર છોડી નથી શકતો. અને એમાં ને એમાં જીવન
છૂટી જાય છે આ દુનિયામાં પ્રામાણિક થવું અઘરું છે. પ્રામાણિક થવા માટે નમવું પડે. પોતાની જાતને છેલ્લા મુકવા પડે. ઘણું જતું કરવું પડે. પણ સૌથી અઘરી વસ્તુ - અહંકારને મારવો પડે.
પણ અહંકાર કેમનો મરાય? આજે આખી દુનિયા અહંકાર પર જ તો ચાલે છે. સત્તાની વાસના પણ અહંકારને પોષવાનો એક રસ્તો જ છે ને. દરેકને સત્તા જોઈએ છે. જી સાહેબ કહેનાર કોઈક જોઈએ છે. ચાર લોકો માનપાન આપે એ જોઈએ છે. આજુ બાજુના લોકો કહ્યું માનવ જોઈએ. સલાહ લેવા આવવા જોઈએ. અને એ સલાહ માનવા પણ જોઈએ. અને આવું ના થાય તો? બેદરકારી કોને ગમે? દરેકને પોતાનું નામ ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરથી લખાયેલું જોઈએ છે. દરેકને દેહ છોડ્યા પછી પણ અહીંયા જ રેહવું છે. શરીર છૂટી જશે, પણ અહંકર નહિ તૂટે! આજકાલ તો અહંકાર એટલો ચલણમાં છે, કે હું અહંકારી નથી, મને શેઠાઈ નથી પસંદ, એ કેહવામાં અને કહેવડાવામાં પણ અહમ વધે છે!
આ યુગ જ એવો છે. અહંકારને પંપાળવાવાળો યુગ. સોશ્યિલ મીડિયા જ લઇ લો. ફોટામાં કોણ કેટલું ખુશ છે એને બદલે કોને કેટલી લાઇક્સ મળી એ અગત્યનું થઇ ગયું છે. હાલમાં જ એક લેખ વાંચેલો જેમાં સોશ્યલ મીડિયાની મગજ પરની અસરની વાત કરી હતી. એમ કહેવાય છે કે સોશ્યલ મીડિયાથી મગજમાં એક પારિતોષિક પ્રતિસાદ ઉદભવે છે. એક ‘ફીલ ગુડ ફેક્ટર’ આવે છે. જાણે દરેક ક્ષણ માટે એક ઇનામ મળે છે. નાની-નાની વાત માટે ઇનામ મળતા થઇ જાય તો અહંકાર કેમનો ના વધે? અને એની સાથે સાથે એ ઇનામ મફતમાં મળી જાય તો મહેનત કરવી કોને ગમે?
જેટલો અહંકાર વધે, એટલી સત્તાની વાસના પણ વધે. અને જેટલી ભૂખ વધે એટલું ખાવા વધારે જોઈએ. ભૂખથી ઘેલી થયેલી વ્યક્તિ કંઈ પણ ખાવા તૈયાર થઇ જાય. એને શું સારું, શું ખોટું એનું ભાન ના રહે. એને માત્ર એની ભૂખ સંતોષવામાં રસ હોય.
એક વાર્તા વાંચેલી. વિમાન અકસ્માતના લીધે 10-12 લોકો ટાપુ પર આપત્તિગ્રસ્ત હતા. મહિનાઓ સુધી ત્યાં રહેવાનું આવ્યું. પહેલા તો બધા એક બીજાને મદદ કરતા, ખાવાનું શોધવા નીકળતા, સાથે ખાતા અને એક બીજાની દેખરેખ કરતા. સમય જતા, માણસાઈ ઓછી થતી ગઈ અને પ્રાણી વૃત્તિ વધતી ગઈ. સૌને હવે પોતાના અસ્તિત્વની ચિંતા થવા માંડી. એક બીજાને પહેલા મુકવાને બદલે, બધાએ પોતપોતાની ભૂખ સંતોષવાનું નક્કી કર્યું. સાધન સીમિત, પણ ભૂખ અનિયંત્રિત. સ્પર્ધા થવા લાગી. પોતાને વધારે મળે એના કરતા વધારે સમય બીજાને ઓછું મળે એ સુનિશ્ર્ચિત કરવામાં જતો. સમય વિતતો ગયો. માનસિક હિંસાએ શારીરિક રૂપ લીધું. છેવટે, માણસ જ માણસને ખાવા માંડ્યો.
આવી વાર્તા વાંચીએ ત્યારે ધ્રુજારી આવી જાય. પણ શું માણસ આ જ નથી કરતો આવ્યો વર્ષોથી? એની ભૂખ માટે એણે કેટલાને માર્યા? માત્ર શારીરિક હિંસાથી જ માણસ ખલાસ થોડી થાય છે. ડિપ્રેશનના કેસીસ વધતા જ જાય છે. આત્મહત્યા વધતી જાય છે. સફળતાની બદલાતી પરિભાષા સાથે માણસ બદલાઈ નથી શકતો. એનો અહંકાર છોડી નથી શકતો. અને એમાં ને એમાં જીવન છૂટી જાય છે.
પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ અહંકાર પછી શું? ક્યાં સુધી રાખીશું અને એનાથી શું મેળવીશું? ઇતિહાસમાં કેટલાયે મહાન લોકો માત્ર ને માત્ર અહંકારથી હાર્યા છે. શૂરવીર અહંકારથી નહિ, આશીર્વાદથી બનાય છે. અને સાહેબ, આશીર્વાદ લેવા તો નમવું પડે ને!
- સૃષ્ટિ શાહ