પ્રેગનેન્સી ટીપ્સ

કોઇપણ સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થા ધારણ કરે છે ત્યારે ખુશી ઉપરાંત કેટલીક મુંઝવણ પણ અનુભવે છે. આવા સમયે કોઇ ડોકટર, માતા કે પછી વડીલ દ્વારા સાચી અને યોગ્ય સલાહ સુચન આપવામાં આવે તો તે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. ગર્ભાવસ્થા વખતે શારીરિક અને માનસિક બદલાવ આવતા હોય છે ત્યારે મીઠી મુંઝવણ અનુભવતી માતાઓ માટે ડો. હેતલ આચાર્યએ ટીપ્સ આપી છે, જે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
ઉનાળામાં સગર્ભાએ પાણી તેમજ પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવાં જોઈએ. પાણી 15-20 મિનીટ ઉકાળીને જંતુમુક્ત કરીને પીવું.
ડોકટરની સલાહ બાદ રોજ 2 થી 4 કિમી ચાલવાનું અવશ્ય રાખવું. (સવારે ચાલવું વધુ લાભદાયી છે.)
પ્રેગ્નન્સી દરમિયાન હમેશાં એક્ટીવ રહેવું, બેઠાડું રહેવાથી પ્રસૂતિ સમયે મુશ્કેલી પડી શકે છે.
ગર્ભવતી સ્ત્રીએ ક્યારેય મળમૂત્ર કે વાયુના વેગને રોકી રાખવું નહી.
રાત્રે સમયસર 10 વાગ્યે સુઈ જવું, ઉજાગરા ન કરવા તથા દિવસે ન ઊંઘવું.
ભોજનમાં વધુ પડતાં તીખાં, ગરમ, મસાલેદાર પદાર્થો ન લેવાં. સુપાચ્ય, પોષક, સાત્વિક આહાર લેવો. ભોજનમાં ગાયનું દૂધ, છાશ, તાજું માખણ અને ગાયના શુદ્ધ ઘીનો પ્રયોગ અચૂક રાખવો.
વધુ પડતો શારીરિક શ્રમ ન કરવો, બહુ વજન ન ઊંચકવું.
ગર્ભવતીએ વધુ પડતાં મોટો કે અપ્રિય અવાજ, ઘોંઘાટથી દૂર રહેવું.
હલકાં રંગના અને ખુલતાં વસ્ત્રો પહેરવા, એકદમ લાલ કે ખૂબ ચુસ્ત કપડાં ન પહેરવા.
વિષમ જગ્યા એટલે કે, વાંકાચૂકા આસન પર કે જ્યાં બેસવાથી મુશ્કેલી થાય કે આરામદાયક ન હોય એવી જગ્યાએ ન બેસવું.
ઊંચી હિલ્સના સેન્ડલ્સ ન પહેરવાં
કોઇપણ જાતનું વ્યસન ન કરવું.
ભય કે માનસિક સંતાપ થાય એવાં ચિત્રો, ધારાવાહિક કે મૂવી ન જોવાં.
મન શાંત રાખે એવું શાસ્ત્રીય સંગીત સાંભળવું, પ્રશિક્ષિત વ્યક્તિ પાસેથી શીખીને ઓમકાર તથા પ્રેગનન્સી યોગનો અભ્યાસ અચૂક કરવો.