ચિંતનની પ્રત્યેક ક્ષણ પવિત્ર!!

ઘણાં લાંબા સમય પછી એક મિત્રને અચાનક એક પ્રસંગે મળવાનું થયું. થોડી વાતો થઇ. તેણે મને થોડા પુસ્તકોના નામ લખી મોકલવાનું કહયું. મને આનંદ થયો. મેં પુછ્યું કે હમણા કયા પુસ્તકો વાંચ્યા? તો તેનો જવાબ મારા ઉમળકા પર ઠંડુ પાણી રેડાયું હોય એ પ્રકારનો! તેણે નિર્લેપ ભાવે કહ્યું કે મિત્રો દ્વારા જે પણ સંદેશ તેને વોટ્સએપ કે અન્ય ગ્રુપમાં મળે તે વાંચવામાં જ એનો મહત્તમ સમય થઇ જાય છે પસાર! તેની સાથેની વાતચીત દ્વારા જ મને જાણવાં મળ્યું કે તે કુલ ત્રણસોથી વધુ ગ્રુપમાં સભ્ય છે! ને માત્ર ત્રીસેક ગ્રુપમાં જ એડમીન છે! હું તો આશ્ર્ચર્યચકિત! મેં તેને કહ્યું કે હજુ થોડા વધુ ગ્રુપનો જો એ સભ્ય બને તો કદાચ નવો વિક્રમ તેના નામે થઇ જાય! મારા વિધાનનો મર્મ સમજ્યા વિના એ તો રાજી રાજી! પણ પછી મેં એ પણ પુછ્યું તેને કે વાંચવાની મતલબ કે પુસ્તક વાંચવાની તેને અતિશય વ્યસ્તતાને કારણે ફુરસદ જ નથી મળતી તો પછી પુસ્તકોની યાદી માંગવાનું, મંગાવવાનું કારણ શું? વધુ આશ્ર્ચય પ્રેરે એવો જ એનો જવાબ! ‘કોઇ પ્રસંગે કે વાર-તહેવારે પુસ્તક ભેટમાં આપવાની ફેશન આજકાલ પ્રવર્તે છે એટલે જો થોડા સારા ટાઈટલની ખબર હોય તો મઝા પડી જાય! ગ્રુપમાં આપણે નો બીજાથી થોડાં અલગ દેખાઈએ એ ખુબ જ જરૂરી ને!’ સમય જાણે સાવ મફતમાં અને એકદમ વિપુલ જથ્થામાં પોતાની પાસે ઉપલ્બધ છે એટલે તેને વેડફી મારવામાં જરા પણ વાંધો નહીં એવી માન્યતા અને દ્રઢ વિશ્ર્વાસથી જીવતાં વ્યક્તિની સંખ્યા આપણે ધારીએ કે માનીએ છીએ તેના કરતા ખુબ વધારે જ હોવાની! સમયનો સરસ ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિ અને રસ્તાની મસ્ત મઝાની વાતો મેં એક વખત સેશનમાં ઘણા બધા શિક્ષકો સમક્ષ કરેલી. વાંચન અને એમાંયે મસ્ત મઝાના પુસ્તકોનું નિયમિતપણે કરવામાં આવતું વાંચન તો છે શ્રેષ્ઠ માર્ગ! સેશનમાં હાજરી આપનાર અમુક પ્રતિભાગી મિત્રોએ ઉત્સાહથી પુસ્તકોના નામ મને પૂછેલાં- મેં તેઓને ત્યાં જ દસ જેટલા ખુબ જ રસપ્રદ અને તેઓને ભણાવવાની પ્રક્રિયામાં મદદ કરે એવા પુસ્તકોની યાદી લખી આપી. દોઢેક વર્ષ પછી ફરીથી એ મિત્રો પૈકી અમુકે મારા વધુ એક સેશનમાં હાજરી આપેલી. જયારે મેં તેઓને પુછ્યું કે અગાઉ જે પુસ્તકોની યાદી મેં તેઓને આપી હતી એમાંથી કયા પુસ્તકનું તેઓએ વાંચન કર્યુ હતું! દુ:ખની વાત એ હતી કે એક પણ મિત્રએ એ પાંચ પૈકીનું એક પણ પુસ્તક વાંચ્યું નહોતું ને સમય સડસડાટ પસાર થઇ ગયો હતો! દોઢ વર્ષ! પુસ્તક વાંચન શૂન્ય!!
ફૂરસદનો સમય સરસ રીતે, રચનાત્મક અને સર્જનાતમક રીતે પસાર કરવાના અનેક રસ્તાઓ હોય શકે. સમયના સદઉપયોગનું પણ એવું જ. ઘણી વખત આપણે ઘણાં લોકોને એવું કહેતા રહીએ છીએ કે વહેલા ઉઠવાના અનેક ફાયદા છે! દરરોજ જે સમયે સવારે કોઇ ઉઠતું હોય તેને આપણે એક કલાક વહેલાં ઉઠવાનું કહીએ એ માની લો કે સારી વાત છે! પેલી વ્યક્તિ એમ કરે પણ ખરી. પણ પછી એ કલાકમાં તેણે શું કરવાનું છે એ વિશે પણ તેની પાસે સભાનતા, જાગૃતિ અને જાણકારી હોવા ઘટે! અન્યથા પછી એ વ્યક્તિ સમય કઇ રીતે પસાર કરવો એ વિશેની પૂરી માહિતી ન હોવાથી પાછી ઉંઘી જાય એમ પણ બને! ઘણાં વિદ્યાર્થીઓને પણ મેં જરા જુદી રીતે આવું કરતા જોયા છે! આખી રાત તેઓ વાંચે! પછી સવારે પછી ઉંઘી જાય! છેક બપોરે કે બપોર પછી ઉઠે! સરવાળે સમયનો વ્યય જ! વિજ્ઞાને એ સાબિત કર્યુ છે કે રાત્રીના એક થી ચાર દરમિયાન જે પણ શીખો છો, વાંચો લખો છો એ ઝડપથી ભુલાઈ જતું હોય છે. એટલે કદી પણ ઉજાગરા કરીને વાંચવાથી કોઇ જ ફાયદો નથી થતો! સમયનો સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આ વાત પણ ખુબજ ઉપયોગી નીવડે એ પ્રકારની!
હવે કરીએ વાત જન્મદિવસ સંદર્ભે સમયની તેમજ સમય સંબંધે જન્મદિવસની! પુસ્તકની વાત પણ એમાં આવતી હોય એવી વાત સૌ પ્રથમ લઇએ! અમુક મિત્રોને જયારે તેમનો જન્મદિન હોય ત્યારે એક વાત હું રસ અને ઉત્સાહથી કરતો હોઉં છું. તેઓને જો વાંચનનો શોખ હોય પણ ખાસ કંઇ વાંચી ન શકતા હોય તો એવું કહું કે જન્મદિને તેઓ એક સંકલ્પ એવો કે કે હવેથી દર મહિને એક પુસ્તક અચૂક વાંચે! રોજ થોડું વાંચે તો પણ નિયમિત વાંચવાથી મહિનામાં એક પુસ્તક વંચાય જાય! સમય તો થતો હોય પસાર સડસડાટ! આંખના પલકારામાં જાણે પૂર્ણ થઇ જતું હોય છે એક આખું વર્ષ! ને આવી જાય પાછો એ જ દિવસ! જન્મદિવસ! જો સંકલ્પ કર્યો હોય અને પછી એ મુજબ વાંચન પણ કર્યુ હોય તો વંચાય ગયા હોય આ બાર મહિનામાં ઓછામાં ઓછા મસ્ત મઝાના બાર પુસ્તક! આ વાત મેં ઘણા મિત્રોને, જાણીતાઓને, પરિચિત હોય તેઓને જન્મદિવસ પ્રસંગે કહી છે! એટલું જ નહીં, વાંચવાની ખુબ મઝા પડે એવા બાર પુસ્તકોની યાદી પણ મેં તેઓને આપી છે! દસ દસ વ્યક્તિમાંથી માંડ એકાદ વ્યક્તિ જ સંકલ્પ લે છે અને તેના પર અમલ કરવાની કહે છે કોશિશ. હું તો તેને પણ ખુબ શ્રેષ્ઠ પરિણામ જ ગણું છું. આપણે બસ ગમતાંનો ગુલાલ કરવાના પ્રયત્ન કર્યા કરવાના. એમાં જ મઝા!
આ ક્ષણે એક ચિંતકે કહેલી વાત પણ યાદ આવી ગઇ. તેઓએ અદભુત મર્મસભર વાત કરતાં કહેલું કે આપણી જિંદગી એટલે એક સ્વપ્ન! સપના કરતા પણ વધુ ઝડપથી પસાર થતી હોય છે. આપણી જિંદગી! આ વાત જેટલી વહેલી સમજાય એટલો વધુ ફાયદો થયો સમજો! આ વખતે મારા જન્મદિવસ પર મેં એ પ્રયોગ ફરી એક વખત કર્યો જે હું કોઇપણ દિવસે મન થાય અને અનુકૂળતા હોય ત્યારે કરતો હોઉં છું. સવારે ખુબ વહેલાં ઉઠી, પ્રાર્થના કરી, ચાલવાનું કાર્ય સરસ રીતે પૂર્ણ કરીને નક્કી કરેલું પુસ્તક વાંચવાનું શરૂ. આખો દિવસ સેલફોન લગભગ બંધ જ! નેટનો ઉપયોગ તો નહીં જ! લીન થઇને, તલ્લીન થઇને વાંચ્યું. ખૂબ રસથી અને તિવ્રતાથી વાંચ્યું.
એક દિવસમાં બે પુસ્તક પૂર્ણ! માતૃભાષામાં લખાયેલું ગુણવંત શાહનું નિંબધોનું પુસ્તક ‘પ્રેમ એટલે’ અને બીજુ પુસ્તક હતું- પોલો કોએલોનું ‘અલ્કેમિસ્ટ’! અગાઉ પણ આ પુસ્તક વાંચ્યા છે ને ફરી ફરી વાંચવા ગમે એવા મસ્ત છે! ને ત્યાં આવે છે પોસ્ટમેન! જન્મદિવસની અમૂલ્ય ભેટ સમું પુસ્તક કે જે વડોદરાથી ડો.યોગીતાએ મને મોકલ્યું! ને એ હતું- રોબીન શર્માનું.
એ પુસ્તકના અમુક કણિકા સમાન વિધાનો વાંચીને ઉદભવેલા વિચારો મેં તમારી સમક્ષ મૂક્યા! વાંચજો તમે પણ આ પુસ્તક! હું અટકીશ! વિજ્ઞાને એ સાબિત કર્યુ છે કે રાત્રીના એક થી ચાર દરમિયાન જે પણ શીખો છો, વાંચો લખો છો એ ઝડપથી ભુલાઈ જતું હોય છે. એટલે કદી પણ ઉજાગરા કરીને વાંચવાથી કોઇ જ ફાયદો નથી થતો! સમયનો સમજણપૂર્વક ઉપયોગ કરવામાં આ વાત પણ ખુબજ ઉપયોગી નીવડે એ પ્રકારની ! બુક ટોક । સલીમ સોમાણી