પોરબંદરમાં અથડામણ આગજની, તોડફોડ બાદ અજંપાભરી શાંતિ

શાંતિને પલીતો: યુવતીની છેડતી કરાતાં ઘર્ષણ:પોલીસ પર પથ્થરમારો કરાતાં ટિયરગેસના સેલ છોડાયા, ફાયરિંગની પણ ચર્ચા શનિવાર રાતના બનાવની અસરરૂપે સોમવાર સુધી ઉચાટ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, શાંતિની અપીલ પોરબંદરમાં પોલીસવાહનોમાં તોડફોડ અને દરિયામાં નાખવાનો પ્રયાસ પોરબંદર,તા.28
એકબાજુ હિન્દુઓનો પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો છે તો બીજી બાજુ મુસ્લીમોનો પાક રમઝાન માસ ચાલી રહ્યો છે. તેથી પોરબંદરના જુના બંદર રોડ ઉપર પુરૂષોત્તમ માસ નિમીતે ખારવાસમાજની મહિલાઓ-યુવતીઓ કોટ ફરવા માટે નીકળે છે, તો બીજી બાજુ મુસ્લીમ યુવાનો મોડી રાત્રી સુધી ખાણીપીણી સહિત કેરમ જેવી રમત રમીને ટાઈમપાસ કરતા હોય છે ત્યારે પોરબંદરના આ રોડ ઉપર શનિવારે મોડી રાત્રે ખારવાસમાજની યુવતીઓની સિપાઈ જમાતખાના પાસે બેસેલા મુસ્લીમ યુવાનોએ છેડતી કર્યા બાદ ખારવા યુવાનો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ત્યારબાદ ભારે તંગદીલી ફેલાતા છેડતી કરનારાઓ નાસી છૂટ્યા બાદ પોલીસ દોડી ગઈ હતી અને પોલીસ દ્વારા અતિરેક કરવામાં આવતા બે હજારથી વધુ ખારવા યુવાનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને પોલીસવાહનો ઉપર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ થતા પોલીસે પણ બચાવમાં 21 જેટલા ટીયરગેસના સેલ છોડતા આખી રાત આ વિસ્તારમાં તંગદીલી જોવા મળી હતી અને રવિવારે સાંજ સુધી પણ કર્ફ્યુ જેવી પરિસ્થિતિ યથાવત
રહી છે.
લુખ્ખાઓએ કરી છેડતી
પોરબંદરમાં મોટી સંખ્યામાં ખારવાસમાજની બહેનો-યુવતીઓ પુરૂષોત્તમ માસ નિમીતે કોટ ફરવા માટે નીકળે છે. જુના બંદરથી સ્ટેટ લાયબ્રેરી થઈ પોસ્ટઓફિસથી શીતલાચોક તરફના રસ્તે પરંપરાગત રીતે પૂજન માટે અને કોટ ફરવા માટે પગપાળા નીકળતી યુવતીઓ જ્યારે સ્ટેટ લાઈબ્રેરી નજીક સિપાઈ જમાતખાના પાસેથી નીકળી ત્યારે ત્યાં બેઠેલા કેટલાક લુખ્ખા તત્વોએ આ યુવતીની છેડતી કરવાનું શરૂ કરતા યુવતીઓએ જડબાતોડ જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.
તલવારો લઈને દોડ્યા
પરંતુ વધારે ઉશ્કેરાયેલા શખ્સોએ વધુ છેડતી કરતા નજીકમાંથી જ પસાર થતા કેટલાક ખારવા યુવાનોએ આ દ્રશ્ય જોયું એટલે લુખ્ખાઓને સમજાવવા ગયા. એટલી વારમાં તો નજરે જોનાર વ્યક્તિઓના જણાવ્યા અનુસાર કેટલાક મુસ્લીમ યુવાનો તલવારો લઈને દોડી આવ્યા હતા. આથી ખારવાયુવાનો પણ યુવતીઓની છેડતી બાબતે ઉશ્કેરાઈ ગયા હતા અને પથ્થરો લઈને સ્વબચાવમાં પ્રહારો કર્યા હતા.
પોલીસ દોડી ગઈ
કોઈએ 100 નંબર પોલીસને જાણ કરતા તાત્કાલીક પોલીસકાફલો દોડી ગયો હતો અને ઉશ્કેરાઈ ગયેલા યુવાનોને અલગ પાડવાની કોશિષ કરી ત્યારે કોઈ શખ્સોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરતા ક્ધટ્રોલરૂમેથી સમગ્ર શહેરની પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. સીટી ડી.વાય.એસ.પી. પટેલ પણ ત્યાં દોડી ગયા હતા અને થોડા સમયમાં જ વાતાવરણ ખૂબ જ તંગદીલીભર્યું બની જતા અંદાજે બે હજાર જેટલા ખારવાયુવાનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.
ટોળું જોઈને પોલીસની પીછેહઠ
જૂના બંદરથી કબ્રસ્તાન સુધી પોણો કિલોમીટરના રોડ ઉપર ખારવા યુવાનોનું ટોળું ઉશ્કેરાયેલું હોવાથી પોલીસને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. ઉશ્કેરાયેલા યુવાનો ગાળાગાળી કરતા હતા તો સામેપક્ષે પોલીસ પણ મોટી-મોટી સંભળાવતી હતી. એ દરમિયાન હેડ પોસ્ટઓફિસ સુધી પોલીસને પરત ફરવાની ફરજ પડી હતી.
21 ટીયરગેસ છોડ્યા
પોરબંદરના સીટી ડી.વાય.એસ.પી. પટેલ દ્વારા આ બનાવ બાદ વધુ તંગદીલી ફેલાય નહીં તે માટે ટીયરગેસ છોડવાનું શરૂ કર્યું હતું અને ટોળાને વિખેરવા માટે 21 જેટલા ટીયરગેસના સેલ છોડ્યા હતા.
વાહનોને આગ ચાંપી
ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોને પણ આગ ચાંપવાનું શરૂ કરી દીધું હતું અને ત્યાં પાર્ક કરેલા મોટરસાયકલને સળગાવી દીધા હતા. તેથી પોલીસને વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ટોળાને વિખેરવાની ફરજ પડી હતી.
પોલીસ વાહનોમાં તોડફોડ
પોલીસ અને ખારવાયુવાનો વચ્ચે ઘર્ષણ ચરમસસીમાએ પહોંચી જતા પોલીસ ઉપર પણ બેફામ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ પોલીસની જીપમાં પણ મોટામોટા પથ્થરો મારીને કાચ તોડ્યા બાદ સ્ટીયરીંગ અને અન્ય સ્પેરપાર્ટસ પણ તોડી નાંખ્યા હતા. લાઈટો ઉપર બેલા મારીને ભાંગી નાખવામાં આવી હતી.
રાતભર ધમાલ ચાલી
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં થયેલા ડખ્ખા બાદ આખી રાત ધમાલ ચાલી હતી. પોલીસના ધાડેધાડા ખારવાવાડમાં ઉતારી દેવાયા હતા અને ઘરેઘરેથી પકડી-પકડીને ખારવાયુવાનોને બહાર કાઢીને પોલીસ દ્વારા બેફામ માર મારવા સહિત કેટલીક મહિલાઓ સાથે પણ અભદ્ર વર્તન કરીને પોલીસે પોતાનો ગુસ્સો પૂરેપૂરો નિર્દોષ લોકો ઉપર ઠાલવીને રીતસરનો અત્યાચાર કર્યો હતો. પોલીસની જીપને ઊંચકીને દરિયામાં નાખવાનો પ્રયાસ ! પોરબંદરમાં ખારવાયુવાનોનું ટોળું એટલી હદે ઉશ્કેરાઈ ગયું હતું કે પોલીસની જીપને ઉંચકીને તેઓએ દરિયામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો. 100 થી વધુ લોકોના ટોળાએ મોડી રાત્રે પોલીસની જીપને ઉંચી કરી હતી પરંતુ સ્ટેટ લાયબ્રેરી સામે દરિયા આડે દિવાલ હોવાને કારણે તે અંદર પડી ન હતી. આથી અંતે તેના ઉપર પથ્થરમારો કરીને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ પોલીસના ત્રણ જેટલા મોટરસાયકલ ખારવાયુવાનોએ ઉંચકીને દરિયાકાંઠે ફેંકી દીધા હતા જેને સવારે પોલીસે પુન: બહાર કાઢી લીધા હતા તેમાં પણ મોટું નુકસાન જોવા મળ્યું હતું. 8 જેટલા સરકારી વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.  પોલીસે ખારવાવાડમાં 400 થી વધુ વાહનોમાં કરી તોડફોડ સામાન્ય રીતે શાંત મનાતા ખારવાસમાજના લોકોને ઉશ્કેરવાનો પૂરેપૂરો પ્રયાસ છેડતી કરનારાઓ બાદ પોલીસે પણ કર્યો હતો, તેથી જ ખારવા યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા. પોલીસે પરિસ્થિતી શાંત પાડવાને બદલે ધોકા લઈને ખારવાવાડ વિસ્તારમાં રીતસર આતંક મચાવીને જાણે કે આ પાકિસ્તાનની હદમાં હોય તેમ ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. સૂતેલા લોકોના બારી-બારણામાં ધોકા પછાડીને અનેક મકાનોના કાચ તોડી નાંખ્યા હતા તે ઉપરાંત લોકોએ ઘર બહાર પાર્ક કરેલા મોટરસાયકલ અને રીક્ષા સહિત વાહનોમાં પણ આડેધડ ધોકા મારીને તોડફોડ કરવામાં આવી હતી. 400 જેટલા મોટરસાયકલ સહિત વાહનોમાં પોલીસે તોડફોડ કરીને આતંક ફેલાવ્યો હોવાનું ખારવા આગેવાનોએ જણાવ્યું હતું. પોરબંદરના બંદર રોડ ઉપર શનિવારે મોડીરાત્રે અથડામણ બાદ ટોળાએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસની જીપને દરિયામાં નાખવાનો પ્રયાસ થયો હતો. મોટા પથ્થરો વડે તેને નુકસાન પહોંચાડાયું હતું તો પોલીસના ત્રણ બાઈક પણ તોડફોડ કરીને દરિયાકાંઠે ફેકી દેવાયા હતા. (તસ્વીર: જિજ્ઞેષ પોપટ)