સ્મરણથી મરણ વચ્ચે ક્ષણોની સફર... એજ જિંદગી...

જિંદગી એટલે ખાવુ પીવુ અને ખેરસલ્લા? ના... જીવન એટલે જીવાતી ક્ષણ ક્ષણના સરવાળા-ભૂલોના ભાગાકાર. ગમના ગુણાકાર સુખદ અથવા દુ:ખદ સ્મૃતિઓના ચોસલા મનના મેળા ઉપર વ્યવસ્થિત ગોઠવાઈને પડયા હોય છે, જે એકાંત મળતા જ એક પછી એક મનની સ્ક્રિન ઉપર જીવંત બની ઉઠતા હોય છે, કદાચ એટલેજ આપણે જીવનની સુખદ પળોનું સ્મરણ વારંવાર કરતા રહીએ છીએ. એટલું જ નહિ, તેનાથી જીવન માટે નવું જોમ પણ મેળવી લેતા હોઈએ છીએ. એટલે જ કદાચ સ્મરણ અને મરણ વચ્ચેનો સમય એટલે જિંદગી તેમ કહેવામાં જરાય અતિશયોકિત નહિ ગણાય.
અમારા તડપવાનું કારણ સ્મરણ છે
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે
- પ્રમોદ અહિરે
આમ તો સ્મરણ સુખદ હોય તોજીવનનું ચાલકબળ બની શકે છે પરંતુ! કેટલીક સ્મૃતિઓ ચૈન આપવાને બદલે તડપ આપનારી બની રહેતી હોય છે, પ્રિયા સંગાથે નદી કિનારે પાણીમાં પથ્થર ફેંકયા હોય કે સાગર કિનારે ખૂલ્લા પગે રેતીમાં પગલા પાડયા હોય એક બીજાના નામ લખ્યા હોય, એનું સ્મરણ કેટલું આહલાદક હોય? પરંતુ મંઝીલ સુધી પહોેંચતા પહેલા જ બે પૈકિ એક પાત્ર અડધા રસ્તે જ વળાંક વળી જાય તો? ત્યારે આ સ્મૃતિમનને દઝાડે છે, અને રોજ સ્મરણ મરણનો અહેસાસ કરાવી જાય છે.
હોય તારું સ્મરણ તો લાગે છે
રણઝણે હો સિતાર મારામાં
- મહેશ દાવડકર
જિંદગીમાં સુખ દુ:ખ અને તડકો છાંયો ચાલ્યા જ કરે છે, કોઈ સદા સુખી કે કાયમ દુ:ખી નથી રહેતું. પરંતુ કયારેક સંજોગો એવા સર્જાય કે ચોમેર દુ:ખની ડમરી ઉડતી હોય, વગર વાંકે આપણે જ સહન કરવું પડે, આર્થિક વિટંબણાઓ વચ્ચે માંડ જીવન ટકાવવા સતત સંઘર્ષ કરવો પડતો હોય, ગમે તેટલી મહેનત કરવા છતાં પાસા ઊંધા જ પડી રહ્યા હોય, છતાં એ વખતે મનની માનીતી વ્યકિત સાથે પસાર કરેલા સમયની સ્મૃતિ થતા જ જીવનમાં જાણે સીતાર રણઝણતી હોય તેવું લાગે એ જ સ્મરણની ખરી કિંમત બતાવે છે.
માર્ગમાં સ્મરણોનું લે ટોળું થયું
પ્હોંચતા તારા લગી મોડું થયું
- મહેશ દાવડકર
સ્મૃતિ સૌને ગમે છે, ભવિષ્યની કોઈને ખબર નથી, વર્તમાનમાં આપણે વ્યસ્ત હોઈએ છીએ, એટલે જ ભૂતકાળ ખૂબ મીઠો લાગે છે, કારણ કે એ આપણી આંખ હેઠળથી પસાર થયો હોય છે, પરીક્ષા પહેલા વિદ્યાર્થી એકના એક પુસ્તકો વારંવાર વાંચી પાકા કરે છે, તેમ આપણે ભૂતકાળની સ્મૃતિના સરવડામાં વારંવાર ભીંજાતા રહી આનંદ મેળવીએ છીએ. કયારેક કયારેક કોઈ એકમાંથી બીજુ, બીજામાંથી ત્રીજું એમ સ્મરણોનું આખું ટોળું પણ ભેગુ થઈ જાય છે, ને આપણે જયાં જવાનું હોય જેની પાસે પહોંચવાનું હોય તેમાં મોડું થઈ જાય છે, એ જ તો સંસ્મરણો વાગોડવાની મજા છે ને!
બે ઘડી વાગોળવાની ચીજ છે
આ સ્મરણ સંભાળવાની ચીજ છે
- કિરણ ચૌહાણ
જ્ઞાનીજનો કહે છે ભૂતકાળ ભૂલી આવતીકાલ તરફ નજર રાખો તેમાં જ શ્રેય છે, શ્રી કૃષ્ણ મથુરા છોડી દ્વારકા આવ્યા બાદ કયારેય મથુરા ગયા ન હતા, તે ધારત તો જઈ શકયા હોત, પરંતુ કિરણ ચૌહાણ ભૂતકાળને માણવાની તરફેણમાં છે, તેમાં પણ આપણે માણેલી ક્ષણો સુખદ હોય તો વાત જ કંઈક ઔર ગણાય. એટલે જ તે કહે છે કે સ્મરણ એ બે ઘડી વાગોળવાની ચીજ છે, ગમે તેવી નિરાશા હોય અને કનડતું એકાંત હોય ત્યારે જીવનની કોઈ સુખદ સ્મૃતિ યાદ કરતા જ થાક ઉતરી જાય છે, કદાચ એટલે જ સ્મરણને સંભાળીને રાખવાની તેઓ હિમાયત કરી રહ્યા છે. આસ્વાદ બાલેન્દુ શેખર જાની