મડ હાઉસ: પર્યાવરણ સુરક્ષાનો કલાત્મક કીમિયો । યે ઘર બહોત હસીન હૈ.....

પાકા મકાન બનાવવા માટે વીજળી ,પાણી, લોખંડ, ઈંધણની જરૂર પડે છે ,મડ હાઉસમાં આ બધાની બચત થાય છે સિમેન્ટ કોંક્રિટના જંગલો વચ્ચે ટાઢક આપતા મડ હાઉસ પર્યાવરણ માટે સુરક્ષિત અને માનવજીવનમાં શાંતિ આપનારા છે રાજકોટ થી થોડે દુર કણકોટ રોડ પર નારાયણ નગર રેસિડેન્સીમાં બધા મકાનોમાં એક મકાન કંઈક અલગ છતાં આકર્ષક લાગે છે. ગ્રામ્ય જીવનની યાદ તાજી કરાવે એવી લાકડાની નાનકડી ડેલી અને તેને હડસેલીને અંદર જાવ એટલે બે-ત્રણ પગથિયા ચડીને લાકડાનું પ્રવેશદ્વાર આવે,તેની કિનારીએ સુંદર પેઇન્ટિંગ કરેલું જોવા મળે તથા તેની બંને બાજુ માટીની અંદર રંગબેરંગી બોટલનાં કાચને આકર્ષક રીતે સજાવેલા નજરે ચડે, સામે જ લાકડાનું ડાઇનિંગ ટેબલ જોવા મળે છે. જમણી તરફ ઝુલો અને જૂના જમાનાની પટારીમાંથી બનાવેલ સોફાની સજાવટ સુંદર લાગે છે. દિવાલમાં ગોખલો અને જાણે કોઈ ગામડાના ઘરમાં આવી ગયા હોય તેવું આબેહૂબ દ્રશ્ય લાગે. આ ઘર પટેલ દંપતી લોપા શીતલનું છે જેને અત્યારે લોકો મડહાઉસ તરીકે ઓળખે છે. પર્યાવરણ માટે એકદમ સુરક્ષિત અને ઇકો ફ્રેન્ડલી આ મડ હાઉસમાં છેલ્લા ઘણા વર્ષથી તેઓ રહે છે અને આવા જ મકાન બીજા લોકોને બનાવી પણ આપે છે.
મડ હાઉસ વિશે માહિતી આપતા શીતલભાઈ પટેલે જણાવ્યું કે વર્ષો પહેલા ખેતરની સારી-માટી મકાન બનાવવાની ઈટો બનાવવા માટે લઈ જતાં જોઈને કંઈક જુદું કરવાનો વિચાર આવ્યો. ધરતીકંપમાં કચ્છમાં જે મકાન પડી ગયા તે કાટમાળ કચરા તરીકે જ ફેંકી દેવામાં આવ્યો હતો.આમ કૈક નવું અને સારું કરવાના વિચાર સાથે ઈકો ફ્રેન્ડલી મકાન બનાવવાનો વિચાર આવ્યો.અનેક જુદી જુદી જગ્યાએ જઈ મકાનોના અભ્યાસ કર્યા બાદ પ્રથમ પોતાને રહેવા માટે મકાન બનાવ્યું. ગોરમટુ માટી,ઘઉંની કુંવર કે જીરુંના ડાળખા તથા ગોબર આ બધું મિક્સ કરીને બનાવવામાં આવ્યું.જેમાં ગરમીમાં ઓછી ગરમી અને ઠંડીમાં ઓછી ઠંડી લાગે છે.હાલ થોડો ફેરફાર કરીને ફેરો સિમેન્ટ વાપરીને બેડરૂમના પલંગ, સોફા, ચેર તેમજ અગાસીની દિવાલ વગેરે બનાવ્યા છે.ફેરો સિમેન્ટને જે આકાર આપવો હોય તે આપી શકાય છે અને તેનું પાતળું લેયર પણ મજબૂતી આપે છે તેથી જે કલાકારીગીરી કરવી હોય તે કરી શકાય છે.કુદરતની નજીક રહેવાનો આનંદ કંઇક ઓર હોય છે.લોપા શીતલ દંપતિ સાથે મળીને જ આવા મકાનો બનાવી આપે છે.તેમણે અત્યાર સુધીમાં રાજકોટ સહિત જામનગર જૂનાગઢમાં આવા વીસેક મકાનો બનાવ્યા છે.દરેક મકાન લોકોની જરૂરિયાત,પસંદગી તથા બજેટ મુજબ બનાવી આપે છે. તેમનું ભવિષ્યનું સ્વપ્ન છે કે વધુ લોકો મડ હાઉસ બનાવી પર્યાવરણની નજીક રહી તેની જાળવણી અને સુરક્ષા કરે. ઇકો ફ્રેન્ડલી અને પર્યાવરણ માટે સુરક્ષિત
સિમેન્ટ-કોંક્રીટના મકાનમાં જે પાકી ઈટો વપરાય છે તે તથા સિમેન્ટ લોખંડ, લાવવા-લઇ જવાનો ખર્ચ બચે છે. આ રીતે પેટ્રોલનો વપરાશ બચાવી પર્યાવરણ સુરક્ષા માં યોગદાન આપી શકાય.
સિમેન્ટની દિવાલો બનાવતી વખતે ખૂબ પાણી પાવું પડે છે માટીની દિવાલોને પાણીની જરૂર પડતી નથી.
મડ હાઉસમાં દરેક ઋતુમાં અનુકુળ વાતાવરણ હોવાથી ઇલેક્ટ્રિસિટીની બચત થાય છે.
એક મડ હાઉસને પાડીને ફરીથી એ જ મટિરિયલમાંથી બીજુ બનાવી શકાય આમ રેતી સિમેન્ટ અને લોખંડનો કચરો વધારવાનું ટાળી શકાય છે.
જે પાકી ઈંટથી મકાનો બનાવવામાં આવે છે તેમાં પણ ઊંચા તાપમાનની જરૂર હોય છે એટલે વીજળી વગેરે વપરાયેલ હોય છે માટીને કારણે તેની બચત થઈ શકે છે.
આ રીતે વીજળી, પાણી, ઇંધણ વગેરે ની બચત કરીને મડ હાઉસથી પર્યાવરણને સુરક્ષિત રાખી
શકાય છે.   વસંતભાઇનો ઇકો ફ્રેન્ડલી આશ્રમ
કોટડાસાંગાણી નજીક પડવલા ગામ પાસે સો વિઘા જમીનના એક વિસ્તારમાં માટીથી બનેલ આકર્ષક ઘર જોવા મળે છે જેને આશ્રમ નામ આપેલ છે. એન્જિનિયરીંગ એક્સપોર્ટસ સાથે સંકળાયેલ રાજકોટના મોટા ઇન્ડસ્ટ્રીયલીસ્ટ વસંતભાઈ માંગરોળિયા એ શહેરની ભાગદોડથી દૂર અહીં કુદરતના સાનિધ્યમાં શાંતિથી રહી શકાય એ માટે આ જગ્યા બનાવી છે.રાજકોટમાં કાલાવડ રોડ પર 4000 સ્કવેર ફિટના અલ્ટ્રા મોડર્ન ફ્લેટ માં રહેતા વસંતભાઈએ 100 વિઘાની આ જગ્યામાં થોડી જગ્યામાં એક હોલ,મડ કોટેજીસ, મેડિટેશન હોલ વગેરે બનાવ્યા છે.આશ્રમ એવી જગ્યા છે કે જ્યાં બીડી, તમાકુ, દારૂ-જુગારનું જેને પણ વ્યસન ન હોય એ આવી શકે છે. પોતાના પરિવારજનો અને મિત્ર વર્તુળ સાથે અવારનવાર તેઓ અહીં આવે છે અને લાકડાના ચૂલામાં બનાવેલ શુદ્ધ ભોજન લોકોને જમાડે છે. ઇકો ફ્રેન્ડલી આ મકાનમાં સો વર્ષ જૂના બારણા અને જૂની વસ્તુઓ શોધીને લગાવેલ છે કારણકે નવા લાકડાના ઉપયોગ માટે અનેક વૃક્ષનો નાશ કરવો પડે. તેઓ વૃક્ષોને કાપીને ઉપયોગ કરવા કરતા તે વાવીને પર્યાવરણના જતનમાં માને છે.તેમના આ આશ્રમમાં આંબો, લીમડો, પીપળો વગેરે અનેક વૃક્ષો છે. આમ પોતાના શબ્દો નહીં પણ પોતાના વ્યવહાર દ્વારા જ પર્યાવરણ સંદેશ તેઓ આપે છે.