પોરબંદરમાં મેદની એકઠી કરવા એસ.ટી બસોને બદલે પાંચ એમ્બ્યુલન્સ દોડાવાઈ

દર્દીઓને લઈ જવા સમયે બંધ હોય કે ડ્રાઈવરો નથી હોવાના બહાના પણ સુજલામ સુફલામ ના સમાપન કાર્યક્રમમાં તંત્રની કાર્યવાહીથી ઉઠતો વિરોધ
પોરબંદર તા,2
અત્યાર સુધી સરકારી કાર્યક્રમોમાં મેદની ભેગી કરવા એસ.ટી. બસો દોડાવાતી હતી પરંતુ પોરબંદર જિલ્લા પંચાયતે હદ વટાવીને એમ્બ્યુલન્સો દોડાવી બગવદર ગામે જળસંચય સમાપન સમારોહમાં આરોગ્ય કેન્દ્રની આશા વર્કર બહેનો સહિત અન્ય મહિલાઓની જનમેદનનીને મુકવા - લેવા માટે ફેરા કરવામાં આવતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું અને કોંગ્રેસ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, એકબાજુ પોરબંદરની જુદા જુદા સરકારી આરોગ્ય કેન્દ્રમાં જયારે ઇમરજન્સી સારવાર માટે ઇજાગ્રસ્તો અથવા દર્દીઓન ેલાવવામાં આવે છે ત્યારે મુખ્યત્વે એક જ બહાનું બતાવી દેવાય છે કે, ડ્રાઇવર નથી, એમ્બ્યુન્સ બંધ છે. પરંતુ બગવદર ગામે યોજવામાં આવેલ જળસંચય યોજના સુજલામ-સુફલામના સમાપન સમારોહમાં જનમેદની ભેગી કરવા તેમાં પણ ખાસ કરીને આશા વર્કરો અને અન્ય જનમેદનીને બગવદર ખાતે લાવવા લઇ જવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની અલગ - અલગ સેન્ટરો ઉપર ફરજ બજાવતી પાંચ - પાંચ એમ્બ્યુલન્સને ફેરા કરવા માટે મોકલી દેવામાં આવી હતી અન ેતેમાં આશા વર્કર મહિલાઓ બગવદર ખાતે આવી પહોંચી હતી. આ પ્રકારના દ્રશ્યો જોઇને સ્વાભાવિક રીતે જ લોકોમાં પણ એટલા માટે ટીકા થતી હતી કે, સરકારી તંત્ર અત્યાર સુધી એસ.ટી. બસોને દુરઉપયોગ જનમેદની એકત્ર કરવા માટે કરે છે પણ હવે તો હદ વટાવી દઇને એમ્બ્યુલન્સનો ઉપયોગ પણ મેદનીને એકત્ર કરવા માટે થતી હોવાનું બહાર આવતા ભારે આશ્ચર્ય સાથે તંત્રની બેદરકારી સામે રોષ પણ જોવા મળ્યો હતો. આ મુદ્દે રાજ્યના આરોગ્યમંત્રીને પણ ફરિયાદ કરીને તપાસની માંગણી કરવામાં આવી છે.