રાજકોટવાસીઓ રોજ 3 કરોડ વ્યસન પાછળ ખર્ચે છે! । વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ

વ્યસનમાં રોજ થઇ રહેલો વધારો ચિંતાજનક, વ્યસનની ગુલામીમાંથી યુવાધન છુટી શકતું નથી ફાકી-તમાકુના સેવનથી યુવાનોની સેકસ લાઇફ પણ બગડે છે, નપુંસકનો પણ ભય ડોકટરોનો એક જ સૂર, વ્યસન એટલું લોકોના માનસમાં ઘર કરી ગયું છે કે, આતંકવાદને મારવો સહેલો છે, પણ લોકોને વ્યસન છોડાવવું બહુ જ અઘરું છે મોઢાના કેન્સર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં, તમાકુનું વ્યસન દર વર્ષે 70 લાખ લોકોનો ભોગ લે છે રાજકોટ તા.31
આજે 31મી મે એટલે વિશ્ર્વ તમાકુ નિષેધ દિવસ, તમાકુ-સિગારેટનું વ્યસન છોડવું ઘણું કઠણ કામ છે. મોટાભાગનાં વ્યસનીઓ તમાકુ છોડવા ઇચ્છે છે પરંતુ તેની ગુલામીમાંથી છુટી શકતા નથી. આજની ભાગદોડવાળી આધુનિક જીવનશૈલીમાં વ્યકિતઓ વ્યસનના રવાડે છે, ત્યારે 40 ટકાથી વધુ શહેરીજનોને આવા જ કોઇ એક વ્યસનની લત પડી ગઇ છે. રાજકોટમાં રોજના 3 કરોડ રૂપિયાની કિંમતનું વ્યસ્ન લોકો આરોગી જાય છે. 31મી મે ના રોજ વિશ્ર્વમાં વર્લ્ડનો ટોબેકો ડે ઉજવવામાં આવે છે ત્યારે કેન્સર સામે લડતી સંસ્થાઓ લોકોની આદત છોડવા માટે પ્રયત્નો કરે છે પરંતુ હવે આ વ્યસન એટલું લોકોના માનસમાં ઘર કરી ગયું છે કે તબીબો કહી ઉઠયા હતા કે આતંકવાદને મારવો સહેલો છે પણ વ્યસની લોકોને છોડાવવા બહુ જ અઘરા છે. લોકો વ્યસન પાછળ પોતાના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. ઉપરાંત મોતને પણ આમંત્રીત કરી રહ્યા છે. સૌથી વધારે વ્યસનના રવાડે યુવાધનમાં વ્યસનનો ક્રેઝ વધતા ચિંતાજનક કહી શકાય. રાજકોટમાં સૌથી વધારે ફાકી-પાન ખાવાનું ચલણ છે, દરેકે રોડ ઉપર પાનની દુકાનો અચુક જોવા મળે એક-બે નહીં પણ બાજુબાજુમાં પાનની દુકાનો હોય તેવું માત્ર આ એક જ શહેર છે. રાજકોટમાં યુવાનોમાં નપુસકતાનું પ્રમાણ વધી રહ્યું છે કારણ તમાકુના સેવન છે. મોટાભાગના સંતાન પ્રાપ્ત ન થવા પણ ધુમ્રપાન અને તમાકુ જવાબદાર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. તમાકુના કારણે દેશમાં દર વર્ષે 70 લાખથી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. તમાકુથી થતા શારીરિક નુકસાન વિશે લોકો જાણતા હોવા છતા તેના સેવનમાં ઘટાડો થવાને બદલે ઉતરોતર વધારો થઇ રહ્યો છે. તમાકુનું સેવન કરનારા લોકોમાં દરરોજ પ હજારથી વધુ લોકોનો ઉમેરો થઇ રહ્યો છે.
ગુજરાતમાં સૌથી વધારે વ્યસનની લત સૌરાષ્ટ્રના લોકોને છે. દર 10 વ્યકિતમાંથી 7 વ્યકિતને ફાકીનું વ્યસન છે ત્યારે જે આંકડો રોજ વધી રહ્યો છે તે ચિંતાજનક છે ત્યારે આ પ્રશ્ને સરકારે જાગૃત ફેલાવવાની તાતી જરૂર છે તો જ સાચા અર્થમાં આ દિવસની ઉજવણી કહેવાશે. તમાકુ દી’ને જ વ્યસન છોડવાનો સંકલ્પ કરો
તમાકુ છોડવા માટે હજારો લોકો પોતાની જીંદગીમાં કયારેક ને કયારેક તમાકુ છોડવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેમાં તેઓ સફળ થઇ શકતા નથી. તમાકુ ડે ના દિવસે જો તમાકુ છોડવા માટે એ વ્યકિત અંદરની ઇચ્છા અને એ માટેનું દ્રઢ સંકલ્પ કરશે તો તમાકુના સેવનમાંથી જરૂર મુકિત મળી શકશે. જો દરેક વ્યસન કરતો વ્યકિત પોતાનું મન મનાવી લેશે તો જરૂર વ્યસની ચુંગાલમાંથી મુકત થઇ શકશે. બાળકો પણ ચાવે છે તમાકુ
ધોરણ 8 થી 10 માં ભણતા બાળકોમાં 29.3 ટકા છોકરાઓ અને 4.3 ટકા છોકરીઓ તમાકુનું સેવન કરે છે. ગુજરાતમાં ગ્લોબલ યુથે ટોબેકોનો સર્વે કર્યો હતો. શું છે જાહેરનામું ? કોઇપણ જાહેર સ્થળમાં ધુમ્રપાન એ ગુનો બને છે.
સ્કુલ-કોલેજની 100 મીટર ત્રિજ્યામાં તમાકુનું કોઇપણ સ્વરૂપે પ્રતિબંધ
એરપોર્ટ-હોટેલોમાં સ્મોકીંગ ઝોન ફરજીયાત પોલીસ મનપાનું
જાહેરનામું માત્ર ચોપડે જ !
સ્કુલોની આજુબાજુ પાનની દુકાનો ના હોવી જોઇએ, સરકારી હોસ્પીટલો કે સરકારી ઓફીસોમાં જાહેરમાં સિગારેટ ઉપર પ્રતિબંધ કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે પરંતુ રાજકોટની પોલીસ અને મહાપાલીકાનું માત્ર ચોપડા ઉપર જ છે, કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજકોટમાં 7 હજારથી વધુ પાનની દુકાનો 40 ટકા લોકોને વ્યસન
પાનનો વેપાર જ્યાં સૌથી વધારે હોય તો તેમાં રાજકોટ ટોપટેનમાં આવી શકે, રાજકોટમાં પાન-ફાકીનો કરોડોનો વેપાર છે. કારણ કે 40 ટકા લોકોને તેનું વ્યસન છે એટલે જ રાજકોટની શેરી-ગલ્લીઓમાં પાનની દુકાનો આવેલી છે. અંદાજે શહેરમાં 7 હજારથી વધારે દુકાનો આવેલી છે. તમાકુ ખાવાથી કયાં પ્રકારના રોગ શરીરને આવી જાય છે
ફેફસાનું કેન્સર, મોઢાનું કેન્સર, અન્નનળીનું કેન્સર, કાકડાનું કેન્સર તે ઉપરાંત તમાકુ મોઢામાં ચાવીને ખાવાથી માત્ર એક કે આગળ મોઢુ ખુલે, મોઢામાં ચાંદા પડવા, દાંત પર ડાઘા પડી જવા, દાંત ઢીલા પડી જાય છે. તે એક પ્રકારના કેન્સરની નિશાની છે. મોટી ઉંમરે અંધાપો આવી શકે છે. તમાકુ સિગારેટ પીવાથી શું થાય ?
હૃદયના ધબકાર તેજ થાય,
લોહીમાં કાર્બન મોનોકસાઇડનું સ્તર વધી જાય છે.
ઉધરસ આવે, શ્ર્વાસ લેવામાં તકલીફ પડવી.
દોડવું, કે ઉંચી ઇમારતો પર ચડતા થાકી જવાય.
હૃદયની બીમારીઓ વધવાની શકયતાઓ રહે છે.
બ્રેઇન હેમરેજ, હૃદયરોગ થઇ શકેે
છાતીમાં અવાર-નવાર દુ:ખાવો થવો
આ ઉપરના ચિહનો કેન્સરને આમંત્રણ પાઠવે છે.
તમાકુ-સિગારેટ છોડવા માટે શું કરશો
તમાકું-દારૂનું સેવન કરતાં મિત્રોથી દુર રહેવાનું પસંદ કરો.
ખિસ્સામાં કે ઘરમાં સિગારેટ, ગુટખા રાખવાનું ટાળો.
વ્યસન છોડવા કોઇ એક તારીખ નક્કી કરી લો, પછી કોઇ દિવસ તેને અડવાનું બંધ કરો.
રોજ કસરત કરો, વ્યાયામ કરો, પ્રવૃતિમાં વ્યસ્ત રહો.
ચા-કોફી ઓછી પીઓ, તેમાં રહેલા કેફીન નિકોટીન તલપ વધારે છે.
બને તેટલું પાણી પીવાનું રાખવું જોઇએ.