દેશમાં બીડી-સીગારેટ પીનારાની સંખ્યા 12 કરોડથી વધુ । કાલે વર્લ્ડ નો ટોબેકો ડે...

દરરોજ 3 હજાર લોકોના ધુમ્રપાનના કારણે મોત - ડો. ધર્મેશ સોલંકી, ડો.જયદીપ દેસાઈ રાજકોટ,તા.30
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ નક્કી કર્યા મુજબ દર વર્ષે 31 મે ને તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દ્રવારા તમાકુથફી થતા શારીરીક નુકસાનને કઇ રીતે અટકાવવુ તે અંગેની જાગૃતી લાવવા સામાજીક સંસ્થાઓ તબીબી એસોસીએશનો અને સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ વર્ષનો વિશેષ વિષય તમાકુ અને હૃદયરોગ છે. સરકાર દ્વારા જાહેરમાં ધુમ્રપાન ઉપરનો પ્રતિબંધ ઓક્ટોબર-2008 થી અમલમાં છે. પરંતુ તેનું પાલન કેટલુ થાય છે તે આપણે જાણીએ છીએ.
વોકહાર્ટના હોસ્પિટલના ડો.ધર્મેશ સોલંકી અને ડો.જયદીપ દેસાઈએ જણાવેલ હતું, કે આપણા દેશમાં બીડી-સીગારેટ પીનારાની સંખ્યા લગભગ 12 કરોડથી પણ વધારે હશે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા અનુસાર વિશ્ર્વના બીડી-સીગરેટ પીનારા લોકોમાંથી લગભગ 17% લોકો ભારતમાં છે એક સર્વે પ્રમાણે લગભગ 30% ભારતીય પુરુષો ધુમ્રપાન કરે છે અને સ્ત્રીઓમાં તેનું પ્રમાણ લગભગ 3 થી 5 ટકા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર આપણા દેશમાં સિગારેટ પીનારાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ સ્ત્રીઓમાં તેનું પ્રમાણ વધ્યું છે તે ચિંતાજનક બાબત છે. 15 વર્ષથી વધુની ઉંમરના લોકોમાં સિગારેટ પીવાનું પ્રમાણ વધ્યું છે એક સર્વે પ્રમાણે આપણા દેશમાં તમાકુનું વ્યસન કરનારા લોકોમાં દરરોજ નવા 5500 લોકોનો ઉમેરો થાય છે.
વધુમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક સ્તરે મૃત્યુનું મુખ્ય કારણ હૃદયરોગ છે. હૃદયરોગ થવા પાછળ ઘણા પરિબળો જવાબદાર હોય છે જેમાં 30% હૃદયરોગ ધુમ્રપાનને કારણે થાય છે. હૃદયરોગને કારણે થતા મૃત્યુમાં ધુમ્રપાન 3 ગણો વધારો કરે છે. ધુમ્રપાનના બે પ્રકાર છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. સિગારેટમાંથી નીકળતા ધુમાળામાં અનેક પ્રકારના તત્વો હોય છે જેમાંથી એક કાર્બનમોનોક્સાઈડ છે. કાર્બનમોનોક્સાઈડ વધુ પ્રમાણમાં લોહીમાં રહેલ ઓક્સીજનના વહનની ક્ષમતા ઘટાડી દે છે તેના કારણે હૃદય, ફેફસા, મગજ અને બીજા અગત્યના અવયવો પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળતો નથી તેથી તેમની કાર્યક્ષમતામાં ઘટાડો થઇ જાય છે. સિગારેટમાં રહેલ નિકોટીન હૃદયના ધબકારા તથા લોહીનું દબાણ વધારી દે છે. તમાકુનું સેવન કરનારા લોકો હાઈબ્લડપ્રેસર, લોહીનું ગંઠાઇ જવું, મગજનો લકવો, એન્યુરીઝમ તથા રકત પરિવહનના બીજા અનેક રોગોનો ભોગ બને છે.
પરોક્ષ રીતે પણ ધુમ્રપાન એટલુ જ નુકસાનકારક છે. તમાકુના વ્યસનથી દર વર્ષે વિશ્ર્વમાં 60 થી 65 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે જેમાંથી 6 લાખ લોકો એવા છે જે પોતે બીડી, સિગારેટ પીતા નથી પરંતુ જે લોકો બીડી, સિગારેટ પીવે છે તેના સહવાસ અને ધુમાડાથી મૃત્યુ પામે છે. 2030 સુધીમાં આ સંખ્યા 80 લાખ થવાની શક્યતા છે. આપણા દેશમાં દર વર્ષે દસ લાખ અને દરરોજ લગભગ ત્રણ હજાર લોકો ધુમ્રપાનને કારણે મૃત્યુ પામે છે. ડાયાબીટીસના દર્દીઓ કરતા તમાકુનું સેવન કરતા વ્યક્તિઓના મૃત્યુ આંક 18 ગણો વધારે છે. આપણા દેશમાં એક અંદાજ મુજબ અત્યારે 12 કરોડથી વધારે તમાકુના વ્યસનીઓ છે જેમાં દર વર્ષે 10 લાખથી વધુ બાળકો-યુવાનો તમાકુના વ્યસનના શિકાર બને છે. દર પાંચ મૃત્યુમાંથી એક મૃત્યુનું કારણ તમાકું છે. એટલે કે કુલ મૃત્યુના 21% મૃત્યુનું કારણ તમાકુ છે.
પ્રદુષણમાં અનેક હાનીકારક વાયુ હોય છે જેમ કે સલ્ફરડાયોક્સાઈડ, કાર્બનમોનોક્સાઈડ, લેડ વિગેરે જે લાંબાગાળે આપણી ધમનીઓને સંકોચીને કડક બનાવે છે. જેના કારણે અનેક પ્રકારના હૃદયરોગ થાય છે. ભારતમાં દર વર્ષે 1.6 લાખ લોકો વાયુ પ્રદુષણને કારણે મૃત્યુ પામે છે. ધુમ્રપાનથી કર્કરોગ કરતા પણ હૃદયરોગ થવાની શકયતા વધુ છે. લાંબો સમય સુધી ધુમ્રપાન કરવાથી શરીરને ઘણું નુકસાન થાય છે. જીવનના કોઇપણ તબક્કે ધુમ્રપાન છોડવામાં આવે તો હૃદયરોગથી થતા મૃત્યુના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે તરત જ શરીરમાં હકારાત્મક સુધારા જોવા મળે છે અને હૃદયરોગથી પીડાતા લોકોની હાલતમાં પણ સુધારા થાય છે. રકત પરિવહન ક્ષમતા સુધરે છે એચડીએલ (સારુ કોલેસ્ટરોલ) વધે છે. લગભગ એક વર્ષમાં વ્યક્તિને હૃદયરોગ તથા તેના દ્વારા થતા મૃત્યુનું જોખમ અડધુ થઇ જાય છે. ધુમ્રપાન છોડવાથી કબજીયાત થાય છે તે મીથ્યા છે. સિગારેટ છોડયા પછી કયારેક વજનમાં વધારો જોવા મળે છે એ થોડા સમય માટે જ હોય છે. જેની આપણા સ્વાસ્થ્ય પણ કોઇ માઠી અસર થતી નથી. ધુમ્રપાન છોડયાના 15 વર્ષ બાદ વ્યક્તિનું હૃદય સામાન્ય ધુમ્રપાન ન કરનાર વ્યક્તિ જેવું થઇ જાય છે. આથી બને એટલું જલ્દી ધુમ્રપાનથી મુકત થઇ આપણા હૃદયને ધબકતું રાખીએ.