ઓહ! તો આ ખાસ કારણે લિફ્ટમાં રાખવામાં આવે છે અરીસો

ઓફિસ, ઘર તેમજ અન્ય સ્થળોએ પણ લિફ્ટ વગર ચાલતું નથી. જેમ જેમ બિલ્ડિંગો ઊંચી થતી જઈ રહી છે તેમ આધુનિક સુવિધાવાળી નવી ટેક્નોલોજીની લિફ્ટ જોવા મળે છે. જોકે, શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે પળભરમાં જ નીચેથી ઉપર અને ઉપરથી નીચે પહોંચાડતી લિફ્ટમાં અરીસો શા માટે રાખવામાં આવે છે? હકીકતમાં આમ કરવા પાછળનું એક ખાસ કારણ છે.
એન્જિનિયર્સ અને લિફ્ટ બનાવનાર કંપનીઓએ ખૂબ સમજી વિચારીને આવી ડિઝાઈન તૈયાર કરી છે. જ્યારે ઔદ્યોગિક ક્રાંતિની શરુઆત થઈ તે દરમિયાન ઉંચી ઈમારતોનું નિર્માણ થવાનું શરુ થયું હતું. જેમ જેમ બિલ્ડિંગો ઊંચી થતી ગઈ તેમ લિફ્ટની જરુરિયાત ઉભી થઈ હતી. જોકે, જ્યારે લોકો લિફ્ટમાં જતાં ત્યારે તેઓ એવું અનુભવતા હતાં કે તેમનો સમય બરબાદ થઈ રહ્યો છે.
લોકોનું એવું માનવું હતું કે લિફ્ટ ખૂબ જ ધીમી ચાલી રહી છે. જેના કારણે તેનો સમય બરબાદ થઈ રહ્યો છે. આ ઉપરાંત અનેક લોકોનું એવું કહેવું હતું કે તેમને એવો ડર લાગી રહ્યો છે કે લિફ્ટ ક્યાંક તૂટીને નીચે ન પડે અને તેના કારણે મોટી દુર્ઘટના ન સર્જાય.
ક્ધસ્ટ્રક્શન કંપની અને લિફ્ટ બનાવનાર એક્સપર્ટ્સ એ વાતને લઈને ચિંતા કરતા હતાં કે આખરે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શું કરવું જોઈએ. આ સમયે એક મનોચિકિત્સકે તેમને જણાવ્યું કે લિફ્ટ ધીમી નથી પરંતુ લોકો એવું વિચારે છે કે લિફ્ટની સ્પીડ ઓછી છે. આ માટે બધાનું ધ્યાન બીજે દોરવાની જરુર છે.
આ એક્સપર્ટે જણાવ્યું કે જો લિફ્ટમાં અરીસો લગાવવામાં આવે તો લોકો પોતાની જાતને જોવામાં રચ્યાપચ્યાં રહેશે. તેમનું ધ્યાન બીજે ભટકશે તો તેમને જાણ જ નહિ થાય કે લિફ્ટની સ્પીડ ધીમી છે કે વધારે. આ ટ્રિક સફળ રહી અને અરીસો લગાવ્યા પછી જેમને પણ પૂછવામાં આવ્યું તેમણે જણાવ્યું કે હવે લિફ્ટની સ્પીડ વધી છે. જોકે, હકીકતમાં માત્ર અરીસો જ લગાવવામાં આવ્યો હતો. સ્પીડમાં કોઈ જ ફેરફાર થયો નહોતો.