તબીબોનું દર્દ દૂર! ઈન સર્વિસ ડોક્ટર્સને 225 કરોડ ચૂકવાશે

2004 થી 2009ના ડી.એ. મર્જરનો મળશે લાભ
પ્રત્યેકને 1.5 લાખથી 2.75 લાખ જેવી  રકમ મળવાપાત્ર રાજકોટ તા,22
ઈનસર્વિસ ડોક્ટર્સના સરકાર પાસે લેણા નીકળતા આશરે 225 કરોડથી વધારેની રકમ ચૂકવવા નાણામંત્રીએ તૈયારી બતાવતા ગુજરાત સરકારના ઈનસર્વિસ ડોક્ટર્સમાં આનંદની લાગણી પ્રવર્તી છે. સોમવારે ગાંધીનગર ખાતે ઈનસર્વિસ ડોક્ટર્સ ફેડરેશન ગુજરાત રાજ્યનું પ્રતિનિધિ મંડળ નાણામંત્રી નીતિનભાઈ પટેલને મળવા પહોંચ્યું હતું. ડોક્ટર્સની લાગણી અને માંગણીનો નાણામંત્રીએ સ્વીકાર કર્યો હતો અને તેમણે ડોક્ટર્સના હકના લેણા નીકળતા રૂપિયા સરકારમાંથી રિલિઝ કરવા નાણા વિભાગને સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
પહેલી એપ્રિલ-2004થી 31 માર્ચ-2009 દરમિયાન ઈનસર્વિસ ડોક્ટર્સને ડીએ મર્જરનો લાભ મળ્યો નહોંતો. આ બાબતે ઈનસર્વિસ ડોક્ટર્સ ફેડરેશન દ્વારા કાનુની લડાઈ લડવામાં આવી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. ઈનસર્વિસ ડોક્ટર્સ ફેડરેશન ગુજરાત સ્ટેટના પ્રમુખ ડો. એમ.કે. ગજેરા, સેક્રેટરી ડો. મહેશ કાપડિયા, ડો. બિપિન પટેલ અને ડો. રણછોડભાઈ પટેલ સહિતના ડોક્ટર્સ સોમવારે નાણામંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. નીતિનભાઈ પટેલે ડોક્ટર્સને આવકાર્યા હતા અને તેમને આશરે અડધો કલાક શાંતિથી સાંભળ્યા હતાં.
આ અંગે સેક્રેટરી ડો. મહેશ કાપડિયાએ કહ્યું કે, સરકારે ડોક્ટર્સની માંગણી અને લાગણીનો સ્વીકાર કર્યો છે તેના કારણે ડોક્ટર્સમાં આનંદની લાગણી વ્યાપી છે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી રાજ્યના આશરે 10 હજારથી વધુ ઈનસર્વિસ ડોક્ટર્સને દોઢથી 2.75 લાખ રૂપિયા સુધીનો વ્યક્તિગત લાભ થવાનો છે. ડો. રણછોડભાઈ પટેલે કહ્યું કે, રાજ્ય સરકારના નાણામંત્રીના હકારાત્મક વલણ સામે ઈનસર્વિસ ડોક્ટર્સના પ્રતિનિધિઓએ 1 એપ્રિલ-2004થી નિકળતા લેણાનું જે વ્યાજ થાય છે તેને લોકહિતમાં જતું કરવા નિર્ણય કર્યો છે.