પ્રશાંત બનીને પ્રસન્નતા પામવાનો પ્રયાસ !

એ ક ચિંતકને કોઇએ સવાલ કર્યો કે મૌનના ફાયદા વિશે તેઓ વાત કરે ! ચિંતકે સહજતાથી ધારણ કરી લીધું મૌન ! પણ પછી જ્યારે એ સવાલ તરત જ ફરીથી પૂછાયો એટલે તેઓ ખુબ પ્રસન્નતાથી અને સહજતાથી બોલ્યા કે મૌન ધારણ કરવાની શરૂઆત કરીએ, શાંત બની જવાનો પ્રયત્ન કરીએ એટલે મૌનના ઘણાં બધા ફાયદા આપણને આપોઆપ જ ખબર પડવા માંડે ! કોઇ આપણને ફાયદાની વાત કરે એના બદલે આપણે જાતે જ જે અનુભવીએ, સંવેદીએ, મહેસુસ કરીએ એ જ એના માટે ફાયદાની અણમોલ સંપદા ! બાકી તો માત્ર શબ્દોનો વ્યય !
એક મનોચિકિત્સકે કહેલો કિસ્સો પણ આ સાથે યાદ આવે ! ખુબ ચિંતા, ઉદ્વેગ અને અજંપો અનુભવતા તેના એક દર્દી સાથેની તેઓની વાતચીત પછી એ દર્દીને તેઓએ એવી સલાહ આપી કે ત્વરિતપણે તેણે પોતાના સેલફોનનો ઉપયોગ ખુબ જ ઘટાડી નાખવો ખુબ જરૂરી ! કેમકે એ દર્દી આખો દિવસ પોતાના સેલફોનમાં એટલા તો વ્યસ્ત રહેતા હતા કે ન પુછો વાત ! સતત સંદેશ મોકલે ! મેળવે ! પાછા મોકલે ! સોશ્યલ મીડિયામાં ખુબ લખ્યા કરે ! બિનજરૂરી હોય તો પણ કોમેન્ટસ કરે અને પછી પ્રતિસાદ ન મળે કે યોગ્ય પ્રતિભાવ ત્વરીત ન મળે એટલે ઉદાસ થઇ જાય ! કયારેક ફોન કરે ! સવાલો પૂછે ! પોતાના વ્યવસાયમાં પણ પછી તેઓ સરખુ ધ્યાન આપી શકતા નહોતા ! બેઉ બાજુની ચિંતા પછી તેઓને કોરી ખાય ! મનને શાંત અને પછી ખુબ જ પ્રસન્ન અને પ્રશાંત બનાવવા માટેની મનોચિકિત્સકની આ ટીપ્સ પર તેણે અમલ કર્યોને ટૂંક સમયમાં જ તેઓને મળ્યું પરીણામ ! સેલફોનનો ઉપયોગ તેઓએ સાવ સીમિત કરી દીધો છે. સોશ્યલ મીડિયા પરથી તો તેણે હવે સન્યાસ જ લઇ લીધો છે. પહેલા તેઓ જન્મદિવસની શુભેચ્છા આ માધ્યમથી આપતા પણ હવે તે તો રૂબરૂ જાય અને એમ કરવું શકય ન હોય તો ફોન કરી લે ! નિરાંતે મફત વાત પણ થાય અને બેઉ પક્ષે આથી અનન્યપણે ઉદભવે, મહેસુસ થાય આનંદ અપાર !
બાળકો પણ હવે તો બની ગયા છે એકદમ મોબાઇલમય ! તેઓને ભણવામાં, સોંપવામાં આવેલું ગૃહકાર્ય કરવામાં રસ ખુબ ઓછા ! કેમકે મોબાઇલ ફોન, સ્માર્ટ ફોનનું તેઓને ખુબ ખુબ આકર્ષણ ! વિવેકપૂર્ણ ઉપયોગ કરીને ફાયદા મેળવનારની સંખ્યા ખુબ જ ઓછી ! હાઇપર-એકટીવ શબ્દ હવે ખુબ જ પ્રચલિત! બાળકો માટે બધા એનો ઉપયોગ હવે તો ગૌરવપૂર્ણ રીતે કરે ? મા-બાપ પણ ખુબ ઉચાટ અનુભવે ! બાળકોને અભ્યાસમાં રસ લેતા કરવા એ અત્યંત પડકારયુકત કામ. એવી જ દશા અત્યારે શિક્ષકોની ! વર્ગખંડનું અયોગ્ય રીતે સંચાલન કરવું, બાળકોને તન્યમતાથી વિષયમાં રસ-રુચિ લેતા કરવા, તેઓનું ધ્યાન વિચલિત ન થાય એવો માહોલ રચવો એ હવે શિક્ષકો માટે ખુબ જ કપરુ, મુશ્કેલ પડકારસમુ કામ ! ખુબ ઓછા શિક્ષક આમાં પ્રાપ્ત કરી શકે નિપુણતા !
શિક્ષકોની સુસજ્જતાને વધુ સઘન બનાવવા, જે પણ પડકાર અને મુશ્કેલીનો તેઓ વર્ગખંડમાં સામનો કરે છે તેમાં ખુબ ઉપયોગી નીવડે અને નવા ઉકેલ શોધવામાં તેઓને અનોખી રીતે મદદ મળી રહે એ હેતુથી ગોઠવાયેલી એક કાર્યશાળામાં મે તેઓને વાત કરતા કહેલું કે હકીકતમાં તો વર્ગને શિક્ષક જ બનાવી શકે સ્વર્ગ ! પણ હવે એ કામ ખુબ જ અઘરુ બન્યું છે ! વર્ગને માત્ર વર્ગ પણ બનાવી શકાય, એ રીતે જાળવી શકાય તો પણ ઘણું કર્યુ ગણાય ! દરેક તાસ હોય છે શિક્ષકો માટે એક અણમોલ અને અનેરો અવસર ! તાસમાં જ પ્રવર્તી શકે છે શિક્ષકની સત્તા ! હકીકતમાં સત્તા એ રીતે કે ખુબ સરસ રીતે જો વિદ્યાર્થીને તેઓ ભણાવે તો ખુબ આદર અને માન તેમજ તેઓના હૃદયમાં તેઓ સ્થાન પ્રાપ્ત કરે ! અનોખી કહી શકાય એવી પ્રતિભાના દર્શન કરાવીને શિક્ષકે પ્રાપ્ત કરવાનું હોય વિદ્યાર્થીના હૃદયમાં સ્થાન ! તેઓની સત્તા તો પ્રવર્તવી જોઇએ વિદ્યાર્થીના હૃદય પર ! એ જ તો છે શિક્ષકની મહત્તા ! ને એ માટે તેઓએ લાવવી પડે સર્જનશીલતા અને નાવીન્ય સાથે પોતાનો વિષય શીખવવામાં ગુણવત્તા !
શિક્ષક જ્યારે આ રીતે પોતાનું કાર્ય કરે, તેને માણે, ખુબ રસ અને નિષ્ઠાથી ભણાવે ત્યારે જ એક આદર્શ ગણી શકાય એવી નથી પેઢીનું સુયોગ્ય ઘડતર કરવાનો યશ તેઓને પ્રાપ્ત થતો હોય છે. આ કઇ નાનીસુની સિધ્ધિ નથી !
એ તો છે વિરલ અને અનન્ય ! આવા શિક્ષક જ ગણાય છે શાળા માટે અને માવિત્રો માટે પણ એકદમ હુકમના પત્તા ! આધુનિક સમયમાં તમામ ક્ષેત્રે અને બાબતે આવેલી ઝડપની વચ્ચે પોતાનો લય અને તાલ ખુબ સરસ રીતે જેઓ જાળવી શકે છે તેઓ જ પુરુ પાડી શકતા હોય છે ઉત્તમ અને શ્રેષ્ઠ નેતૃત્વ ! જેની આજે આપણને સૌને છે બધા ક્ષેત્રે ખુબ જ જરૂરત !
પ્રાર્થના કરીને, ધ્યાન ધરીને, નિસર્ગમાં થોડીવાર માટે એકદમ શાંત બનીને ભ્રમણ કરીને, મનગમતા મિત્રો સાથે દિવસ દરમિયાન થોડીવાર રસપ્રદ વાતચીત કરીને, મનગમતું મુવી જોઇને, મનપસંદ પુસ્તક વાંચીને, વાર્તા સાંભળીને કે સંભળાવીને આપણે પામી શકીએ સંતૃપ્તિનો અહેસાસ ! અને વિહરી શકીએ પ્રશાંત પ્રદેશમાં ખુબ જ પ્રેમથી !
દિવસ દરમ્યાન પૂર્ણ કરવાના કાર્યોનો અગ્રીમતા ક્રમ નક્કી કરી અને તે મુજબ કામ પૂરા કરવાની શરૂઆત કરીને પણ દિવસને અંતે પ્રાપ્ત થાય આનંદ કાર્ય પૂર્ણ કર્યાનો અને ધપે સફર આપણી ધ્યેયભણી આગળ ! ધ્યાન-વિચલિત કરતા પરીબળો વિશે થોડું ચિંતન કરવાની આદત પાડીને તે વિશે મૈત્રીપૂર્ણ ચર્ચા કરીને અને પછી જે કંઇ પ્રાપ્ત થયું હોય તેના પર અમલ કરીને, ગમતાનો ગુલાલ કરીને પણ બની શકાય પ્રસન્ન અને પ્રશાંત !
પુસ્તક ગોષ્ઠિ બેઠકના અંતે પ્રતિભાવ આપતા મારા મિત્ર ભગીરથના વિધાનથી વાતને સમેટીએ ? "પુસ્તક પાસે તો તાકાત છે આપણને ખુબ પ્રેરીત કરીને અદ્દભૂત કંઇક કરવા માટે અણમોલ માર્ગદર્શન આપવાની ! મૈત્રી કેળવીને જ થઇ શકે તેનો અહેસાસ !
બ્રધર ડેવિડનું પુસ્તક ‘ધ વે ઓફ સાઇલન્સ’ વાંચીને ઉદ્દભવેલા વિચારો મેં કર્યા તમારી સાથે શેર ! ગમતાનો ગુલાલ અટકીએ આ સ્થાન પર ! બાળકો પણ હવે તો બની ગયા છે એકદમ મોબાઇલમય ! તેઓને ભણવામાં, સોપવામાં આવેલું ગૃહકાર્ય
કરવામાં રસ ખુબ ઓછો ! કેમકે મોબાઇલ
ફોન, સ્માર્ટ ફોનનું તેઓને ખુબ ખુબ
આકર્ષણ ! બુક ટોક સલીમ સોમાણી