કેમ મને રજા નહિ ?

"અમૃત.. આજે રવિવાર છે હો.. મારે બાવાજાળા કાઢવા છે ને પંખા પણ સાફ કરવાના છે.. ઘરે મોડો જજે.. પછી કાલથી છોકરાઓ વેકેશન કરવા આવવાના છે એટલે પંદર દિવસ સુધી ટાઈમ નહિ મળે..!! સુમિત્રાબહેન પોતાના કામવાળા અમૃતને સંબોધીને કહી રહ્યા હતા.. સુમિત્રાબહેન અને સુજયભાઈને એક દીકરો ને દીકરી. પાંસઠ વર્ષના સુજયભાઈ રીટાયર્ડ ઇન્કમટેક્સ ઓફિસર હતા. બાર વર્ષ પહેલા મોટી દીકરી સુરાલીના ને એના બે વર્ષ પછી નાના દીકરા રાગના લગ્ન કરાવીને બંને પતિ-પત્ની વ્યવહારમાંથી છુટ્ટા પડ્યા હતા. રમ્યાલી, રાગની પત્ની હવે બધો વ્યવહાર સંભાળતી. રાગ એક એમેન્સીમાં સોફ્ટવેર એન્જીનીયર હતો. સુરાલી, સુમીત્રબહેનની મોટી દીકરીને એક ખ્યાતનામ એડવોકેટ સુરિત સાથે પરણાવી હતી. હવે તો તે બંનેને પણ એક દીકરો ને દીકરી હતા ને રાગ પણ બે દીકરાનો બાપ બની ચુક્યો હતો. એકદમ સુખી કુટુંબ હતું સુજયભાઈનું.. ઉનાળુ વેકેશન શરુ થઇ ચુક્યું હોવાથી સુરાલી એના બાળકોને લઈને પિયરે રોકાવા આવવાની હતી.. કે જેથી ચારેય છોકરાઓ સાથે મળીને વેકેશનને એન્જોય કરી શકે અને સુરાલી તેના માં-બાપ પાસે રહી શકે.. એટલે જ સુમિત્રાબહેન સવારથી ઘર ચોખ્ખું કરવાની મથામણમાં પડ્યા હતા.
આખો દિવસ અમૃત પાસે જાતજાતના કામ કરાવી સુમિત્રાબહેને ઘર ચોખ્ખું ચણાક કરી દીધું. બીજા દિવસે સવારે વહેલા જ સુરાલી અને તેના છોકરાઓ આવી પહોંચ્યા..!!!
"મમ્મી.. એવા થાકી ગયા છીએ કે વાત ના પૂછ.. આ જો વેકેશન ના હોત ને તો તો ખબર નહિ શું નું શું થઇ જાત મારું.. આ છોકરાઓના વેકેશનના બહાને મનેય આરામ કરવા મળે છે..!!
સુરાલી ને સુમિત્રાબહેન નિરાંતે વાતો કરતા બેઠા હતા ત્યારે તેણે કહ્યું.
"હાસ્તો દીકરા.. આ જો ને છોકરાઓને પણ જરાક રજા જેવું જોઈએ ને.. આખું વરસ ભણભણીને બિચારા કેવા થાકી જાય છે..!!
સુમિત્રાબહેને પોતાની દીકરીને જવાબ આપતા કહ્યું.. એ પછી બપોરે બધા સાથે જ જમવા બેઠા.. ત્યારે પણ કંઇક આવી જ વાતો થતી રહી.. રાગ બોલ્યો,
"હું વિચારું છું કે આપણે બધા સાથે મળીને ક્યાંક ફરી આવીએ.. તો અમનેય જરા બે-ચાર દિવસનો આરામ મળે ને ઓફિસમાંથી..
"નાં હો.. પછી આપણે બહારગામ જઈને આવીએ છીએ ને ઘરની હાલત જોવા જેવી હોય છે.. ધૂળ-ધૂળ થઇ જાય છે.. ને એ બધું સાફ કરાવતા કરાવતા મને કેટલી મહેનત પડે છે ખબર છે..!!
રમ્યાલીએ પોતાના પતિની વાતનો જવાબ આપતા કહ્યું..
"અરે કઈ વાંધો નહિ.. આપણે આ અમૃતને કહેશું કે રોજ આવીને કચરા-પોતા કરી જાય.. આમેય કઈ ચાર દિવસનો પગાર વધારાનો થોડી દઈ દેવાતો હશે.. એને તો આપણે જઈએ એટલે જલસા જ ને.. મફતના ચાર દિવસના રૂપિયા મળે એના કરતા સામેવાળા રેશ્માંકાકીને કહી દેજે કે રોજ આવીને વીસ-પચીસ મિનીટ ઘરે બેસે ને આની પાસે બધું સાફ કરાવી લે..
કેમ અમૃત બરોબર ને?
બધા જમીને ઉભા થાય તો વાસણ માંજી શકાય તેની રાહ જોઇને રસોડામાં બેઠેલા અમૃતે રાગની સામે જોયું..
"હા એ વાત બરોબર.. અમૃત તું આવજે હો રોજ.. અમે બધા જરા રજાઓમાં ફરવા જઈ આવીએ તો આરામ મળે ને..!!
સુમિત્રાબહેને પોતાના દીકરાની વાત આગળ વધારતા કહ્યું..
રાગની સામે જોઈ રહેલા અમૃતે સુમિત્રાબહેનની સામે જોયું ને જવાબ આપ્યો..
"મને રજા નઈ આપો?? મારે પણ વેકેશન જોઈએ છીએ..!!
"લે બોલ તારે વળી શેનું વેકેશન.. ચુપચાપ આવી જજે હો હા. બાકી પગાર કાપી લઈશ કહી દઉં છું..!!
રમ્યાલીએ અમૃતની સામે આંખો કાઢીને કહ્યું..
ને પછી બધા ટેબલ પર થાળી મુકીને ઉભા થઇ ગયા. અમૃતને હવે એ બધું લઈને ટેબલ સાફ કરીને વાસણ ઘસવાના હતા. બાકી બધા અંદરના ઓરડામાં એસી ચાલુ કરીને સુવા જતા રહ્યા..
ને અમૃત એ જ હસતા ચહેરે કાનમાં પોતાના ચાઈનાના હેન્ડ્સ ફ્રી ભરાવીને એના મનગમતા મેહાણી ગીતો સાંભળતો રહ્યો.
"આલિશાન બિલ્ડીંગના મોટાભાગના ઘરોમાં અમૃત જ કામ કરતો. જ્યાં તે કામ ના કરતો ત્યાં તેના જેવા જ બીજા ડુંગરપુરિયાઓ જતા.. સિક્યોરીટી પાસે સાઈન કરીને જ બધાને અંદર જવાનું એવી ખાસ સુચના હતી. જાતજાતની ઓળખ લઈને આવી જતા નકલી ચોરોથી સાવધાન રહેવા દરેક કામવાળા માટે પોતાનું આધાર કાર્ડ રજીસ્ટર કરાવવું ફરજીયાત હતું.
એ દિવસે સવારે બધા કામવાળા આવ્યા તો સિક્યોરીટીએ કોઈને અંદર જ ના આવવા દીધા..
"તમારા બધાનું વેરીફીકેશન કરવાનું છે.. બધા બ્લોકના માલિકોએ નાં કહી દીધી છે. હવે એક વખત વેરીફીકેશન થશે પછી જ કામ કરવા મળશે.. અત્યારે ઘરે ચાલ્યા જાવ હાલો..
આ સાંભળતા જ બધા કામવાળા દંગ રહી ગયા.. માંડ માંડ કામ ને સમય ગોઠવાયા હતા.. આ જ ઘરમાં અને આ જ બિલ્ડીંગમાં કામ કરવાનું રહેશે તેવું વિચારીને કેટલાય ડુંગપુરિયા ભાઈઓએ તો એમની બૈરી અને છોકરાઓને ગામથી તેડાવી લીધા હતા અને નજીકમાં મફતિયાપરામાં ઓરડી પણ લઇ લીધેલી. હવે જો અહી કામ છોડવાનું આવે તો તો તકલીફ પડી જાય..
વીસ વર્ષનો અમૃત આગળ આવ્યો ને બોલ્યો,
"પણ અમને એક વાર વાત તો કરવા દો અમારા માલિક સાથે.. પછી આપણે નક્કી કરીશું..!
સિક્યોરીટી વાળાએ ના કહેતા એ પંદર જણા નિરાશ થઇ ગયા.. એમાં ચાર તો સ્ત્રીઓ હતી. બે અમૃત જેવડા છોકરાઓ અને બાકીના ભાઈઓ. થોડી વાર ત્યાં બહાર આવેલા બાંકડે બેસીને એ બધા ચર્ચા કરી રહ્યા કે હવે શું કરવું.. આખરે કઈ સુજાવ નાં મળતા સૌ પોતપોતાના ઘરે જવા નીકળ્યા..
સાઈકલ પર આકરા ઉનાળે ઘર સુધી જતામાં જ તે સૌના મોં જેવા જેવા થઇ ગયેલા..
મોટાભાગના એક જ પરામાં રહેતા. અમૃતના ઘરમાં તેના સિવાય તેના મોટાભાઈ અને ભાભી હતા.. એ બંને શાકભાજી વેચવા
જતા.. જેવો તે ઘરે પહોંચ્યો ને જોયું તો તેના ઘર આગળ ભીડ જમા થઇ ગયેલી..
અમૃતને નવાઈ લાગી અને સાથે ડર પણ લાગ્યો કે ભાઈ કે ભાભીને તો કઈ નહિ થયું હોય.. એવા વિચારમાં મગ્ન અમૃત બધાને આઘા કરી ઘરમાં ગયો ને જોયું તો અંદરનું દ્રશ્ય જોતા જ આશ્ર્ચર્યચકિત થઇ ગયો..
સુમિત્રાબહેન, રમ્યાલી ને સુરાલી ત્રણેય ત્યાં હાજર હતા. તેના ભાઈ-ભાભીના મુખ પર મુસ્કાન હતી.. અને ઓરડીના પલંગ પાસે આવેલી જગ્યામાં જોયું તો એક કુલર પડ્યું હતું.. કુલરની બાજુમાં જ એક નાના ટીવીનું બોક્સ પણ પડેલું.. અમૃતને કઈ ગતાગમ નહોતી પડતી.. તેના મૂંઝાયેલા ચહેરાને જોઇને સુમિત્રાબહેન તેની પાસે ગયા ને બોલ્યા..
"તને પણ રજા મળશે હો.. વેકેશન પણ મળશે.. આ સુરાલીદીદીએ જો ને અમને ભાન કરાવ્યું કે અમને વેકેશનની આટલી જરૂરીયાત છે તો તમારા જેવા કામવાળા કે જે આખો દિવસ, રવિવારે પણ પોતાનું કામ કરવામાં મગ્ન રહે છે તેમને તો વેકેશનની ખાસ જરૂર છે.. આ જ વાત મને સમજાતા અમે બિલ્ડીંગના સેક્રેટરી પાસે ગયા.. સદનસીબે દરેકે અમારો સાથ આપ્યો..
અમૃત તમારા બધા માટે અમે એક ફંડ ભેગું કર્યું છે.. દર મહીને તે ફંડમાંથી તમને કોઈને ને કોઈને કંઇક આપવામાં આવશે.. દરેક બ્લોકમાંથી પાંચસો રૂપિયા આપે ને તોય વીસ-પચીસ હજાર જેવા ભેગા થઇ જાય મહિનાના..!! ને એટલે જ જો આ મહીને શરૂઆત તારાથી જ કરી છે..
હવે ચાર દિવસ સુધી કામ પર આવવાની જરૂર નથી બેટા.. આરામથી કુલર ચાલુ કરીને ઘરમાં બેઠા બેઠા ટીવી જોવો.. ને હા રખેને એમ માનતો કે આ તને મફતમાં મળી ગયું..
અમે બધાએ ફંડ એકઠું કર્યું છે જે તમારા હકનું કહેવાય..
જાતજાતના વધારાનાં કામ કરી તમે હમેંશા શેઠાણીની વાતો માનો છો તો અમારી પણ તો કંઇક ફરજ બને ને!!!
સુમિત્રાબહેન બોલી રહ્યા કે તરત રમ્યાલી બોલી..
"લે આ તારી ને તારા ભાઈ-ભાભી માટે વોટરપાર્કની ટીકીટ છે.. મોજથી જઈ આવજો ને આખો દિવસ નહાઈને મજા કરજો..!!
અમૃત તો આ બધું સાંભળીને ગાંડોઘેલો થઇ ગયેલો.. એક વાક્યના જવાબમાં અનેક ઉપહાર મળી જશે તેવી તેને કલ્પના પણ ક્યાંથી હોય.!!!
સુમિત્રાબહેનની સામે જોઇને બોલ્યો,
"શેઠાણીબા.. તમારો ખુબ ખુબ આભાર.. તમે અમારા માટે આટલું વિચાર્યું એ જ મહત્વનું છે.. પણ આમ રજાઓ અમને ના ખપે.. ભલે એ દિવસે તો હું અમસ્તો જ બોલી ગયેલો.. બાકી બા.. અમે તો કામવાળા.. અમને આરામ ના સદે.. ને તમનેય અમારા વગર ના ગોઠે..!!
તમે આ બધું આપ્યું ને આટલું કર્યું એ બદલ ખુબ આભાર.. મારા મિત્રોને પણ રજા આપી..પણ હું એમનેય ઓળખું છું.. એમ અમે કોઈ રજા ના લઈએ.. તમતમારે ઘરે જાવ.. આરામથી જમો ને ટેબલ પર વાસણ મુકીને ઉભા થઇ જજો...
હું હમણાં ઘડીક આ કુલરમાં હવા ખાઈને કામ કરવા પહોચી જઈશ..!!
સુમિત્રાબહેન તો આ સાંભળી દંગ રહી ગયા.. આ છોકરાને શું જવાબ આપવો તે વિચારે એ પહેલા અમૃતે ફરી એમને જવા માટે કહ્યું અને નાછુટકે તેઓને નીકળવું પડ્યું..!!
બીજા દિવસથી ફરી એ જ રૂટીન શરુ થઇ ગયું.. પણ હવે અમૃત વાસણ ઘસતા ઘસતા પછાડતો નહોતો.. કચરા વાળતી વખતે સામેથી જ બાવાજાળા કાઢી લેતો ને પોતા કરવા પહેલા તેને ધોકા મારી મારીને ધોતો પણ ખરો..!!
તેને બસ લાગણીની જરૂર હતી રજાની નહિ.. લાગણી મળ્યા બાદ તે વધુ લગનથી પોતાનું કામ કરવા લાગ્યો હતો...!! એ દિવસે સવારે બધા કામવાળા આવ્યા તો સિક્યોરીટીએ કોઈને અંદર જ ના આવવા દીધા.. "તમારા બધાનું વેરીફીકેશન કરવાનું છે.. બધા બ્લોકના માલિકોએ નાં કહી દીધી છે. હવે એક વખત વેરીફીકેશન થશે પછી જ કામ કરવા મળશે.. અત્યારે ઘરે ચાલ્યા જાવ હાલો.. અમૃતને નવાઈ લાગી અને સાથે ડર પણ લાગ્યો કે ભાઈ કે ભાભીને તો કંઈ નહિ થયું હોય.. એવા વિચારમાં મગ્ન અમૃત બધાને આઘા કરી ઘરમાં ગયો ને જોયું તો અંદરનું દ્રશ્ય જોતા જ આશ્ર્ચર્યચકિત થઇ ગયો..  તમે આ બધું આપ્યું ને આટલું કર્યું એ બદલ ખુબ આભાર.. મારા મિત્રોને પણ રજા આપી..પણ હું એમને ય ઓળખું છું.. એમ અમે કોઈ રજા ના લઈએ.. તમતમારે ઘરે જાવ.. આરામથી જમો ને ટેબલ પર વાસણ મુકીને ઉભા થઇ જજો...  વાર્તા । આયુષી સેલાણી