ગ્રામ્ય બાળકોને વિદ્યા આપતા વીર વીરા

ઉનાળાનું વેકેશન હોવાથી રાજગઢમાં બાળકો રોજ જુદી જુદી પ્રવૃતિઓ કરે છે બપોરે તડકો હોવાથી રસ્તા અને બગીચાઓ સુમસામ જોવા મળતા એક સાંજે વીરવીરા અને બધા મિત્રો ભેગા થઇને એડવેન્ચર કેમ્પનો પ્લાન બનાવે છે. ગામના સરપંચ બધાજ બાળકોને દરેક પ્રવૃતિમાં મદદ કરતા હોય છે તેથી તેમણે બસની વ્યવસ્થા અને બાળકોને તૈયારી કરવાનું કહી દીધું. બધા બાળકો તો ઉત્સાહથી તૈયારીમાં લાગી જાય છે. ઘરેથી ભાવતો નાસ્તો, રમવા માટે બેટ, બોલ, ફુટબોલ, ફ્લાઇંગ ડીસ્ક, બેડમિન્ટન વગેરે તેમજ ટ્રેકીંગનો જરૂરી સામાન પેક કરવા લાગ્યા.
બીજા દિવસે વહેલી સવારે બધા નક્કી કરેલા સ્થળે પહોંચી જાય છે. સરપંચ પણ આવી ગયા હોય છે. બધા બાળકો ખુશખુશાલ હોય છે. બધા બસમાં બેસી જાય છે. બધા આનંદથી અંતાક્ષરી રમવા લાગે છે અને બસ આગળ વધતી જાય છે. લગભગ એક કલાક બાદ એક સુંદર હરિયાળુ પર્વતમાળાથી ઘેરાયેલું ગામ જુએ છે. અને બધા જ ત્યાં નાસ્તો કરવા ઉતરી જાય છે. લીલાછમ ઝાડ અને ઉંચાનીચા ડુંગરો જોઇને બધા ખુશ થઇ જાય છે બધા પોતપોતાનો નાસ્તો કાઢે છે અને એકબીજા સાથે હળીમળીને નાસ્તો કરે છે. વીરવીરા, કાળુ, ભોલું, ગોલું બધાજ ત્યાં ડુંગર પર સરસ મજાનું મંદિર હોય છે ત્યાં જવાનું નક્કી કરે છે. ડુંગર નજીક પહોંચતા તો કેટલાય પોતાના જેવડા જ બાળકો ત્યાં જોવે છે કોઇ ફ્રુટ વેચે છે, કોઇ શાકભાજીની લારી લઇને જાય છે. તો કેટલાક બાળકો પોતાના ઘરનું પીવાનું પાણી ભરીને જતા જુએ મળે છે. વીરવીરા તો વિચારમાં પડી જાય છે. બધાજ બાળકો ડુંગર ચડવા લાગે છે જ્યારે વીર વીરા નીચે જ રહી આ બાળકો સાથે વાત કરે છે અને તેઓ ક્યા ધોરણમાં ભણે છે તે પુછ્યું પરંતુ બાળકો તો કંઇક જુદી જ ભાષા બોલે છે. નથી તેઓ ભણતા કે નથી તેને વાંચતા આવડતું.
સ્કૂલ નામનો શબ્દ જ તેઓએ સાંભળ્યો નહોતો. થોડી વાર થઇ તો બીજા મિત્રો અને સરપંચ આવે છે ત્યારે વીરવીરા બધી વાત જણાવે છે અને સરપંચને ત્યાં રોકાઇ જઇ બાળકો માટે કંઇક કરવાની ઇચ્છા જણાવી. સરપંચતો
ખુશ થયા અને સ્મિત સાથે અનુમતિ આપી. વીરવીરા અને બધા મિત્રોએ સાથે મળીને એક પ્લાન બનાવ્યો
અને બપોર પછી તેનો અમલ કરવાનું નક્કી કર્યું.
સાંજ થતા તો ગામના બધા જ છોકરાઓ એક મોટા ઝાડ નીચે આવી ગયા. તેના માતા-પિતા પણ સાથે હતા. તેમને સરપંચ એક તરફ લઇ ગયા. વીર વીરાએ પ્રથમ તો બાળકો સાથે જુદી જુદી રમતો રમવાનું શરૂ કર્યું અને બીજી તરફ સરપંચે તેમના માતા-પિતાને ભણવાનું મહત્વ, શાળાનું ઘડતર વગેરે સમજાવ્યું અને અંતે બધા સહમત થયા. બીજા દિવસથી એડવેન્ચર સાથે બાળકોને ભણાવવાની પ્રવૃતિ શરૂ થઇ. સવારે અંગ્રેજી, ગુજરાતી, ગણિત, વિજ્ઞાન વગેરે ભણાવતા અને સાંજે ક્રિકેટ, ફુટબોલ, જેવી રમતો રમાડતા.
આમ બાળકોને તો મહેનતનું જે કામ કરતા તેના કરતા ભણવામાં મજા પડી ગઇ. ધીમે ધીમે કરતા તેઓનો ગામમાંથી નીકળવાનો સમય થયો. હવે શું કરીશું. બાળકોને કોણ ભણાવશે? વીર વીરા વિચારવા લાગ્યા ત્યાંજ સરપંચ આવ્યા અને કહ્યું કે તમે એ બાબતની ચિંતા બિલકુલ ન કરો. આપણા ગામમાંથી બે શિક્ષકોની વ્યવસ્થા તેમજ સ્કૂલ બિલ્ડીંગ બનાવવાની વ્યવસ્થા હું કરી દઇશ. બધા બાળકોએ તો તાળી પાડી સરપંચની વાત વધાવી લીધી. બસમાં બેસતી વખતે ગામના બધાજ બાળકો અને તેના માતા-પિતાએ વીરવીરા તેના મિત્ર અને સરપંચનો આભાર માન્યો અને વીરવીરાએ પણ તેમને પોતાના ગામ રાજગઢ આવવા આમંત્રણ આપ્યું. બસમાં ગોઠવાયા ત્યારે બધાના ચહેરા પર આત્મસંતોષ છલકાતો હતો.
બોધ: આપણે આપણી આસપાસના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઇએ ફકત પોતાના આનંદ અને ખુશી માટે બધા જીવતા હોય છે. પરંતુ બીજાને મદદ કરીને બીજાના જીવનમાં ખુશી લાવવાનો આનંદ અલગ જ હોય છે.   એડવેન્ચર કેમ્પમાં જતા રસ્તામાં એક સુંદર હરિયાળુ પર્વતમાળાથી ઘેરાયેલું  એક ગામ જુએ છે અને બધા બસમાંથી ત્યાં ઉતરે છે સરપંચ સાથે બનાવેલ યોજના મુજબ વીરવીરાએ બધાજ બાળકોને સાંજે એક મોટા ઝાડ નીચે બોલાવ્યા