મજબૂત મનોબળના મહારથી: ડો. સોનલ માથુકિયા

યે હૌંસલા કૈસે ઝુકે... યે આરઝુ કૈસે રુકે... નકામી વસ્તુમાંથી પોતાની કોઠાસુઝથી હેન્ડીક્રાફટની એકથી એક ચડિયાતી વસ્તુઓ બનાવે છે ભગવાને આપેલ ખામીને ભૂલી પોતાનામાં રહેલ ખુબીનો બખુબી ઉપયોગ કરી સફળતા મેળવી છે વર્તમાન સમયમાં આપણે જોઇએ છીએ કે જીવનથી હારીને નાસીપાસ થઇને અનેક લોકો જીવનનો અંત આણી દેતા હોય છે અનેક લોકો મુશ્કેલીથી ઘબરાઈને જીવનથી થાકી જાય છે. આવા બધા લોકો માટે પ્રેરણારૂપ નામ છે સોનલબેન માજુકીયા, નિયતિએ પોતાની સાથે કરેલ અન્યાયરૂપ પોલિયોગ્રસ્ત શરીર હોવા છતા જીવનને એક ચેલેન્જ સ્વરૂપે લઇ અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી છે. અત્યાર સુધીના જીવનમાં અનેક સંઘર્ષો અને તકલીફ આવી હશે પણ કયારેય નાસીપાસ થયા નથી કે હાર સ્વીકારી નથી. ડો.સોનલબેનની સૌથી મોટી મુડી છે તેમનું મજબુત મનોબળ.
ધોરાજીમાં જેતપુર રોડ પર રહેતા સોનલબેન પોતાની લાઈફની વિશે વાત કરતા બાળપણમાં પહોંચી જાય છે.
ગીતાબેન ધડુક અને ગિરધરભાઇ ધડુકની પુત્રી સોનલને 2 વર્ષથી ઉંમરમાં જ હાથ તેમજ પગમાં પોલિયોની અસર થઇ ગઇ. હસવા કુદવાની ઉંમરે શરીરમાં સાત ઓપરેશનો આવ્યા. પિતાજીએ મન મજબુત કરીને હોસ્ટેલમાં દાખલ કર્યા જેથી સ્વતંત્રતાથી જીવન જીવતા શીખે સામાન્ય વિદ્યાર્થી સાથે ભણતા તેઓ અભ્યાસમાં હંમેશા અવ્વલ જ રહ્યા છે. શાળા તથા કોલેજનો અભ્યાસ કેશોદમાં પૂર્ણ કર્યો. શ્રી એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં બી.એ. અને એમ.એ. કર્યા પછી રાજકોટ જે.જે. કુંડલિયા કોલેજમાં બી.એડપૂર્ણ કર્યુ. આ અરસામાં અભ્યાસ સાથે જોબ પણ ચાલુ હતી અને આઠમા ધોરણથી જ તેઓ હેન્ડીક્રાફટની વિવિધ વસ્તુઓ બનાવતા જેમાં નકામી, ફેંકી દેવાની વસ્તુમાંથી ખુબ કિંમતી વસ્તુ બનાવતા એ પ્રવૃતિ પણ ચાલુ હતી. ત્યારબાદ 2014ની સાલમાં ગાંધીનગર કડી યુનિવર્સિટીમાં ‘બકુલ ત્રિપાઠી અને જયોતિન્દ્ર દવેના હાસ્ય નિબંધ એક અભ્યાસ’ એ વિષય પર પીએચ.ડી. કર્યુ. બી.એ. પુરુ કર્યા પછી પિતાજીનું અવસાન થતા નાનાભાઇ સાગરે પિતાજીની ખોટ પુરી દરેક રીતે મદદ કરી. 2012માં વિકલાંગો માટેના ખેલમહાકુંભમાં બરછી ફેંક, ગોળા ફેંક, વ્હીલચેર સ્પર્ધામાં રાજયકક્ષાએ વિજેતા બન્યા. આ સ્પર્ધા બાદ ત્યારબાદ એક સંબંધીની ઓળખાણની માઈનોર પોલિયો ધરાવતા વિજયભાઇ સાથે મુલાકાત થઇ અને વાતચીતમાં તેમનો બીજાને મદદ કરવાનો સ્વભાવ ગમી ગયો અને તેમની સાથે લગ્નગ્રંથીથી જોડાઈ ગયા.
આજે પતિ વિજયભાઇ માથુકિયા કોમ્પ્યુટર વર્ક કરે છે અને તેમને 3 વર્ષનો પુત્ર બદ્રી છે. પતિ તથા પરિવારજનો જેઠ, જેઠાણી, સાસુ, સસરા દરેકની મદદ અને કાળજીના કારણે આજે પણ તેઓ પોતાની હેન્ડીક્રાફટની વસ્તુઓ બનાવે છે ને દરેક પ્રવૃતિ સારી રીતે કરી રહ્યા છે. તેમનું મકાન પણ એ રીતે બનાવાવમાં આવ્યું છે કે જેમાં સોનલબેનને કોઇની મદદ વગર પણ બધી જ વસ્તુ મળી રહે અને દરેક કામ કરી શકે.
આમ જીવનની દરેક પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરતા સોનલબેન અત્યારે એકથી એક ચડીયાતી હેન્ડીક્રાફટની વસ્તુ બનાવે છે.
ભવિષ્યનું તેમનું સ્વપ્ન છે કે તેમની આ કલા દેશ દેશાવર સુધી પહોંચે અને હાલ તેઓ લોકોને ઘર સજાવી આપે છે તેમાં પણ તેઓ ખુબ નામ દામ કમાય ઉપરાંત એક રેકોર્ડ બનાવવાની તેઓ તૈયારી કરી રહ્યા છે. એ માટે સોનલબેનને ‘ગુજરાત મિરર’ તરફથી ખુબ ખુબ શુભેચ્છા. હેન્ડીક્રાફટની વસ્તુ માટે 9276556042 નંબર પર સંપર્ક કરી શકાશે.  2 વર્ષની ઉમરે પોલિયોએ પગ જકડી લીધા છતા આજે રીવર રાફટીંગ અને રીવર ક્રોસિંગ કરી બીજાને પ્રેરણા આપે છે કલાની પ્રાપ્તિ: ભગવાનનું વરદાન ભગવાન જયારે એક દરવાજો બંધ કરે છે ત્યારે બીજો દરવાજો અચુક ખોલી આપે છે. પોલિયોગ્રસ્ત સોનલબેનને પણ ભગવાને કલાની ભેટ આપીને બીજો મોટો દરવાજો ખોલી આપ્યો. નાનપણથી જ નાની નાની વસ્તુ બનાવવાનો શોખ સાવ નકામી ફેંકી દેવાની વસ્તુ, પથ્થર, માટી વુડન, રેતી, પીસ્તાના ફોતરા વગેરેમાંથી કિંમતી વસ્તુઓ બનાવે છે જેમાં રૂા.100થી લઇ રૂા. 40,000 જેટલી કિંમતના એન્ટીક પીસ તેઓ બનાવે છે. 39 ફુટની રંગોળી કોઇપણ ડ્રોઈંગ કર્યા વગર બનાવે છે. ઉપરાંત તેઓને સૌથી ગમતુ કામ છે ઈન્ટીરીયર ડિઝાઈનીંગનું. કોઇપણ કોર્ષ કર્યા વગર અત્યાર સુધીમાં પચાસેક જેટલા બંગલા તેમણે પોતાની આવડતથી સજાવી આપ્યા છે. કઇ જગ્યાએ શું શોપીસ મુકવો, પેઈન્ટીંગ વગેરેની તેઓને કુદરતી સુઝ છે. પરિસ્થિતિને તમારા પર હાવી ન થવા દો
અનેક મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના આત્મબળ વડે રસ્તને શોધી લેતા સોનલબેને મહિલાઓને સંદેશો આપતા જણાવ્યું મનને સંકુચિત રાખીને ન જીવો.
જે પરિસ્થિતિ છે તે સ્વીકારો ત્યારબાદ તેમાંથી શું રસ્તો નીકળી શકે તે વિચારો અને એ માટે કોઇની મદદ લેવી પડે તો પણ નિ:સંકોચ લો. પણ કોઇ પણ પરિસ્થિતિમાં હારી ન જાવ. દરેક પરિસ્થિતિમાં પોતાનું કૌશલ્ય દેખાડયું
અભ્યાસ કરતી વખતે સૌથી વધુ મુશ્કેલી પડતી કારણ કે એકઝામ આપવા, રીઝલ્ટ લેવા કે લાઈબ્રેરી વગેરે માટે દાદરાવાળા બિલ્ડીંગમાં પહોંચવું પડતું.
બસમાં ચડતી ઉતરતી વખતે પણ તકલીફ પડતી પોતાના અનુભવ પરથી તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર ઓળંગો એટલે કોઇ પાસે મદદની આશા નહીં રાખવાની.
ભણતા ભણતા તેમણે જુદી જુદી શાળાઓમાં જોબ કરી છે. જેમાં પ્રવાસમાં જતી વખતે કે ટ્રેકિંગ વગેરેમાં ડીસીપ્લીન ઈન્ચાર્જ તરીકે સોનલબેનનું નામ જ લેવાતું.
આ રીતે તેઓ, કુલુ મનાલી, ઈડરીયો પર્વત વગેરે જઇ આવ્યા છે તો રીવર રાફટીંગ અને રીવર ક્રોસીંગ પણ કર્યુ છે. ઉડાન - ભાવના દોશી -