હૃદયની બે નળીઓ 100 ટકા બ્લોક હતી, એપલ વોચે આમ બચાવ્યો જીવ

એપલ કંપનીની વોચથી ઘણા લોકોના જીવ બચ્યા હોવાની ઘટનાઓ સાંભળવા મળતી રહે છે, હવે આવો વધુ એક કિસ્સો હોંગકોંગમાં બન્યો છે. અહીં 76 વર્ષના વૃદ્ધનો એપલ વોચને કારણે જીવ બચી ગયો.
76 વર્ષના ગેસ્ટોન ડીએક્વિનો ચર્ચમાં હતા ત્યારે તેમની એપલ વોચનું અલાર્મ બંધ થઈ ગયું હતું. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ડીએક્વિનો અલાર્મ બંધ થતાં જ સીધા હોસ્પિટલ પહોંચી ગયા હતા.
હોસ્ટિપલમાં ડોક્ટર્સે તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેમના હૃદયની બે આર્ટરી (રક્તવાહિનીઓ) 100 ટકા બ્લોક છે અને ત્રીજી રક્તવાહિની 90 ટકા બ્લોક છે. ડીએક્વિનો સામાન્ય રીતે સ્વસ્થ હતા અને ચર્ચમાં જ્યારે એપલ વોચનું અલાર્મ બંધ થયું તે પહેલાં ક્યારેય કોઈ લક્ષણો જણાયાં નહોતાં.
બાદમાં ડોક્ટર્સે તેમની એન્જિયોપ્લાસ્ટી કરી અને હવે તેઓ સ્વસ્થ છે. હવે તેઓ હૃદય સંબંધિત બીમારીથી પીડાતા લોકોને એપલ વોચ પહેરવાની સલાહ આપી રહ્યા છે. ડીએક્વિનો એક ડાયમંડ ટ્રેડર છે. તેમણે આ વિશે એપલના સીઈઓ ટિમ કૂકને એક પત્ર પણ લખ્યો હતો, જેનો તેમણે જવાબ આપતા લખ્યું હતું કે, તમે તમારી મેડિકલ કન્ડિશનનું ધ્યાન રાખ્યું અને તમે અત્યારે સ્વસ્થ છો, તે જાણીને અમને ખુશી થઈ. તમે તમારો કિસ્સો અમારી સાથે શેયર કર્યો તે પ્રશંસનીય છે.
હોંગકોંગના ડાયમંડ ટ્રેડરનો એપલ વોચને કારણે જીવ બચી ગયો હોય તેવો આ પહેલો કિસ્સો નથી. એપલ વોચે તેના યુઝર્સનો જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય તેવા અગાઉ બે કિસ્સા બની ચૂક્યા છે.
18 વર્ષના ડીઆના રેક્ટેન્વાલ્ડના એપલ વોચ મોનિટરે તેની કિડનીની બીમારી પકડી પાડી હતી, જેનું આ પહેલાં ક્યારેય નિદાન થયું નહોતું. રેક્ટેન્વાલ્ડે તેનો કિસ્સો ટિમ કૂક સાથે શેયર પણ કર્યો હતો.
32 વર્ષના વિલિયમ મોન્ઝિડેલિસનું એપલ વોચ અલાર્મ બંધ થઈ જતાં તેના અસામાન્ય રક્તસ્ત્રાવની સારવાર શક્ય બની હતી.