લોભની દોડ ક્યાં જઈને અટકશે?

ઘણી સદીઓ પહેલાની વાત છે. એક નાનકડું ગામ હતું. નદીના કિનારે. પહાડોના ખોળામાં. કુદરતે લીલીછમ ચાદર પાથરેલી. અને મહેકતા ગુલાબથી એ ચાદર શોભતી. બહારની સુંદરતા ગામના લોકોના મનની સુંદરતાનું પરાવર્તન હતું. ગ્રામીણો વાટકી વહેવારથી ઘર ચલાવતા. એકની દળ, એકનો ભાત અને એકના ઘરનું શાક. આમ કરી આખી થાળી 56 ભોગે શોભતી. સ્વ કરતા વધારે પરની ચિંતા કરનારા આ લોકોને સ્વાર્થની પરિભાષા પણ નતી ખબર.
મલક, કિશન અને સુંદર - આખા ગામમાં આ 3ની દોસ્તીની ચર્ચા થાય. જમે પણ સાથે, ફરવા પણ સાથે જાય. આખો દિવસ જોડે જ રહે. વર્ષો વીતતા ગયા. મલક, સુંદરની ઉદારતા અને નિ:સ્વાર્થતા પર મોહી ગઈ. સુંદર, મલકના સૌંદર્ય પર. બંને જણા એકલા મળવા માંડ્યા. દોસ્તીના ગુલાબમાં પ્રેમની સુગંધ ભળી. કિશનથી આ સહન ન થયું. ગામથી અલગ જઈને રહેવા માંડ્યો. પોતાના ખેતરમાં પોતે ખેતી કરી પોતાનું પેટ ભરવા માંડ્યો. સાંયોગિક રીતે, એના ખેતરની જમીન ખૂબ ફળદ્રુપ નીકળી. પોતાની જરૂરિયાત કરતા વધારે અનાજ વાવવા મંડ્યો. એ ચોમાસે વરસાદ ઓછો પડ્યો. ગામનું અનાજ ખુટ્યું. એકલા કિશન પાસે જ વધારે અનાજ હતું. બધા કિશન પાસે પહોંચ્યા. વધારાનું અનાજ માંગ્યું. કિશને વળતરમાં મલકનો પ્રેમ માંગ્યો. ગ્રામીણ આશ્ચર્યમાં પડ્યા. આવું પહેલા ક્યારેય થયું ન હતું. કોઈની પાસે આનો જવાબ ન હતો. છેવટે હારીને બધાએ વધારે અનાજ વાવવાનું નક્કી કર્યું. વાટકી વહેવાર દુકાળમાં વહી ગયો. લોભની અતિવૃષ્ટિમાં ગામ ડૂબી ગયું.
વાર્તા આખી સૃષ્ટિની કંઈક આવી જ છે. ચારે બાજુ લોભની અતિવૃષ્ટિ છે. એકનો રાવણ જાગ્યો, તો એને હણવા રામને જગાડવાના બદલે સર્વેએ હથિયાર ઉઠાવ્યા. એટલે શું જે જેવું હોય, એની સાથે એવી રીતે વર્તવાનું? ચોરના ઘરે જ ચોરી કરવાની?
લોભનો કોઈ અંત નથી. લાંચ, ભ્રષ્ટાચાર, ચોરી - આ બધાનું એક જ તો કારણ છે. જરૂરિયાત કરતા વધારે પામવાની એષ્ણા. એષ્ણા તો ક્યારેય પૂર્ણ નથી થવાની. આપણી આજુ બાજુ રોજ નવી વસ્તુ આવ્યા જ કરે છે. અને એ દરેક વસ્તુ, એ દરેક ભૌતિક સમૃદ્ધિ માટે સતત દોડ્યા કરીએ છીએ. ક્યાં સુધી? કેટલું મળશે તો સંતોષ માણીશું? કોઈ આંકડો, કોઈ ગણતરી છે? કે પછી બસ લીધા જ કરવાનું? એષ્ણા થવી એ મનુષ્ય સ્વભાવ છે. પણ શું એ બધી ઈચ્છાની પૂર્ણતા થી જ મને આનંદ મળી શકે? જેમ ઈચ્છા થવી માનવ સ્વભાવ છે, એમ આનંદ એ આત્માનો સ્વભાવ છે. મનને ખુશ કરવા ચાલ્યા છીએ. આનંદનું શું?
પરિતૃપ્તિ એ માત્ર સંતોને મળેલી વિરલતા નથી. પરિતૃપ્તિ એ આ ભૌતિક જગતથી પર થવાનો સહેલામાં સહેલો રસ્તો છે. મારો આંતરીય ખાલીપો કોઈ વસ્તુથી અથવા કોઈ ભૌતિક સામગ્રીથી ભરાઈ જવાનો હોય, તો હું 100 ટકા એ ભૌતિકતા મેળવવા દોડાય. પણ જે લોભથી મારું અને મારી આસપાસની સૃષ્ટિનું અહિત થતું હોય, એવા લોભનો શું અર્થ? દોડવાની ના નથી. પણ શું લેવા દોડવું છે, ક્યાં સુધી જાઉં છે, એ તો નક્કી કરી લઈએ! પછી રેસમાં નામ નોંધાવીએ!
ક્યાં સુધી ડામરમાં પગ કાળા કરીશું? કોઈક દિવસે પેલી લીલીછમ ચાદર અને ભીની માટીનો આનંદ નથી અનુભવવો?
- સૃષ્ટિ શાહ