કર્ણાટકમાં તોડ-જોડનાં પ્રયાસો પરાકાષ્ટાએ

આજે ભાજપના વિધાયક દળની બેઠકમાં યેદિયુરપ્પાને નેતા ચૂંટી કઢાશે બેંગલુરુ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભાના પરિણામો બાદ આજે બુધવાર નિર્ણયનો દિવસ છે. કોઈનેય સ્પષ્ટ બહુમતિ ન મળવાની સ્થિતિમાં કર્ણાટકનું કોકડું બરાબરનું ગુંચવાયું છે. એક તરફ ભાજપ તો બીજી બાજુ કોંગ્રેસ-જેડીએસ સરકાર રચવાના દાવા કરી રહ્યાં છે, પરંતુ અંતિમ નિર્ણય રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળા પર નિર્ભર છે. રાજ્યમાં સૌથી વધુ બેઠકો જીતનારી ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં 11 વાગ્યે પાર્ટી ધારાસભ્યોની બેઠક થશે. જેમાં તમામ 104 ધારાસભ્યો હાજર રહેવાની શક્યતા છે. પાર્ટીના સ્ટેટ હેડક્વાર્ટરમાં થનારી આ બેઠકમાં કેન્દ્રીય પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. ભાજપના ધારાસભ્ય ઈશ્ર્વરીયાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને જેડી એસના કેટલાક ધારાસભ્યોેે તેમનાં સંપર્કમાં છે. આ સાથે જ કર્ણાટકમાં સત્તા મેળવવા તોડ-જોડના પ્રયાસો પરાકાષ્ટાએ પહોંચ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યો ‘સંપર્ક’ માં હોવાનો ભાજપ ધારાસભ્યનો દાવો બીજી બાજુ કોંગ્રેસના ટોચના નેતઓ પણ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીની ઓફિસમાં 78 ધારાસભ્યોની બેઠક યોજાશે. બેઠકમાં સિદ્ધારમૈયા અને કોંગ્રેસનું કેન્દ્રીય પ્રતિનિધિમંડળ પણ ભાગ લેશે.
જોકે આ બધા વચ્ચે દેશ આખાની નજર કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા પર ટકેલી છે કે શું નિર્ણય લે છે. લોકોમાં એ વાતને લઈને ભારે ઉત્સુકતા છે કે, વજુભાઈ વાળા પહેલા કયા પક્ષને આમંત્રિત કરે છે. રાજ્યપાલ પાસે હાલ બે વિકલ્પ છે, પહેલો કે તે સૌથી મોટી પાર્ટી ભાજપને આમંત્રણ આપે અને બહુમતિ સાબિત કરવા કહે કે પછી કોંગ્રેસ-જેડીએસના ગઠબંધનને સરકાર રચવાનું કહેશે, જે બહુમતનો જાદુઈ આંક પોતાની પાસે હોવાનો દાવો કરી રહ્યું છે.
બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપનું કહેવું છે કે, એ બાબત સંપૂર્ણ રીતે રાજ્યપાલ પર નિર્ભર કરે છે કે, તે સરકાર બનાવવા માટે પહેલા કોને આમંત્રિત કરે છે. સૌથી મોટી પાર્ટીને કે પછી ગઠબંધન જે પુર્ણ બહુમત હોવાનો દાવો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે કર્ણાટક વિધાનસભાના પરિણામોમાં 104 બેઠકો સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી, જ્યારે રાજ્યમાં સત્તા ભોગવી રહેલી કોંગ્રેસ માત્ર 78 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. તો જેડીએસને 37 બેઠકો મળી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી અને કર્ણાટક પ્રજ્ઞયસંસ્થા જનતા પાર્ટીને 1-1 બેઠક મળી. આ ઉપરાંત અન્ય એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.