અધિક માસમાં આત્માને ઉજળો બનાવીએ

કાલથી પવિત્ર પુરૂષોતમ માસનો પ્રારંભ
પૂજન, અર્ચન, તપ, જપ, દાન હવન વગેરે ધર્મ આરાધના કરીને આત્મકલ્યાણના પંથે પ્રયાણ કરીએ
રાજકોટ તા.1પ
આવતીકાલથી પવિત્ર પુરૂષોતમ માસનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ધર્મ, આરાધના, તપ, જપ માટે જાતને તૈયાર કરીએ. વિક્રમ સંવત ર074 માં અધિક જયેષ્ઠ માસ તા.16/પ/18 થી તા.13/6/18 દરમિયાન પાવન પુરૂષોતમ માસ છે. બે અધિક માસ વચ્ચેનો સમયગાળો ર8 મહિના કે 36 મહિનાનો હોય છે. સૂર્ય જ્યારે કોઇ રાશિમાં પ્રવેશે તે સંક્રાંતિ કહેવાય છે અને જ્યારે કોઇ માસમાં આ સંક્રાંતિ ન હોય તે માસ અધિક માસ એટલે કે પુરૂષોતમ માસ કહેવાય છે.
પુરૂષોતમ માસ મહાત્મ્ય
આ માસમાં ભગવાન પોતે પૃથ્વી પર વિચરણ કરતા કરે છે જેથી જે કંઇ ધાર્મિક, પુજા, પાઠ, દાન, પુણ્ય કરવાથી તેનું તુરંત જ ફળ મળે છે. પૂર્ણ શ્રધ્ધા રાખવાથી ભગવાનની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. મનવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તેમજ પ્રભુનો સાક્ષાત્કાર પણ થાય છે. આ માસમાં ભગવાનની આરાધના કરતા ભવસાગર પાર કરી શકાય છે. યોગ અને વંદના સિધ્ધાંત સમજવા અઘરા છે પરંતુ આ માસમાં ભકિત દ્વારા આ બધાનું પૂર્ણ ફળ મળે છે.
ધાર્મિક આરાધના
અનેકગણું ફળ આપનાર પૂર્ણ પુરૂષોતમ માસમાં ધર્મ આરાધના કરી પુણ્ય ભાથુ બાંધી શકાય છે. શ્રધ્ધાપૂર્વક ગરીબોને દાન, બ્રાહ્મણોને ભોજન તેમજ ભગવાનની ભકિતનું શ્રેષ્ઠ ફળ મળે છે. આપણે બધા જાણીએ છીએ કે આ માસમાં શુભ કાર્યો વર્જિત હોય છે તો સમગ્ર માસ દરમિયાન પ્રભુ આરાધનામાં લીન બની જીવનમાં સફળ બનાવીએ.
ૐ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રીકૃષ્ણ શરણં મમ ના જાપ કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ, સત્યનારાયણ ભગવાનની કથા, પુરૂષોતમ મહાત્મ્ય, રામાયણ પારાયણ, ભાગવત પારાયણ વગેરે કરી આત્મકલ્યાણ સાધી શકાય.
- શાસ્ત્રી રાજદીપ જોષી