ભાવનગરમાં આંગડિયા પેઢીના સંચાલક ઉપર ફાયરિંગ કરી પાંચ લાખની લૂંટ

બાઈક સવાર બે લૂંટારાએ ભરી બજારમાં પોલીસની આબરૂના લીરા ઉડાડયા ઝપાઝપીથી થેલો નહિ છૂટતા હાથમાં ગોળી મારતા આંગડિયા સંચાલક ઘાયલ: પોલીસ કાફલાએ આરોપીના સગડ મેળવવા શરૂ કરી દોડધામ
ભાવનગર, તા.15
ભાવનગર શહેરના નારી ચોકડી પાસે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી ચલાવતા અને ચિત્રા ગણેનગરમાં રહેતા હરદીપસિંહ રામદેવસિંહ ચુડાસમા (ઉ.વ.22) તેના બાઈક ઉપર આંગડિયા પેઢીમાં રૂા.5 લાખની રોકડ રકમ લઈ પીરછલ્લા શેરીમાં આવેલ બ્રાન્ચમાં જતો હતો.
આ સમયે નિલમબાગ સર્કલ નજીક સીસ્ટર નિવેદીતા સ્કૂલ પાસે બાઈક ઉપર આવેલા બે શખસોએ પ્રથમ ઝપાઝપી કરી બાદમાં રિવોલ્વર વડે ફાયરિંગ કરી હરદીપસિંહના હાથ ઉપર ગંભીર ઈજા પહોંચાડી રૂા.5 લાખની રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.
આ લૂંટના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો, એસઓજી, એલસરીબી, ડોગ સ્કવોડ, એફએસએલની ટીમ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. લૂંટારૂના ફાયરિંગથી ઈજા પામનાર હરદીપસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. ફાયરિંગ કરી રૂા.5 લાખના લૂંટના આ બનાવથી શહેરમાં ભારે ચકચાર સાથે સનસનાટી મચી જવા પામી છે. લૂંટારૂને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આંગડિયા પેઢીના માલીક ઉપર ફાયરિંગ કરી રૂા.5 લાખની
લૂંટનો બનાવ બનતા પોલીસતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.