તોરણિયાની ગૌશાળામાં વધુ 9 ગાયોનાં શંકાસ્પદ મોત: વિવાદી સંચાલક ફરાર

વધુ એક ફરિયાદ નોંધાવવા તજવીજ: ગાયોનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા જૂનાગઢ, તા.15
જૂનાગઢના તોરણીયા ગામની ચર્ચાની એરણે ચડેલ રામાપીર ગૌશાળામાં છેલ્લા બે દિવસમાં વધુ 9 ગાયો અને ગૌવંશોના મોત થયાની ઘટના સામે આવતાં સનસની મચી જવા પામી છે. ગૌશાળાના ટ્રસ્ટના પ્રમુખ અને મુખ્ય સંચાલક ધીરૂ સાવલિયા ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
જૂનાગઢ મનપાએ શહેરમાંથી પકડેલી 789 જેટલી ગાય અને ગૌવંશોને રૂા.3 હજાર આજીવન નિભાવ ખર્ચ આપી તોરણિયાની રામાપીર ગૌશાળાને સોંપ્યા બાદ વર્ષ દરમિયાન 550 જેટલી ગાયો અંગે મનપાના સેનેટરી અધિકારી ડાંગરે જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ અરજી આપ્યા બાદ સિમાંકન મુદ્દે આ ફરિયાદ અરજી જૂનાગઢ તાલુકા પોલીસને રવાના કરાતાં જૂનાગઢ તાલુકા પીએસઆઈ લકકડે આ બાબત તપાસ શરૂ કરી હોવાનું અને નિવેદનો લેવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળેલ છે. જો કે, તપાસનીશ અધિકારીના જણાવ્યા મુજબ હજુ એફઆઈઆર નોંધાયેલ નથી.
દરમિયાન જાણવા મળેલ વિગતો મુજબ રામાપીર ગૌશાળામાં છેલ્લા બે દિવસોમાં 9 જેટલી ગાય અને ગૌવંશના મોત થવા પામ્યા છે જેમાંથી એક ગાયને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી હોવાનું પણ જાણવા મળેલ છે તથા આ ગંભીર બાબતે મનપા દ્વારા અપાયેલ ફરિયાદ અરજીમાં જેમનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે ધીરૂભાઈ સાવલિયા હાલમાં કયાંક ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.