કોલેજોમાં સેમેસ્ટર પ્રથા નાબૂદ નહી થાય

મોટા ઉપાડે જાહેરાત કરનાર સરકાર હવે પારોઠના પગલા ભરશે સિમેસ્ટર સિસ્ટમમાં ફેરફાર કરાશે: યુજીસીએ શિક્ષણ વિભાગના નિર્ણય ઉપર ઠંડુ પાણી રેડી દિધુ રાજકોટ,તા.15
યુનિવર્સિટી-કોલેજમાંથી સેમેસ્ટર પ્રથા નાબૂદ કરવાની મોટા ઉપાડે રાજય સરકારે જાહેરાત કર્યા બાદ હવે પારોઠના પગલા મર્યા છે. સેમેસ્ટર પ્રથામાં હવે સુધારા કરી ચાલુ રાખવામાં આવનાર હોવાનું શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ગુજરાત હાયર એજ્યુકેશનમાંથી હવે સેમેસ્ટર સિસ્ટમ દૂર થાય તેવી કોઇ શક્યતા નથી. જેના કારણે હવે આગામી દિવસોમાં સેમેસ્ટર સિસ્ટમમાં મહત્ત્વના ફેરફાર કરવાની કાર્યવાહી શરૂ કરાશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના આદેશના પગલે હવે શિક્ષણવિભાગે સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવાના બદલે તેમાં કયા કયા ફેરફાર શક્ય છે તે માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં સેમેસ્ટર સિસ્ટમ વર્ષ 2011-12માં લાગુ કરવામાં આવી ત્યારે તેનો હેતુ સારો હતો. ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમની સાથે જ સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની હતી.
કમનસીબે રાજ્યમાં હાયર એજ્યુકેશનમાં સેમેસ્ટર સિસ્ટમ તો લાગુ કરી દેવાઈ પરંતુ ક્રેડિટ બેઇઝ ચોઇસ સિસ્ટમનો અમલ જ કરાયો નથી. કોઇપણ પ્રકારના પૂર્વ આયોજન વગર લાગુ કરાયેલી સેમેસ્ટર સિસ્ટમના કારણે હાલ શિક્ષણની અવદશા થઇ રહી છે. કોલેજો અને યુનિવર્સિટીઓ પરીક્ષા લેવાની પ્રક્રિયામાંથી બહાર નીકળી શકતા નથી.
સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવી ત્યારથી જ વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ શરૂ કર્યો હતો. છેલ્લે એનએસયુઆઇ અને એબીવીપીએ સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવાની માગ સાથે આંદોલનો કર્યા હતા. એક તબક્કે સરકારે પણ સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવી જોઇએ તેવું મન બનાવ્યું હતું. જેના અનુસંધાનમાં એક કમિટીની રચના કરીને કોલેજોના પ્રિન્સિપાલ પાસેથી આ અંગેને અભિપ્રાયો પણ મગાવાયા હતા. જોકે, હવે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવવાની તૈયારી છે.
પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે થશે તેની જાહેરાતો કરી દેવામાં આવી છે. ત્યારે હવે આ વર્ષે સેમેસ્ટર સિસ્ટમ દૂર કરી શકાય તેવી કોઇ શક્યતા નથી. જેના કારણે હવે સેમેસ્ટર સિસ્ટમમાં કયા પ્રકારના સુધારાઓ શક્ય છે તેની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમા શિક્ષણમંત્રીએ પણ આ અંગેનો નિર્દેશ આપીને કહ્યું હતું કે, યુજીસીના નિયમોના કારણે સેમેસ્ટર સિસ્ટમ દૂર કરી શકાય તેમ નથી. પરંતુ તેમાં કયા કયા સુધારા કરી શકાય તેમ છે તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આમ, હવે સેમેસ્ટર સિસ્ટમ દૂર નહી થાય પણ સુધારાઓ કરાશે તે નક્કી થઇ ચૂક્યું છે..