આતંકનો એકરાર: નવાઝની શરીફાઈ કે શરીફની બદમાશી? । તંત્રી લેખ

ભારતમાં ક્યારેક સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાઓને વધારે પડતું મહત્ત્વ મળી જાય છે ને બીજું બધું બાજુ પર રહી જાય છે. પાકિસ્તાનમાં જેને લાત મારીને ગાદી પરથી તગેડી મુકાયા છે એવા નવાઝ શરીફે
26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા
ભયાનક આતંકવાદી હુમલા વિશે કરેલી વાતોના મામલે એવું જ થયું છે.
નવાઝ શરીફ પાકિસ્તાનના વડા પ્રધાન હતા પણ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તેને લાત મારીને તગેડી મૂક્યા છે. શરીફના કિસ્સામાં આખેઆખા હાથી નીકળી જાય ને પૂંછડું ભરાઈ જાય એવું થયું છે. શરીફ કોઈ રીતે શરીફ નથી ને સત્તાનો ઉપયોગ તેમણે પાકિસ્તાનની તિજોરીનો માલ ઘરભેગો કરવા માટે કરેલો. શરીફ પોતે બિઝનેસમેન છે ને તેમના ગ્રુપની કંપનીઓની સંખ્યા મોટી છે. પાકિસ્તાન સિવાય બીજે પણ શરીફના ધંધાનો પથારો ફેલાયેલો છે. શરીફનો દીકરો યુએઈમાં કંપની ચલાવે છે ને શરીફ વડા પ્રધાન હતા છતાં એટલો ટૂંકો જીવ કે આ કંપનીમાંથી પગાર લેતા હતા. શરીફે આ પગારની વાત છૂપાવેલી તેમાં તેમાં ભેરવાઈ ગયા. સુપ્રીમ કોર્ટે શરીફ જરાય શરીફ નથી તેવો ચુકાદો આપીને તેમના પર કાયમ માટે ચૂંટણી લડવાનો પ્રતિબંધ ઠોકી દીધો છે. નવરાધૂપ થઈ ગયેલા શરીફ પાકિસ્તાની મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યા કરે છે ને એ રીતે ટકી રહેવા હવાતિયાં મારે છે. આવા જ એક ઈન્ટરવ્યૂમાં તેમણે કબૂલાત કરી કે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો ધમધમે છે ને મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં તેમનો હાથ હતો. શરીફે શું કહેલું એ અક્ષરશ: જાણવા જેવું છે. શરીફના કહેવા પ્રમાણે, પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનો સક્રિય છે. તમે તેમને નોન-સ્ટેજ એક્ટર્સ કહી શકો. આપણે તેમને સરહદ પાર કરવાની અને મુંબઈમાં 150 લોકોને મારી નાખવાની મંજૂરી આપવી જોઈએ? આપણે મુંબઈ હુમલાનો ખટલો કેમ પૂરો ના કરી શક્યા? આ શરીફના શબ્દો છે ને તેનું એવું અર્થઘટન ચોકક્સ કાઢી શકાય કે, 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠનોનો હાથ હતો. શરીફની આ વાતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચે એ સ્વાભાવિક છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાન સહિતના વિરોધપક્ષના નેતાઓને ગોળનું ગાડું મળી ગયું હોય એવો ઘાટ થયો. તેમણે કકળાટ કરી મૂક્યો ને શરીફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાષા બોલે છે એવા આક્ષેપ કરીને શરીફના માથે માછલાં ધોવાનો કાર્યક્રમ શરૂ કરી દીધો. શરીફના દીકરાની કંપની ભારતમાં ખાંડની નિકાસ કરે છે તેથી શરીફે દીકરાનાં આર્થિક હિતો સાચવવા માટે પાકિસ્તાન સાથે ગદ્દારી કરી છે તેવી ટીકાઓનો મારો પણ ચાલ્યો. આપણે ત્યાં ટીવી ચેનલો પણ ગેલમાં આવી ગઈ ને શરીફે જાણે પાકિસ્તાન સરકારે આ હુમલો કરાવ્યો હોવાની કબૂલાત કરી લીધી હોય એવો માહોલ પેદા કરી દેવાયો. શરીફની કબૂલાતથી ભારતની વાતને સમર્થન મળ્યું છે ત્યાંથી માંડીને મુંબઈ હુમલાના મામલે હવે ન્યાય થશે ત્યાં લગીની વાતો વહેતી કરી દેવાઈ. આપણે ત્યાં આ ધમાધમી ચાલુ જ છે ત્યાં તો શરીફે ગુલાંટ લગાવી દીધી. રવિવારે શરીફનો ઈન્ટરવ્યૂ પ્રસિદ્ધ થયેલો ને 24 કલાકમાં તો શરીફે થૂંકેલું ચાટીને જાહેર કરી દીધું કે, ભારતીય મીડિયાએ મારી વાતનું એકદમ ખોટું અર્થઘટન કર્યું છે ને કમનસીબી એ છે કે પાકિસ્તાનમાં ઈલેક્ટ્રોનિક મીડિયા ને સોશિયલ મીડિયાનો એક ભાગ ભારતીય મીડિયાના કુપ્રચારની જાળમાં ફસાઈ ગયો. તેમણે ખરેખર મેં શું કહેલું તેની ચકાસણી કર્યા વિના ઠોકાઠોક કરી નાખી તેમાં ઓડનું ચોડ થઈ ગયું.
શરીફે જે ચોખવટ કરી છે એ ટિપિકલ રાજકારણી સ્ટાઈલની છે. કાગડા બધે કાળા. રાજકારણી બધે સરખા જ હોય છે ને પોતે ભેરવાઈ જાય એટલે મીડિયા પર દોષનો ટોપલો ઢોળીને હાથ ખંખેરી નાખવાની તેમની માનસિકતા હોય છે. શરીફ પણ બોલતાં તો બોલી ગયા પણ પછી ભેરવાઈ ગયા એટલે ભારતીય મીડિયા પર દોષનો ટોપલો ઢોળી દીધો. આ સંજોગોમાં તેમની ચોખવટ પર ધ્યાન આપવા જેવું નથી. બલકે તેમણે જે મૂળ વાત કહી હોય તેના પર પણ ધ્યાન આપવા જેવું નથી. તેનું કારણ એ કે, શરીફ અત્યારે સત્તામાં નથી ને તેમની વાતનું કંઈ વજન નથી. શરીફે જે ડહાપણ ડહોળ્યું છે એ પોતે સત્તામાં હતા ત્યારે ડહોળ્યું હોત તો તેનો અર્થ હતો. એ વખતે તેમણે કોઈ પગલાં ના લીધાં હોત તો પણ વાંધો નહોતો. ખાલી આ કબૂલાત જ કરી હોત તો બહુ મોટી વાત હતી, પણ એ વખતે તો એ મોમાં મગ ઓરીને બેસી રહ્યા. હવે એ ગમે તે બોલે તેનો અર્થ ખરો? બીજું એ કે શરીફ આ વાત કહેનારા પહેલા પાકિસ્તાની નથી ને પહેલાં પાકિસ્તાનમાં મોટી તોપ કહેવાય એવા લોકોએ આ વાતો કરી ત્યારે શરીફે જ તેમને જૂઠા ગણાવેલા. પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા (એનએસએ) મહમુદ અલી દુર્રાનીએ ગયા વરસે આતંકવાદ પરની એક કોન્ફરન્સમાં જાહેર કરેલું કે, મુંબઈમાં 2008માં થયેલો આતંકવાદી હુમલો પાકિસ્તાનમાં રહીને કામ કરતાં આતંકવાદી સંગઠનોએ કરેલો ને આ હુમલો સરહદ પારના આતંકવાદનો નાદાર નમૂનો છે. દુર્રાનીએ આ હુમલામાં પાકિસ્તાનનો હાથ નહોતો એવી ચોખવટ કરેલી પણ સાથે સાથે આ હુમલાના માસ્ટરમાઈન્ડ મનાતા હાફીઝ સઈદને સાવ નકામો માણસ ગણાવી તેને ઉઠાવીને જેલભેગો કરી દેવો જોઈએ એવું પણ કહેલું. એ પહેલાં પાકિસ્તાનમાં મુંબઈ હુમલાની તપાસ કરનારી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઈએ)ના એ વખતના વડા તારીક ખોસાએ પણ આ વાત કહેલી. અમેરિકાની જેલમાં બંધ ને મુંબઈ હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારો ડેવિડ કોલમેન હેડલી પાકિસ્તાનમાં સત્તામાં નહોતો પણ તેણે પણ આ વાત કરેલી જ.
શરીફે તો આ બધી વાતો કરી નથી ને સાવ બે લાઈનમાં પતાવ્યું છે. આ સંજોગોમાં તેમની કબૂલાતનો અર્થ નથી. આ કબૂલાતને આધારે પાકિસ્તાન સરકાર પર પગલાં લેવા એ દબાણ લાવે તો આખી વાત કામની, બાકી ખાલી થૂંક ઉડાડવાનું હોય તો કંઈ અર્થ નથી.