વધુ સરસ રીતે પુસ્તક વાંચવાની પ્રયુક્તિઓ..!

વાંચનનો શોખ ધરાવતા હોય, વૈચારિક આદાન પ્રદાન કરવું જેઓને ખૂબ ગમતું હોય, પુસ્તક જેઓની દિનચર્યામાં ખુબ જ અનોખુ અને ચોકકસ સ્થાન ધરાવતા હોય એવા થોડા મિત્રોને મેં એક વખત એક રસપ્રદ પ્રવૃત્તિ તરીકે તેઓની પસંદગીના ત્રણ અદભુત પુસ્તકોની યાદી બનાવી અને મને મોકલી આપવા જણાવ્યું. તેઓને આ મસ્ત મઝાનું ગમતીલું કામ કરવા માટે વિચારવા માટે, પૂરતો સમય પણ આપવામાં આવ્યો! અતિ ઉત્સાહી મિત્રોએ તો તરત જ પોતાને જે ખૂબ જ ગમતા હોય એવા પુસ્તકોની યાદી તૈયાર કરી અને મોકલી પણ આપી. અમુક મિત્રોએ આ પ્રવૃત્તિમાં ભાગ લેવામાં થોડો સમય લીધો પણ પછી એ કાર્ય પૂરું તો કર્યું જ ! અમુક મિત્રોએ તો બે થી ત્રણ વખત તેઓને યાદ દેવડાવ્યા પછી પણ પુસ્તકોના નામ લખીને ન મોકલ્યા તે ન જ મોકલ્યાં આ પૈકીનાં અમુક મિત્રો અન્ય કાર્યોમાં થોડા વધુ પડતા વ્યસ્ત હોય એવું બને ! પણ એ વાત પણ ત્યારબાદ વજૂદ વિનાની એટલાં માટે બની જાય કેમ કે માત્ર ત્રણ જ પુસ્તકની યાદી બનાવતાં, લખતાં, મોકલતાં કંઇ વધુ પડતો સમય ન જ જોઇએ ! એક મહિનાના અંતે પણ અમુક મિત્રોએ યાદી લખી મોકલવામાં ઉદાસીનતાના જ કરાવ્યાં દર્શન ! પછી મને એવું પણ જાણવા મળ્યું કે અમુક મિત્રોએ મનોમન એવું નકકી જ કરી લીધું હતું કે, આ અથવા તો આવી કોઇ પણ પ્રવૃતિમાં તેઓ કદી ભાગ પણ નહીં લે ! જો એમ હોય તો પણ બિલકુલ એ યોગ્ય જ ! પણ તેઓએ સ્પષ્ટપણે આ વાત તો કરી જ દેવી જોઇએ ને કે તેઓ આવું કરી શકશે નહીં ! જેથી અન્ય મિત્રો કે જેઓને પણ પ્રતિક્ષા હોય કે પ્રવૃત્તિ સરસ રીતે પૂર્ણ થાય અને તેના આધારિત અન્ય કાર્યોની પછી થાય, કરી શકાય મસ્ત શરુઆત ! પ્રવૃત્તિના ઘણા ફાયદા પૈકીનો સૌથી મહત્ત્વનો ફાયદો દરેક વ્યકિત કે મિત્ર માટે તો એ છે કે જયારે પોતાની પસંદગીના ત્રણ પુસ્તકો વિશે કોઇ પૂછે તો તરત જ એનો જવાબ આપી ન પણ શકાય! વિચાર પ્રક્રિયાનો પ્રારંભ કરાવી જાય છે આવા સવાલો! પછી ઘણા પુસ્તકોનું સ્મરણ પણ થાય! એમાંથી ત્રણ નામ જુદા તારવવા પણ ખૂબ જ અઘરાં! પણ આ કરવાની અનોખી મઝા! બધાને થતો ફાયદો એ છે કે ઘણાં નવા પુસ્તકોના નામથી, લેખકથી પણ થવાય આ રીતે ઉચિત!
દરેક વ્યક્તિનું વાંચન અલગ પ્રકારનું જ હોય ! એટલે પુસ્તકની પસંદગી પણ ભિન્ન જ હોવાની ! કોઈને નવલિકા ગમતી હોય તો કોઈને નવલકથા ! નિબંધ, નાટક, આત્મચરિત્ર, સંવાદ, સત્યઘટના, ટૂંકીવાર્તા, સુક્ષ્મકથા, કાવ્ય કે આત્મકથા ! દરેકને આ પૈકી એક યા બધુ હોય શકે પસંદ ! હવે જયારે પુસ્તકની યાદી મંગાવીએ તો સૌથી મોટો ફાયદો એ થાય કે અલગ અલગ પ્રકારના પુસ્તકોથી બધાં થાય પરિચિત ! ઘણાં એવા પુસ્તકો હોય કે જેના નામથી પણ આપણે પરિચિત ન હોઈએ તો તેની પણ આ રીતે પડે ખબર! વાંચવા માટે મળે પ્રેરણા પણ! એ રીતે આગળ ધપીએ તો વધે વૈચારિક સમૃધ્ધિ પણ! નામ લખીએ પુસ્તક પસંદ હોય તેના એટલે કર્યો ગણાય આપણે તો ગમતાનો ગુલાલ ! વાત તો સરવાળે, છેલ્લે રસ, રુચિ અને પ્રતિબદ્ધતાની જ આવે ! ખુદની જાતને આપેલું વચન પણ જેઓ માટે કોઈ જ માયાના ધરાવતું હોય ત્યારે તેઓ પાસેથી પ્રતિબદ્ધતાની અપેક્ષા જ વધુ પડતી ! મનગમતી પ્રવૃત્તિમાં જો આ દશા હોય તો જે કામ અણગમતું હોય, અનિવાર્ય હોય, ફરજના ભાગરૂપે કરવું પડે તેમ હોય એમાં શું થાય ? ન બોલવામાં નવગુણ ! આ કહેવત અમસ્તી તો નહીં જ પડી હોય ને ?
તમને કોઈ એમ પૂછે કે તમને પુસ્તક વાંચતા આવડે છે ? તો તમને ચોક્કસપણે આ સવાલ વિચિત્ર જ લાગવાનો ? કદાચ થોડો ગુસ્સો પણ આવી જાય ! પણ હવે જે વાત આવે છે તે આ પ્રકારના સવાલનો વિસ્તારપૂર્વક અને અર્થસભર જવાબ આપવાના ભાગરૂપે જ આલેખિત થઈ છે ! ગમશે તમને !
દરેક પુસ્તક ચોકકસ હેતુ સાથે જ લખાતું હોય છે ! જે આશય, મકસદ અને હેતુ સાથે લેખકે એ લખ્યું હોય એ જો આપણને એકદમ સુસ્પષ્ટપણે અને પૂર્ણતાથી જો સમજાય જાય તો પછી એ પુસ્તક વાંચવામાં અને તેના અર્થને ખૂબ સારી રીતે આત્મસાત કરવામાં પણ આપણને રહે સુગમતા !
કોઈપણ પુસ્તકમાં સીધી કે આડકતરી રીતે જે ત્રણ બાબતો સમાવિષ્ટ હોય યા તો ત્યાં સુધી વાંચકને પહોંચતા કરવાનો લેખકનો ઉદ્દેશ હોય એ છે માહિતી, જ્ઞાન અને ડહાપણ આ ત્રણેયની મોજુદગી અનિવાર્ય છે. પુસ્તકના ઉત્કૃષ્ટ બનવા, નીવડેલું સાબિત થવા, ફરી ફરી વાંચવું ગમે તેવું થવા, લખાવા માટે ! ત્રણેયની માત્રા ઓછી કે વધુ હોય શકે પણ હોવા ત્રણેય જોઇએ મોજૂદ ત્યાં ! ને વાંચકે આ ત્રણેય પામવા પૂરુ કરવાનું હોય પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રીત ! કશું જ ચૂકી ન જવાય તેની પણ રાખવી પડે તકેદારી ! આનંદ સાથે આ થાય એ જરૂરી !
ત્યારપછીની ખુબ જ મહત્ત્વની વાત છે. સમગ્ર કથાનું વિષય વસ્તુનું પૃથક્કરણ ! જે હેતુથી એ પ્રસ્તુત કરાયું હોય એ રીતે જ વાંચક જો એ કરી શકે ખુબ સરળતાથી તો જ પુસ્તક ગણાય નીવડેલું ! તેની સાથે જ જોડાયેલી બાબત છે અર્થઘટનની ! શબ્દયાત્રા કરાવ્યા પછી લેખક પોતાના વાંચકને અર્થસભરતા અને અનન્યતાથી માલામાલ કરી દે તો જ એ બંન્ને વાંચકનો પ્રિય લેખક ! ને પેલું પુસ્તક તેનું પ્રિય પુસ્તક ! ત્રીજી બાબત મૂલ્યાંકનની અનાયાસે જ આપણે સમગ્ર વિષયવસ્તુને આપણા દ્રષ્ટિકોણથી મૂલવતા જ હોઇએ ! એમાં પાર ઉતરે એ લખાણ આપણને ખૂબ પોતીકુ અને વ્હાલું લાગે !
આમ પૃથક્કરણ અર્થઘટન અને મૂલ્યાંકનના માપદંડે જે પુસ્તકને તીવ્રતાથી માણી શકાય, માહિતી, જ્ઞાન અને ડહાપણની સંપદા જેમાંથી પામી શકાય તે પુસ્તક માટે આપણે ઉચ્ચ અભિપ્રાયને ધરાવીએ જ પણ અન્યોને પણ વાંચવાની ભલામણ પણ કરીએ !
ખૂબ સરળ રીતે સહજતાથી, રસપ્રદ રીતે અને પ્રમાણથી કોઇપણ પુસ્તક કેમ વાંચવું જોઇએ તેની અદ્દભુત વાત જે પુસ્તકમાં થઇ છે તેનું નામ છે - ‘હાઉ ટુ રીડ એ બુક’ અને તેના લેખક છે મોરટીમર જે એડલર ! માત્ર વાંચવા ખાતર નહીં પણ અન્ય પુસ્તકોને વધુ સારી રીતે વાંચવાનો કસબ વિકસાવવા માટે પણ આ પુસ્તક છે ઉત્તમ ! શિક્ષણ ક્ષેત્રે નીવડેલું પુસ્તક છે આ ! ગમશે તમને પણ વાંચવું એ ! તમે ઘણું વાંચવા માટે પણ પામશો પ્રેરણા આ પુસ્તકનું વાંચન કરીને ! અટકીએ આ મુકામ પર હવે ! દરેક વ્યક્તિનું વાંચન અલગ પ્રકારનું જ હોય ! એટલે પુસ્તકની પસંદગી પણ ભિન્ન જ હોવાની ! કોઈને નવલિકા ગમતી હોય તો કોઈને નવલકથા ! નિબંધ, નાટક, આત્મચરિત્ર, સંવાદ, સત્યઘટના, ટૂંકીવાર્તા, સુક્ષ્મકથા, કાવ્ય કે આત્મકથા !
દરેકને આ પૈકી એક યા બધુ હોય શકે પસંદ ! બુક ટોક સલીમ સોમાણી