દોસ્ત દોસ્ત ના રહા...

આજના સમયમાં સાચા દોસ્ત મળવા તે નસીબની વાત ગણાય મને તમારા મિત્રો અને સાથીદારો બતાવો. હું તમને કહી આપુ કે તમે કોણ અને કેવા છે!
ગેટે દ્વારા લખાયેલી આ વાત મિત્રતા ઉપર પ્રકાશ પાડે છે. મિત્ર વગરનું જીવન નકામુ છે. કારણ કે જે વાત તમે ઘરમાં કોઈને ન કરી શકતા હો તે વાત મિત્ર પાસે હકકથી કરી શકો છો. એટલે જ કહેવાય છે કે જીવનમાં કમ સે કમ એકાદ તો એવો મિત્ર હોવો જોઈએ કે જેના ખભે માથુ રાખી તમે રડી શકો. જે સુખમાં ભલે સહભાગી થાય કે ન થાય પણ દુ:ખ વખતે દોડતો આવે પરંતુ જ્યારે મિત્ર પ્રેકટીકલ બની રાજકારણ રમવા લાગે તો ?
‘મને દોસ્તોના અનુભવ ન પૂછો
હવે દુશ્મનો પર ભરોસો કરુ છું’
-સૈફ પાલનપુરી
આજના સમયમાં સાચા દોસ્ત મળવા તે નસીબની વાત ગણાય. એવું કહેવાય છે કે જેને સગપણથી બાંધી ન લેવાય એવી વ્યક્તિઓને ભગવાન મિત્ર બનાવી ભૂલ સુધારી લે છે પરંતુ કેટલાક એવા પણ નીકળતા હોય છે કે આપણી ઓળખાણ વટાવી ખાય, આપણા નામે ચરી ખાય એટલું જ નહીં આપણે ખંભે બંદૂક રાખીને ફોડે અને છતાં ગ્રુપમાં આપણને ઉતારી પાડવાની એક પણ તક જતી ન કરે ! આપણી ગેરહાજરીમાં એલફેલ બોલતાયે અચકાય નહીં !
માણસના કપાળ ઉપર કોઈ છાપ તો હોતી નથી કે તે કેવો છે તે જાણી શકાય ! મિત્ર ઢાલ સરખો હોવો જોઈએ તેના બદલે તલવાર જેવો નીકળે તો ? એથી પણ આગળ વધીએ મીઠી છૂપીછરી જેવો બને ત્યારે બેશક આંચકો લાગે છે. કોઇ શાયરે કહ્યું છે કે
‘દુશ્મનો કે ખૌફ કા ડર નહીં મુજકો’ દુશ્મન સામેથી ઘા કરતો હોય આપણે સાવચેત રહીયે છીએ પરંતુ સાથે ફરનાર, મીઠુ બોલનાર મિત્ર પાછળથી ઘા કરી લેશે તો ખબર પણ નથી પડતી.
અમારા દોસ્તનો કોઈ જરા આ પ્યાર જોઈ લો
જનાજો નીકળ્યો ત્યારે દિલાસો આપવા આવ્યા,
- ‘આશિત’ હૈદરાબાદી
કેટલાક મિત્રો એવા હોય છે કે, કાળી રાતે પણ દોડી આવે તમે મુસિબતમાં છો તે વાતની ખબર પડતા જ તે આવી તમારી આડા ઉભા રહી જશે પરંતુ અમૂક મિત્રો એવા પણ હોય છે કે જે તમારી ‘આડા પડશે’ મતલબ કે, તમને મળનાર લાભ તમારી જાણ બહાર પોતે લઈ લેશે !
આશિત હૈદરાબાદી અહીં મિત્રોની વાત કરતા કહે ભાગ્યે જ મળવા આવતા હશે પરંતુ મૃત્યુ સમયે દિલાસો આપવા આવે છે.
મૃત્યુ વખતે સગા સંબંધી મિત્રો આવે તે સ્વાભાવિક છે. આ વાતને હળવાશથી લેતા કવિ કહે છે કે જ્યારે દુ:ખ હતું ત્યારે કોઈ દેખાયું નહીં અને મૃત્યુ સમયે બધા દિલાસો આપવા આવ્યા. જોકે, સાંપ્રત ભાગદોડના આ સમયમાં મિત્રો પણ રોજ એકબીજાને મળે કે તેની પાછળ સમય વિતાવે એ વાત પણ શકય નથી રહ, પણ પ્રસંગ તેમાં પણ દુ:ખદ પ્રસંગે તો દોડવું જ પડે !
સંભવની વાત છે કે, નભી જાપ દોસ્તી
ઓ દોસ્ત આપણી જો મુલાકાત કમ રહે
-મરીઝ
મરીઝ દોસ્તી લાંબી ટકી રહે તે માટે શેરમાં સરસ વાત કરી રહ્યા છે. આપણી એક ખાસિયત છે કે નવી દોસ્તી અથવા કોઈ સાથે નવી ઓળખાણ થાય તો તેના ઉપર ઓળઘોળ બની જઈ વારંવાર કયારેક દિવસમાં બે પાંચ વખત તેને ફોન કરીયે. મળવા જઈએ તેવું બને, પરંતુ ઉભયપક્ષે પ્રથમ તો વારંવાર મળવું. સાથે ફરવું, એક બીજાને ઘરે બેસવું સારુ લાગે છે પરંતુ રહેતા રહેતા ખબર પડે કે આ સંબંધમાં કયાક સ્વાર્થની બૂ, અથવા સતત સંપર્કનો કંટાળો આવવા લાગે છે. આવુ ન બને તે માટે મરીઝે કહ્યું હશે કે સંબંધ દોસ્તી લાંબો સમય ટકાવી રાખવી હોય તો મુલાકાત ઓછી રહેવી જોઈએ. સંબંધ દોસ્તી લાંબો સમય ટકાવી રાખવી હોય તો મુલાકાત ઓછી
રહેવી જોઈએ આસ્વાદ બાલેન્દુ શેખર જાની