ભારત ભૂમિને ગંગાજીનો પ્રથમ પાવન સ્પર્શ: ગંગાદશહરા

તા.24ને ગુરૂવાર ‘ગંગાદશહરા’:
આ પવિત્ર દિવસે સ્વર્ગમાંથી ઉતરી ગંગાજીનું ધરતી પર અવતરણ થયું સ્કંદપુરાણ, શિવપુરાણ, બ્રહ્મપુરાણ, ઉપનિષદ અને વેદોમાં પણ ગંગાજીનો મહિમા ગાવામાં આવ્યો  ગંગાજીના જળથી પવિત્ર થયેલ ગંગા તટ કે જ્યાં અનેક સંતોના પાવન પગલા થયેલા છે અને જે જગ્યાએ ગંગાજીએ સ્વર્ગમાંથી અવતરણ કર્યુ અને આ અવતરણનો મહત્વનો દિવસ એટલે ‘ગંગાદશહરા’ અને જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ ગંગોત્રી તરીકે ઓળખાય છે. એ જગ્યાએથી હિમાલયના પર્વતોમાંથી જગ્યા કરતા ગંગામૈયા કલ કલ નાદ સાથે વહેતા ભારતમાંની ભૂમિ પર પગલા પાડયા તેના કિનારે પછીથી અનેક તીર્થ,
શહેર અને ગામ વસ્યા છે અને ગંગા કિનારે જે મંદિરમાં શિવ બિરાજતા હોય અર્થાત શિવ મંદિર હોય તે આત્મકલ્યાણ અને મોક્ષ માટે મહત્વનું તીર્થ ગણવામાં આવે છે અને તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કાશી.
કાશીના મરણના મહત્વનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ જોવા મળે છે શિવપુરાણમાં ઉલ્લેખ છે કે જે ગંગાના પવિત્ર જળમાં શ્રધ્ધાપૂર્વક સ્નાન કરે છે તેના પાપોનો નાશ થાય છે તેમજ સંસારની ભટકામણ કરવા તેને ફરી જન્મ લેવાની જરૂર પડતી નથી.
ગંગા કિનારે આવેલ તીર્થોની યાત્રા કરવાથી ગંગાસ્નાનનો લાભ તો મળે જ છે સાથે ત્યાં બિરાજતા સંતો સાથે ભકિતનો લાભ મળે છે. જેથી શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. સ્કંદપુરાણ, શિવપુરાણ, બ્રહ્મપુરાણ, ઉપનિષદ અને વેદોમાં પણ ગંગાજીનો મહિમા ગાવામાં આવ્યો છે. જો મોક્ષની ચાહ રાખનાર મનુષ્ય જો ગંગાતટ પર નિવાસ કરે નિયમિત સ્નાન પુજન ભકિત કરે તો જીવને મોહમાયા તથા અહંકાર છુટી જાય છે. આ ઉપરાંત સંસ્કૃત વાંડમયમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે પવિત્ર ગંગાજીનું સ્મરણ માત્ર ભગવદ્દ પદની પ્રાપ્તિ કરાવે છે. ગંગાદશહરા મહત્ત્વ
વેદ અને પુરાણોમાં ગંગા દશહરાનું મહત્વ અનેક રીતે કહ્યું છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર આ દિવસે મંદિરોમાં શિવજીને અભિષેક અને ગંગાનું પુજન કરવામાં આવે છે. આ દિવસે જળમાં ગંગાજળ ઉમેરી તલ સાથે અભિષેક કરવાથી શરીર, મન અને વાણીના દસ પાપોનો નાશ થાય છે અને એટલે જ તે ગંગાદશહરા તરીકે ઓળખાય છે. સ્નાન કરવાના જળમાં ગંગાજળના થોડા ટીપા નાંખી ભાવપૂર્વક સ્નાન કરવાથી ગંગાસ્નાનનો લાભ મળે છે. આજના દિવસે ગંગા નદી સુધી ન પહોચી શકાય તો કોઇ પવિત્ર નદી પર સ્નાન કરવાનું પણ મહત્વ છે. ઉપરાંત ગંગાજળની પુજા પણ કરી શકાય. આ દિવસે જપ, તપ, દાન, વ્રત, ઉપવાસનું મહત્વ છે. ગંગાજીનું પૃથ્વી પર પાવન અવતરણ
સગર રાજાએ જ્યારે જ્યારે અશ્ર્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે યજ્ઞમાં બાધા નાખવા માટે ઇન્દ્ર તે અશ્ર્વને કપિલમુનિના આશ્રમમાં મુકી આવ્યા. સગરના પુત્રો ઘોડાને શોધતા આશ્રમમાં ગયા અને કપિલમુનિ પર ચોરીનો આક્ષેપ મુકી અપમાન કર્યુ. મુનિરાજે ગુસ્સે થઇને તેમને ભસ્મ કરી દીધા. સગર રાજા પુત્રની સદ્દગતિ માટે પ્રાર્થના કરવા લાગ્યા પરંતુ જો ગંગા નદી પૃથ્વી પર આવે તો તેમાં અસ્થિ પધરાવીને પુત્રોને સદ્દગતિ મળી શકે. રાજા ભગીરથે તપ વડે ગંગાજીને પૃથ્વી પર આવવા રાજી તો કર્યા પરંતુ તેના વેગીલા પ્રવાહને કોણ ઝીલી શકે ? જો પૃથ્વી પર રોકવામાં ન આવે તો પાતાળ સુધી તેનો પ્રવાહ પહોચી જાય એટલે ભગવાન શંકરને પોતાની જટામાં ગંગાજીને સમાવવા માટે વિનંતી કરવામાં આવી. શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી ‘ગંગાધારણ’ બન્યા. રાજા ભગીરથની પ્રાર્થનાથી તેનું પૃથ્વી પર અવતરણ થયું અને આજે આ પવિત્ર દિવસનો ઉત્સવ એ ગંગા દશહરા તરીકે ઓળખાય છે. ગંગા સમસ્ત પ્રકારના પાપોનો ઉદ્ધાર કરે છે
પુરાણો મુજબ ગંગાની ઉત્પત્તી જેઠ માસના શુક્લ પક્ષના દસમના રોજ થયો હતો આ કારણથી આ દિવસને ગંગા દશહરા પણ કહેવાય છે. માનવામાં આવે છે કે આ દિવસે ગંગામાં સ્નાન કરવાથી વ્યક્તિના 10 પ્રકારના પાપ નષ્ટ થાય છે. મહાભારત અને પદ્મપુરાણમાં ગંગાની મહિમા તથા પવિત્ર કરવાની શક્તિ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યુ છે. મહાભારતના વનપર્વ મુજબ કુરુક્ષેત્રમાં ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્યને પુણ્ય પ્રાપ્ત થાય છે. ગંગામાં સ્નાન કરવાથી અથવા તેનું જળ પીવાથી તેનું પુણ્ય મનુષ્યની સાતમી પેઢી સુધી પહોંચે છે.
પદ્મપુરાણ મુજબ ગંગા સમસ્ત પ્રકારના પાપીઓનો ઉદ્ધાર કરે છે. કહેવાય છે કે ગંગામાં સ્નાન કરતી વખતે તેના બધાં જ નામોનું ઉચ્ચારણ કરવું જોઈએ, વ્યક્તિએ જળ અને માટી લઈને ગંગાની પ્રાર્થના કરવી જોઈએ કે તમે મારા બધાં પાપ દૂર કરો. પિતૃની સંતુષ્ટિ માટે હાથમાં અરીસો લઈને ગંગાની પ્રાર્થના કરી શ્રદ્ધાપૂર્વક સૂર્ય ભગવાનને કમળપુષ્પ અને ચોખા વગેરે સમર્પિત કરી દોષોને દૂર કરવા પ્રાર્થના કરવી જોઈએ.
વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ગંગાનું નામ લેવાથી, સાંભળવાથી, તેને જોવાથી, તેનું જળ પીવાથી, તેનો સ્પર્શ કરવાથી, તેમાં સ્નાન કરવાથી અને સો યોજન (કોસ)થી પણ ગંગાનું નામ લેવા માત્રથી મનુષ્યના 3 જન્મોના પાપ નષ્ટ થાય છે. હિંદુ સંસ્કૃતિમાં ગંગાજીનું ખુબ જ મહત્ત્વ છે તેની તીર્થયાત્રા, તેના જળમાં સ્નાન, તેનું આચમન વગેરે કરવાથી આત્માઉન્નતિ થાય છે