ધોરણ 10માં બોર્ડનું ‘ગણીત’ કાચુ પડ્યુ; 40 ટકા છાત્રો જ પાસ!!

પાસીંગ રેસિયો 65 ટકાએ પહોચાડવા 12 માર્કસ ગ્રેસિંગ આવવાની નોબત: બોર્ડના અધિકારીઓ સ્તબ્ધ
ગાંધીનગર તા,17
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ ચાલુ મહિનાનાં અંતમાં જાહેર થાય તેવી શકયતા છે ત્યારે પરિણામની કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર બોર્ડના સુત્રો આપી રહ્યા છે. આ વખતે ગણીતનું પેપર હાર્ડ હોવાની વ્યાપક રાડ ઉઠી હતી અને સંભાવના પ્રમાણે જ ગણીતનું રીઝલ્ટ ખુબ જ નબળુ આવ્યુ છે. આથી જ બોર્ડ દ્વારા ગણીતમાં નબળુ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને 12 માર્કસ ગ્રેસીંગના આપવા નિર્ણય થયો હોવાનું જાણવા મળે છે.
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ તૈયાર થઈ રહ્યું છે ત્યારે આ વખતે 40 ટકા જ વિદ્યાર્થીઓ ગણીતમાં પાસ થયા હોવાનું સામે આવતા બોર્ડના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તાબડતોડ આ અંગે નિર્ણયો થયા હતા અને ગણીતમાં પાસની ટકાવારી 65 ટકાએ પહોંચાડવા નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ગ્રેસીંગના 12 માર્કસ આપવા નકકી થયું છે. ગણીતનું પરિણામ ઉત્તરોઉતર ઘટી રહ્યું છે. 2012ની સાલમાં 71.81 ટકા વિદ્યાર્થીઓ ગણીતમાં પાસ થયા હતા. જે વર્ષ 2017માં ઘટીને 69.26 ટકા થયો હતો. હવે ચાલુ માત્ર 40 ટકા વિદ્યાર્થીઓ ગણીતમાં ઉતિર્ણ થતાં બોર્ડ દ્વારા આ ટકાવારી 65 ટકા કરવા ધમપછાડ શરૂ થયા છે. નાપાસ ન કરવાની નીતિ કારણભૂત?
ગણીતનાં ઉત્તરોઉતર ઘટી રહેલા પરિણામો માટે અનેક કારણો હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે ત્યારે સૌથી મોટુ કારણ પ્રાથમિકમાં વિદ્યાર્થીઓને નાપાસ ન કરવાની નીતિ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓમાં નાપાસ ન થવાનો ભય ન રહેતા ગણીત જેવા અઘરા વિષયમાં મહેનત નથી કરતા અને બોર્ડ સુધીના ધોરણોમાં પાસ થતા રહે છે પરંતુ બોર્ડમાં ગણીતમાં પાયાના જ્ઞાનના અભાવે મહેનત બાદ પણ
પાસ થવાના દમ નીકળી જાય છે. આથી હવે રાજ્યની શિક્ષણ પધ્ધતિ સામે સવાલો સર્જાયા છે.