ચિંતન


દુનિયા જ્યાં રડે છે ત્યારે તમારા ચહેરા પર મુસ્કાન આવી શકે છે. જેના માટે બે ઉદાહરણો આપુ. વર્ષો પહેલા ભાવનગર જીલ્લામાં ચાતુર્માસ હતુ એક યુવાન મળવા દર્શન કરવા આવ્યો તેનાં ચહેરા પર મુસ્કાન હતી. મેં પુછયું કેમ દોસ્ત આજે ચહેરા પર મુસ્કાન છે ? તેણે જવાબ આપ્યો, "ગુરૂદેવ, બોર્ડનું રીઝલ્ટ હતું અને હોટેલમાં પાર્ટી આપીને આવ્યો છું. જ્યારે કોઇ બોર્ડનું રીઝલ્ટ અને પાર્ટીની વાત કરે તો મનમાં શું વિચાર આવે ? એ વિચાર આવ્યો અને રીઝલ્ટ પુછયું કે કેટલા પર્સન્ટેજ આવ્યા 90 થી વધારે ? 97 ટકા ? કે કેટલા ? અને યુવાને જવાબ આપ્યો ગુરૂદેવ, 37 પરસેન્ટ. મને વિચાર આવ્યો 37 % અને હોટેલમાં પાર્ટી તથા ચહેરા પર હાસ્ય મે કહ્યું, મારી સાથે મજાક કરે છે ? તેણે કહ્યું કે ગુરૂદેવ તમારી સાથે મજાક હોય ? એમ કહીને તેણે રીઝલ્ટ બતાવ્યું. મે કહ્યું દોસ્ત 37 % અને પાર્ટી ? કઇ રીતે ? એણે હસીને કહ્યું ગુરૂદેવ 98 ટકાવાળો વિદ્યાર્થી જે કલાસમાં જશે એ જ કલાસમાં હું પણ જઇશ એ કંઇ કમ વાત છે ? અને ગુરૂદેવ તમને ખબર છે તેણે 98 ટકા લેવા તેનું વજન 90 માંથી 80 થઇ ગયું. હું એટલું જ કહું છું કે 37 % એ પાર્ટી આપવાનું કોઇ કારણ બની શકે ખરું ? બીજું ખરુ ઉદાહરણ દિલ્હીમાં મહાવીર કેન્દ્રમાં મારુ ચાતુર્માસ હતું. એક બાપ ખુબ જ પરેશાન હતો. તેણે કહ્યું ગુરૂદેવ, ચાર દિવસ પહેલા મારો દીકરો આપઘાત કરી બેઠો. 91.પ ટકા હતા અને સ્યુસાઇડ નોટમાં તેણે લખ્યું કે 93 ટકાનું એકસ્પેકટેશન હતું. એક વ્યકિત 91 ટકાએ આપઘાત કરે છે અને એક 37 ટકામાં પાર્ટી આપે છે વાત ફકત સાચા અને ખોટા એટીટયુડની છે.
આજે બહેન, માતા, સાસુ, વહુ, દેરાણી, જેઠાણી દરેકને એટલું જ કહેવા માગું છું કે આખી દુનિયા માને કે તમને ગમે તેટલું દુ:ખ છે પણ સાચુ એટીટયુડ રાખશો તો કયારેય દુ:ખ તમારી પાસે ફરકશે નહીં. પાંચ કરોડના માલિક હોવા છતા પણ તમે દુ:ખી હોય શકો પરંતુ જો સાચુ એટીટયુડ અપનાવશો તો દુનિયાની કોઇ તાકાત તમને દુ:ખી નહીં કરી શકીએ. આપણે ત્યાં પરમાત્માને પ્રાર્થના છે આજ સુધી જ્યારે પ્રાર્થના કરી છે ત્યારે એ જ પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા મારા ખભા પર જે બોજ છે તેને ઓછો કરી દે એટલે કે દુ:ખના બોજની વાત છે પરંતુ પ્રાર્થના એવી હોવી જોઇએ કે દુ:ખનો બોજ ઓછો કરવા કરતા મારા ખભા મજબુત કરી દે. જો ખભા મજબુત હશે તો બોજરૂપી કોઇપણ દુ:ખ તમને પરેશાન કરી શકશે નહી. હું એટલું જ કહેવા માગું છું. એકવાર તમારા મનના ખભા મજબુત થઇ જશે તો દુનિયાનું કોઇ દુ:ખ તમને દુ:ખી નહીં કરી શકે. જે વસ્તુ તમને દુ:ખી કરે છે તે સાચી છે કે ખોટી તે વિચારી લો અને પછી દુ:ખની વાત કરો. બાકી ચોથા સ્ટેજમાં કેન્સર હોય એવી વ્યકિત પાસેથી પણ બહુ મજામાં છું એવા જવાબ સાંભળ્યા છે.
- પ.પૂ.આભ.વિજયરત્ન સુંદરસુરીશ્ર્વરજી મ.સા.