આ ડિવાઇસ મોબાઇલમાં જણાવી દેશે, ટાંકીમાં કેટલું પેટ્રોલ-ડિઝલ નાખ્યું

પેટ્રોલ પંપ પર હવે કોઇ છેતરી નહીં શકે
આઇઆઇટીના મિકેનિકલ વિભાગના પીએચડીના વિદ્યાર્થીઓએ ખાસ પ્રકારની ડિવાઇસ બનાવી નવીદિલ્હી,તા.17
પેટ્રોલ અને ડીઝલ પંપ પર હવે કૌભાંડ નહીં થઇ શકે. આ માટે આઇઆઇટીના મેકેનિકલ વિભાગના પીએચડીના વિદ્યાર્થીઓએ ખાસ પ્રકારની ડિવાઇસ(ફ્યૂઅલ ક્વાંટિફાયર)ની શોધ કરી છે. જેને કાર અથવા તો બાઇકની ટાંકીમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. પેટ્રોલ-ડીઝલ પંપ મશીનનું નોજલ, ડિવાઇસની અંદર થઇને ટાંકીમાં જશે. જેની મદદથી તુરંત જ ટાંકીમાં ડીઝલ-પેટ્રોલની વાસ્તવિક માત્રા કેટલી છે તે જાણી શકાશે. આ ડિવાઇસને બનાવવાનો ખર્ચ માત્ર 1500થી 2000 રૂપિયા થયો છે. સંસ્થા આ શોધની પેટંટ કરાવી રહી છે.
આઇઆઇટીના વિશેષજ્ઞ પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળની જાણકારી મેળવવા માટે ડિવાઇસ બનાવી રહ્યાં છે. જેને ફ્યૂઅલ ક્વાંટિફાયર એડવાન્સ નામ આપવામાં આવ્યું છે. ડિવાઇસને લેબમાં ચકાસવામાં આવી છે. તેનું પેટંટ કરાવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
ડિવાઇસને કોન જેવો આકાર આપવામાં આવ્યો છે. તેને ટેન્કમાં સરળતાથી લગાવી શકાય છે. સંસ્થાના વિશેષજ્ઞોનું કહેવું છે કે સર્કિટને બ્લૂટૂથ ડિવાઇસ અથવા તો પછી વાઇફાઇ સાથે જોડી શકાય છે. સર્કિટમાં નાની બેટરી પણ આપવામાં આવે છે. રીડિંગ બહુ ઓછા સમયમાં મોબાઇલ સ્ક્રીન પર આવી જાય છે. તમે અલગથી એક સ્ક્રીડ ડેશબોર્ડ પણ લગાવી શકો છો. સંશોધકોનું કહેવું છે કે આ માટે એપ લોન્ચ કરવાની પણ તૈયારી છે.
આઇઆઇટીના વિશેષજ્ઞ ડિવાઇસની મદદથી સ્ટાર્ટઅપની તૈયારી કરી રહ્યાં છે. આ માટે કંપની ખોલવાની પણ યોજના છે. ગુરુગ્રામની કાર કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે. કંપનીએ ડિવાઇસનો સર્વે પણ કરાવ્યો છે.
ફ્યૂઅલ ક્વાંટિફાયર ડિવાઇસ પ્રતિ યુનિટ ટાઇમના હિસાબથી ઇંધણની માપણી કરે છે. તે ઇંધણનો ફ્લો રેટ પણ માપી લે છે. નોજલથી ટાંકીમાં ઇંધણ જવાની ગતિ ગમે તેટલી ઝડપી હોય અથવા તો ધીમી, તેની આ ડિવાઇસ પર કોઇ અસર થતી નથી. મિકેનિકલ વિભાગના પ્રો. નચિકેતા તિવારીની દેખરેખમાં પીએચડીના વિદ્યાર્થી માધવરાવ લોંઘે અને મહેન્દ્ર કુમાર ગોહિલે આ ડિવાઇસ તૈયાર કરી છે. તેમણે જણાવ્યા પ્રમાણે ડિવાઇસમાં અનેક સેન્સર લગાવવામાં આવ્યા છે. સૌથી પહેલા ઇંધણ મેગ્નેટિક રોટરમાં જાય છે. જેમાં મોટી સંખ્યામાં નેગિટિવ અને પોઝિટિવ બ્લેડ હોય છે. બ્લેડ ફરતા જ ઇંધણના ફ્લોનું રીડિંગ માઇક્રો પ્રોસેસર યુનિટમાં આવી જશે.