જૂનાગઢના જોષીપરામાં વેપારીઓની રોજગારી છિનવી લેનાર રસ્તાનું ગોકળ ગતિએ ચાલતુ કામ

અઢી વર્ષ પહેલા શરૂ કરેલી કામગીરીમાં તંત્રને આળસ

ગટર અન્ડર ગ્રાઉન્ડ કરી તેના પર રસ્તો બનાવવા 88 દુકાનોને તોડી પડાય હતી: કામગીરી તાકિદે પૂર્ણ કરવા માંગણી
જૂનાગઢ તા,17
જૂનાગઢ શહેરના જોષીપરામાં જીનવાણી ગટર અન્ડર ગ્રાઉન્ડ કરીને તેના ઉપર રસ્તો બનાવવા માટે 88 દુકાનદારની રોજગારી છીનવી લીધાબાદ રસ્તાનું કામ લાંબા સમયથી હજી પણ અધુરૂ જ રાખી દેવામાં આવ્યું છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા સત્વરે આ કામ પૂર્ણ કરવામાં આવે તેવી માગણી ઉઠી છે.
જૂનાગઢના જોષીપરામાં સરદારપરાથી શાંતેશ્ર્વર સુધીની વર્ષોજુની ગટર ઉપર આવેલી 88 દુકાનો મનપા દ્વારા અઢી વર્ષે પહેલા તોડી પાડવામાં આવી હતી. રોજરોજનું કરીને ખાતા સાવ નાના દુકાનદારોની રોજગારી છીનવીને ગટર અન્ડર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ડર ગ્રાઉન્ડ થયેલી ગટર ઉપર લોકોને સારો રસ્તો આપીને ટ્રાફિક ઉકેલવા નો વાયદો મહાનગરપાલિકાએ કર્યો હતો. આ કામ માટે રૂા.3 કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં અવી હતી. પરંતુ ગોકળગાયની ગતિથી રસ્તાનું કામ આદર્યા બાદ હજી સુધી પુરૂ કરવામાં આવ્યું નથી. રસ્તાની વચ્ચે ડિવાઈડરો અને સ્ટ્રીટલાઈટ નાખવામાં આવ્યા નથી. બીજી તરફ રસ્તાની ખુલ્લી જગ્યામાં ટયુશન કલાસ સહિતના ગેરકાયદેસર પાર્કિંગ અને લારી ગલ્લાની પેશકદમી થવા લાગી છે. રસ્તાના અધુરા કામમાં ગંદકી સહિત ના દુષણો વકર્યા છે. ત્યારે શું આવી સ્થિતિ માટે જ મહાનગરપાલિકાએ 88 નાના દુકાનદારોને બેરોજગાર બનાવ્યા હતા.! તેવો સવાલ અહીંથી પસાર થતાં લોકોમાં ઉઠયો છે.
તંત્ર દ્વારા દુકાનો તોડી પાડ્યા બાદ બેરોજગાર બનેલા વેપારીઓએ મનપાએ મૌખિક રીતે સુચવેલી જમીન ઉપર પોતાના ખર્ચે દુકાનો બનાવી હતી. ઉછીના-ઉધાર કરીને એક એક લાખ જેવી રકમ ખર્ચી નાખ્યા બાદ તૈયાર થયેલ કોમર્શીયલ કોમ્પ્લેક્ષ વિવાદમાં સુપડાઈ ગયું છે. ત્યારે રોજગારી અને પૈસા ગુમાવનાર વેપારીઓ લાચાર બની છે. કોઈ તેની મદદ કરે તેની રાહ જોઈ રહયા છે. આવી સમસ્યા અને વેપારીઓની લાચારી વગેરેને ધ્યાને લઈ સ્થાનિક કોર્પોરેટરો અને તંત્ર આળસ ખંખેરીને સત્વરે અધુરી કામગીરી પૂર્ણ કરાવે તેવી માંગણી લોકો દ્વારા થઈ રહી છે.