જોડિયાના લીંબુડા ગામે તળાવ ઊંડું ઉતારવાના કાર્યનો શુભારંભ

500 વિઘા જમીનને મળશે સિંચાઈનું પાણી જામનગર તા,17
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જળસંગ્રહનો વ્યાપ વધે તે હેતુસર સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો આરંભ કરાયો છે. આ અભિયાનને લોકભાગીદારી સાથે જોડી જળશક્તિને જનશક્તિના ઉત્થાન માટે લઇ શકાય તે કાર્યને આગળ વધારવા માટે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લીંબુડા ગામ ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાના કામનો શુભારંભ કરવામાં આવેલ હતો.
સુઝલોન ફાઉન્ડેશનના આર્થિક સહયોગથી અમલીકરણ સંસ્થા સ્વ.જે.વી. નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જોડીયા તાલુકાના લીંબુડા ગામે સુઝલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત ખારાવાળુ તળાવ ઉંડુ ઉતારવા માટેનો શુભારંભ કરવામાં આવેલ હતો. જેમાં સુઝલોન ફાઉન્ડેશન દ્વારા પચાસ હજાર રૂપિયા, લીંબુડા ગામના ખારાવાળા તળાવની આજુબાજુના 25 ખેડુત ખાતેદારો દ્વારા પચીસ હજાર રૂપિયા લોકફાળો આપવામાં આવશે તેમજ પંચોતેર હજાર રૂપિયા (50%) રકમ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવશે. આ તળાવમાંથી કાંપ કાઢતા આશરે 5000 ઘનમીટર જેટલી માટી નીકળશે. જેથી પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે.
આ યોજનાથી જે નવી માટી નિકળશે તે માટી ખેડુતો પોતાના ખેતરોમાં પાક ઉત્પાદન માટે ઉપયોગમાં લઇ શકશે. જેથી ખેડુતોની જમીન સુધારણા પણ થશે. આ તળાવ ઉંડુ થવાથી આશરે 500 વિઘા જમીનને સિંચાઇ માટેનું પાણી મળી શકશે. જેના લીધે લીંબુડા ગામના ખેડુતો માટે આ યોજના આશીર્વાદરૂપ નીવડશે.
આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી એમ.જી.ચૌહાણ, સ્વ.જે.વી નારીયા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો, લીંબુડા ગામના સરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.