મુખ્યમંત્રીનો વંથલીના નરેડીમાં ગ્રામજનો સાથે ઓનલાઈન સંવાદ

જી-સેટથી મજુરો અગ્રણીઓ સાથે વાત કરી જળ સંચય કામગીરીની સમિક્ષા કરી
જૂનાગઢ તા.17
જૂનાગઢ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં ચાલતા જળસંચયનાં કામોની સમીક્ષા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જી-સેટના માધ્યમથી વંથલી તાલુકાનાં નરેડી ગામે ચાલતા મનરેગાના જળસંચયનાં કામનાં સ્થળે શ્રમિકો અને અગ્રણીઓ તેમજ વહીવટીતંત્રનાં અધિકારીઓ સાથે ઓનલાઇન સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ અજય ભાદુએ જૂનાગઢ જિલ્લામાં ચાલતા સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત કામોની કલેકટર અને આગેવાનો સાથે સમીક્ષા કરી હતી, આ તકે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર સૈારભ પારઘી સાથે સંવાદ સાધી જૂનાગઢ જિલ્લાનાં કામોની સ્થિતી જાણી હતી. મુખ્યમંત્રીએ નરેડી ગામે ચાલતા મનરેગા કામ સાથે સંકળાયેલ જગદિશભાઇ કાથડ સાથે ઓનલાઇન વાત કરી કામની પ્રગતિ અને શ્રમિકોને મળતી સુવિધા અંગે વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ઉનાળાના સમયે ચાલતા કામો દરમ્યાન શ્રમીકોને તડકાથી રક્ષણ મળે, પાણીની ઉપલબ્ધી રહે, આયોજન બધ્ધ કામ થાય જેવી બાબત પણ ચર્ચી હતી.
નરેડી ગામના પ્રતિનિધિ મનોજભાઇ ઠુમરે મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે અમારા નાનકડા ગામ નરેડીમાં કામના સ્થળે ગામનાં શ્રમજીવીઓ સાથે તેમની ખેવના કરી હોય તેવો આ ઈતીહાસમાં પ્રથમ બનાવ છે. મુખ્યમંત્રીશ્રીએ મજુરોનાં હાલચાલ પુછી કામની પૃચ્છા કરી તે અમે આવકારીએ છીએ. વંથલીના નરેડી ગામે શ્રમિકો સાથે મુખ્યમંત્રીએ ઓનલાઇન સંવાદ કર્યો
(તસવીર: મિલન જોષી-જૂનાગઢ)