જયેશ પટેલે વાયરલ કરેલ અડધો ડઝન વિડીયોની તપાસ કરતી પોલીસ

જામનગરના વકીલની હત્યામાં સંડોવાયેલ જમીન માફિયાએ પોલીસને ચકરાવે ચડાવવા વિડીયો વાયરલ કર્યો ?

મુખ્ય તપાસથી ધ્યાન ભટકાવવા કરતૂત કરાયાનું પોલીસનું અનુમાન બે આરોપીની પુછપરછ કરતા રેન્જ આઈ.જી. : નવા ધડાકા થશે
જામનગર તા,17
જામનગરના એડવોકેટ કીરીટ જોશીની હત્યા નિપજાવવા અંગેના ચકચારી પ્રકરણમાં મુખ્ય સુત્રધામ તરીકે જેનુ નામ ખુલ્યુ છે તે આરોપી ભૂમાફિયા જયેશ પટેલ કે જે હાલ વિદેશ ભાગી ગયો છે અને પોલીસની તપાસને ગેરમાર્ગે દોરવા અથવા મુખ્ય તપાસ પરથી ધ્યાન ભટકાવવા માટે એક જ દિવસમાં જુદા -જુદા છ જેટલા વિડીયો વાયરલ કરાયા છે જે વિડીયો ફુટેજ કયાંથી આવી રહ્યા છે અને તેમા પણ કોણ મદદ કરી રહ્યુ છે તેની પણ પોલીસ દ્વારા ખરાઇ કરવામાં આવી રહી છે ગલ્ફ ક્ધટ્રીને બદલે આફ્રીકન ક્ધટ્રી તરફથી વિડીયો મોકલાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગર તાલુકાના લોઠીયા ગામના વતની અને જેની સામે 33 નાના- મોટા ગુન્હાઓ દાખલ થઇ ચુકયા છે અને લાંબો સમય સુધી જેલ પણ ભોગવી છે તેમ છતા પોતાને નિર્દોષ જાહેર કરતા વિડીયો વાયરલ કરનાર કુખ્યાત ભુમાફિયા જયશે મુળજી રાણપરીયા ઉર્ફે જયેશ પટેલની પ્રત્યેક હરકતોથી પોલીસ વાકેફ છે અને પોલીસ જયારે સોપારી કિલર પકડાઇ ચુકયા છે અને યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે ત્યારે મુખ્ય તપાસને આડે પાટે ચડાવવા માટે નવા -નવા કરતુતો કરતો રહે છે.
ગઇકાલે એક જ દિવસમાં છ જેટલા વિડીયો વાયરલ કર્યા છે અને આ પ્રકરણમાં પોતે દુધે ધોયેલો છે અને પોલીસ પણ તેને ખોટી રીતે સંડોવી રહી છે અન્ય રાજકીય લોકોની જમીન પ્રકરણમાં સંડોવણી ચારિત્ર્ય અંગેના આક્ષેપો સહિતની જુદી-જુદી વાતો વાળા પોતાની અલગ અલગ વિડીયો કલીપ તૈયાર કરીને જામનગર તેમજ ગુજરાત ભરમાં મોકલી રહયો છે જોકે જામનગર પોલીસ મુખ્ય આરોપીઓને પકડવા માટે ચોક્કસ દિશામાં આગળ વધી રહી છે જયેશ પટેલ સામે 29 મી માર્ચે ફરીયાદ દાખલ થયા પછી ત્યા સુધી પોતે ચુપ રહયો હતો પરંતુ જેવા સોપારી કિલર પકડાયા અને તેનું જ હત્યા સાથેનું કનેકશન સામે આવી ગયુ કે તુરત જ વિડીયો વાયરલ કરવાનું શરૂ કરી દીધુ હતું જેથી પોલીસને હત્યા બાબતની જયેશની ભુમિકા અંગે વધુ પુરાવાઓ એકત્ર થતા જાય છે.
આઈજી દ્વારા પુરછપરછ
જામનગરના એડવોકેટ કીરીટ જોશીની હત્યા પ્રકરણના હાઇ પ્રોફાઇલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના હાથે મુંબઇથી પકડાયેલા બે સોપારી કિલરને રીમાન્ડ પર લીધા પછી બન્નેની વિશેષ પુછપરછ માટે રાજકોટ રેન્જના આઇ જી એ જામનગરમાં ધામા નાખ્યા હતા અને સતત આઠ કલાક સુધી બન્ને આરોપીઓની જીણવટ ભરી પુછપરછ કરી હતી હત્યારા આરોપીઓને જામનગરમાં મદદ કરનાર કોણ હતુ અથવા રેકી કરવામાં મદદ કરી હતી તેને શોધી કાઢવા પોલીસ દ્વારા ઉંડાણપુર્વકની તપાસ કરવામાં આવી રહી છે
જામનગરના એડવોકેટ કીરીટ એચ જોશીન હત્યા નિપજાવવા અંગેના અતિચકચારજનક પ્રકરણમાં 17 દિવસ પછી અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે મુંબઇના વતની બે સોપારી કિલર સાયમન લૂઇસ ક્રિશ્ર્ચયન અને અજય મોહન પ્રકાશ મહેતાની અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી લીધા પછી જામનગર પોલીસને સુપ્રત કરી દેવાયા હતા જે બન્નેને જામનગર લઇ આવ્યા પછી અદાલત સમક્ષ રજુ કર્યા હતા અને 10 દિવસની રીમાન્ડ પર લીધા હતા.
જામનગરના જીલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુળ અને એલસીબીની ટીમ દ્વારા બન્ને આરોપીઓની જીણવટ ભરી પુછપરછ શરૂ કરી દેવામાં આવી હતી જેમાં રાજકોટ રેન્જના આઇ જી પી ડી એન પટેલ જોડાયા હતા જેઓએ સવારથીજ જામનગરમાં ધામા નાખ્યા હતા અને બન્ને આરોપીઓની ખુબ જ બારીકાઇથી પુછપરછ શરૂ કરવામાં આવી હતી અને સતત ચાર કલાક સુધી પુછપરછ કરી તેઓ સમક્ષ કેટલાક મહત્વના સવાલો કરાયા હતા અને તેના જવાબ પણ મેળવવા કાર્યવાહી પ્રારંભ કરી દેવામાં આવી છે.
જામનગરમાં બે ભાડુતી હત્યારાઓ જામનગરમાં કઇ તારીખે આવ્યા હતા અથવા તો તેઓના નામ શું છે અને કયાના વતની છે અને તેઓની ઓળખ શું છે ઉપરાંત બન્ને આરોપીઓને રેકી કરવામાં જામનગરમાં મદદગાર તરીકે કોણ હતું અને કોની મદદથી એડવોકેટ અને તેની ઓફીસની ગતિવિધિ વગેરેની રેકી કરાવી હતી જે મદદગાર કરનાર આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા ઉંડાણપુર્વકની તપાસનો દોર આગળ ધપાવાયો છે.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં બન્ને સોપારી કિલરની સાથે અન્ય ત્રણ આરોપીઓ પણ મુંબઇથી રાજકોટ સુધી આવ્યા હોવાનું માલુમ પડયુ હોવાથી પોલીસ દ્વારા તપાસનો દોર રાજકોટ સુધી લંબાવાયો છે જેમાં રાજકોટ પોલીસની પણ મદદ લેવામાં આવી છે જે હોટલમાં રોકાયા હતા તે હોટલના સી સી ટીવી કેમેરાના ફુટેજ વગેરે ચકાસણી કરવાનું કાર્ય પુરજોશમાં આગળ ધપાવાયુ છે તેઓની સાથે અન્ય ત્રણ ભાડુતી માસણસો પણ રાજકોટ સુધી આવ્યા હોવાનું અને ત્યાથી એકાએક લાપતા બન્યા હોવાથી પોલીસ દ્વારા તેઓની પણ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.