નલીન કોટડિયાની ધરપકડ માટે લૂક આઉટ નોટિસ જાહેર કરતું સીઆઈડી

  • નલીન કોટડિયાની ધરપકડ માટે લૂક  આઉટ નોટિસ જાહેર કરતું સીઆઈડી

કરોડોના બિટકોઇન તોડકાંડમાં ધારીના માજી ધારાસભ્ય માટે નવી રણનીતિ તમામ એરપોર્ટ પર જાણ કરી દેવાઈ: ગમે ત્યાંથી હાજર થવા નલીન કોટડિયાને આદેશ
અમરેલી તા,17
કરોડોના બીટ કોઇન કૌભાંડમાં અમરેલીના એસ.પી., એલ.સી.બી., પી.આઈ. સહિતનાની ધરપકડ કર્યા બાદ લાંબા સમયથી ભાગતા ફરતા ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સામે અંતે સી.આઈ.ડી.એ લુક આઉટ નોટીસ ઈશ્યુ કરી છે.
આ અંગેની વિગત મુજબ બહુચર્ચિત કરોડોના બિટકોઇન કૌભાંડમાં ભાગતા ફરતા ધારીના પૂર્વ ધારાસભ્યને પકડવા માટે સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છેઅને નલીન કોટડીયા વિરુધ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરી દેશભરના એરપોર્ટને પણ જાણ કરી દેવામાં આવી છે. આ મામલે ટૂંક સમયમાં સીઆઈડી મોટો ઘડાકો કરી શકે છે. અત્રે જણાવવાનું કે બિટકોઈન કેસના નલિન કોટડિયા પણ આરોપી છે. કોટડિયાને ઘણા દિવસથી સીઆઈડી શોધી રહી છે. સીઆઈડી ક્રાઈમે લુકઆઉટ નોટિસ કાઢી છે. દેશના તમામ એરપોર્ટ પર જાણ કરી દેવાઈ છે. ગમે ત્યાંથી કોટડિયાને પકડીને હાજર કરવા માટે તાકિદ કરાઈ છે. કોટડિયા લાંબા સમયથી ભૂગર્ભમાં છે. બિટકોઈન મામલે સીઆઈડી તેમને શોધી રહી છે. કરોડોના બિટકોઈન કૌભાંડના વમળમાં ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પણ ફસાઈ ગયા છે. રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જનાર બિટકોઈન કૌભાંડ મામલે રોજેરોજ નીતનવા ખુલાસા થઈ રહ્યા છે. સમગ્ર કૌભાંડમાં એસપી, પીઆઈ સહિત ત્રણની ધરપકડ બાદ હવે ધરપકડની તલવાર નલિન કોટડિયા પર લટકી રહી છે પરંતુ નલિન કોટડિયા હાજર થવાને બદલે એક બાદ એક પત્ર લખ્યા હતાં.
પ્રથમ પત્રમાં નલિન કોટડિયાએ સીઆઈડી સમક્ષ હાજર થવા માટે 12મે સુધીની મુદત માગી હતી અને શૈલેષ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા પણ અરજી કરી હતી. જ્યારે બીજા પત્રમાં હત્યાની દહેશત વ્યક્ત કરીને તેમણે કહ્યું કે મારા પરિવારે જ કહ્યું કે આવા લોકોને ખુલ્લા પાડો. આવા લોકોને સમાજ સજા કરશે. આ સાથે પત્રમાં લખ્યું છે કે બિટકોઈન મામલે રાજકીય મોટા માથાનું નામ યોગ્ય સમયે જાહેર કરીશ. નલીન કોટડિયાની રાજકીય મોટા માથાનું નામ જાહેર કરવાની ચીમકી
અન્ય પત્રમાં કોટડિયાએ લખ્યું હતું કે મારી પાસે શૈલેષ ભટ્ટની ઓડિયો ક્લિપ છે અને આ ઓડિયો ક્લિપ મેળવવા માટે નેતાઓ અને શૈલેષ ભટ્ટ મને શોધી રહ્યા છે. પુરાવાનો નાશ કરવા મારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે. જો મારી હત્યા થશે તો આ લોકો જ જવાબદાર હશે તેમ કોટડિયાએ જણાવ્યું હતું. નલિન કોટડિયાએ સવાલ પણ કર્યો છે કે 12 કરોડના કૌભાંડમાં પોલીસને રસ છે પરંતુ 240 કરોડના કૌભાંડની તપાસ કેમ થતી નથી. આ સાથે જ કોટડિયાએ બિટકોઈન કૌભાંડમાં મોટા માથાની સંડોવણી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.