એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચીનને 3-1થી હરાવતું ભારત

ડોન્ગહે સિટી (દ.કોરિયા) તા,17
પાંચમી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (એ. સી. ટી.) સ્પર્ધામાં પોતાનો સારો દેખાવ કરવાનું ચાલુ રાખતા ભારતની મહિલા હોકી ટીમે તેનાથી ઉચ્ચ ક્રમાંકની ચીની ટીમને 3-1થી પરાજિત કરી પોતાની સતત બીજી સફળતા અહીં બુધવારે નોંધાવી હતી. ચીન વતી એકમાત્ર ગોલ વેન-ડેએ 15મી મિનિટમાં કર્યો હતો.
અનુભવી ફોરવર્ડ ખેલાડી વંદના કટારિયા (4થી અને 11મી મિનિટ)એ ભારતના બે ગોલ કર્યા હતા અને ગુરજિત કૌરે પેનલ્ટી કોર્નર મારફતે ત્રીજો ગોલ 51મી મિનિટમાં નોંધાવી ભારતને આઠમા ક્રમની ચીનની ટીમ સામે વિજય અપાવ્યો હતો. આ વિજયના બળે ભારતીય ટીમે બે મેચમાંથી બે સફળતા સાથે પોઈન્ટ-કોષ્ટકમાં મોખરાનું સ્થાન લીધું છે. વિશ્ર્વ હોકીમાં 10મો ક્રમાંક ધરાવતી ભારતીય ટીમ હવે મલયેશિયા સામે ગુરુવારે રમશે. મલયેશિયાની ટીમે અન્ય મેચમાં જાપાનને 3-2થી હરાવ્યું હતું. ભારતે આ અગાઉ સ્પર્ધાની આરંભિક મેચમાં જાપાનને 4-1થી પરાજય આપ્યો હતો.