પિંક બોલ પર ભારતીય ક્રિકેટરો શું કહે છે?


દિનેશ કાર્તિક કહે છે, ડે/નાઇટ મેચોમાં ભેજને લીધે ખેલાડીઓ પહેલેથી જ પરેશાન છે અને એમાં એવા ભેજના વાતાવરણમાં પિન્ક બોલને પારખીને એને ઝીલવો બહુ મુશ્કેલ કામ બની જાય છે. દિવસના તો કંઈ વાંધો ન આવે, પણ ફ્લડલાઇટ્સ હેઠળ આ બોલ વધુ કઠણ બની જતાં એને ઝીલું ત્યારે ગ્લવ્ઝ હોવા છતાં હથેળીને ઝાટકો લાગે છે. ઇન્ડિયા બ્લુ ટીમનો કોચ આશિષ કપૂર તો કહે છે કે મારી દૃષ્ટિએ ભીનો પિન્ક બોલ હાથમાં રાખેલા ભીના સાબુ બરાબર છે. ભારતીય ખેલાડીઓ એમ પણ કહે છે કે નવા પિન્ક બોલથી કંઈ નવા રેડ બોલ જેટલો ફાયદો નથી થતો. પછીથી એ જ પિન્ક બોલથી રિવર્સ સ્વિંગ પણ બહુ થતા નથી હોતા. ચાઇનામેન બોલર કુલદીપ યાદવ કહે છે કે રેડ બોલ જેટલા સ્પિન પિન્ક બોલમાં થતા જ નથી હોતા. ચેતેશ્ર્વર પુજારાની જેમ ગૌતમ ગંભીર પણ કહે છે, પિન્ક બોલ દિવસની રમત દરમિયાન અને પછી લાઇટ્સ હેઠળ જુદી જ અસર બતાડે છે. પુજારા તો ત્યાં સુધી કહે છે કે પિન્ક બોલની સીમ (દોરાથી કરાયેલી સિલાઈ) જોવામાં મુશ્કેલી પડે છે. એ સ્થિતિમાં સ્પિનરોના વેરિએશન (ખાસ કરીને ગુગલી) પારખવામાં તકલીફ થાય છે.