ભારત સ્વાર્થી છે: માર્ક વો । ડે-નાઈટ ટેસ્ટ વિવાદ

મેલબોર્ન તા,17
ભારતીય ક્રિકેટરો આગામી સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કર્યા બાદ નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયાની લાંબી ટૂર પર જશે અને ત્યારે 6 ડિસેમ્બરથી ઍડિલેઇડમાં જે પ્રથમ ટેસ્ટ-મેચ રમાશે એ ડે/નાઇટ ટેસ્ટ તરીકે રમવાનો ઑસ્ટ્રેલિયાનો આગ્રહ રહ્યો છે, પરંતુ ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે અમારી ટીમ ડે/નાઇટ ટેસ્ટ નહીં, પણ ડે ટેસ્ટ જ રમવાનું પસંદ કરશે. ઑસ્ટ્રેલિયાના અમુક ભૂતપૂર્વ ખેલાડીઓ ભારતને ડે/નાઇટ ટેસ્ટ જ રમવાનું દબાણ કરે છે અને એ સાથે ભારતની ટીકા પણ કરી રહ્યા છે.
ભૂતપૂર્વ બેટ્સમેન માર્ક વોએ કહ્યું હતું કે ભારતે ડિસેમ્બરમાં ઍડિલેઇડમાં ડે/નાઇટ
ટેસ્ટ રમવાની ના પાડીને પોતાનું સ્વાર્થીપણું છતું કર્યું છે. ઇયાન ચેપલે કહ્યું છે કે ભારતે ડે/નાઇટ ટેસ્ટ રમવાની ના પાડીને બધાને નારાજ કર્યા છે.
‘ભારતની દ્રષ્ટિએ આ થોડી સ્વાર્થી વાત છે કારણ કે આપણે ટેસ્ટ ક્રિકેટને ફરી સજીવન કરવાનું રહે છે, એમ વોએ અહીં સ્થાનિક રેડિયોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. વોએ કહ્યું હતું કે દિવસ-રાત્રિ રમત ટેસ્ટ ક્રિકેટમાં પરિવર્તન લાવી શકે છે કારણ કે ફક્ત ઑસ્ટ્રેલિયા, ભારત અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ હજી જીવીત છે, જે ચિંતાનો વિષય બને છે. જોકે, ભારતના કેટલાક ક્રિકેટરો ડે/નાઇટ ટેસ્ટમાં વપરાતા પિન્ક બોલથી સંતુષ્ટ નથી અને તેમના મંતવ્યોને આધારે ભારતીય બોર્ડ હમણાં ડે/નાઇટ મેચ રમવા તૈયાર નથી થતું.