લોઢા સમિતિની વિવાદી ભલામણોમાં કોર્ટ સલાહકારની મૂક સહમતિ..!

ક્રિકેટ બોર્ડને લાગ્યો ફટકો સિલેકશન કમિટીમાં 3ને બદલે 5 સભ્યો રાખવાનું સૂચન કર્યું
નવી દિલ્હી તા,17
બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના વરિષ્ઠ અધિકારીઓને સંભવત: ફટકો પડ્યો છે એવું કહી શકાય એવો અભિગમ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ઍમીકસ ક્યૂરી (અદાલતના સલાહકાર) ગોપાલ સુબ્રમણ્યમે અપનાવ્યો છે. જસ્ટિસ આર. એમ. લોઢા દ્વારા ક્રિકેટ બોર્ડના બંધારણ સંબંધમાં જે ભલામણો કરી છે એમાંની મોટા ભાગની ભલામણોમાં કંઈ પણ સુધારાવધારા કરવાનો મત સુબ્રમણ્યમે વ્યક્ત નથી કર્યો. ઍમીકસ ક્યૂરીએ માત્ર એટલું જ સૂચવ્યું છે કે ત્રણ મેમ્બરોની સિલેક્શન કમિટીને બદલે અગાઉની માફક પાંચ સભ્યોની સિલેક્શન કમિટી જ હોવી જોઈએ.
સુબ્રમણ્યમે એ સિવાય બાકીની પાંચેય વિવાદાસ્પદ ભલામણોને હાથ નથી અડાડ્યો. એ પાંચ ભલામણો આ મુજબ છે: (1) એક રાજ્ય એક મત (2) કુલ 18 વર્ષની મુદત (3) દરેક ત્રણ વર્ષ પછી કૂલિંગ-ઑફ સમયગાળો (4) હોદ્દા માટે 70 વર્ષની વયની ટોચમર્યાદા (5) હોદ્દેદારો અને પગારદાર કર્મચારીઓ (સેક્રેટરી તથા સીઇઓ) વચ્ચે ડ્યૂટીની વહેંચણી થવી જોઈએ.
એક રાજ્ય એક મતના વિષયમાં ક્યૂરીએ સૂચવ્યું છે કે રેલવેને ક્રિકેટ બોર્ડની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર મળવો જોઈએ, પણ મત આપનાર રેલવેનો અધિકારી નહીં, પણ ભૂતપૂર્વ ક્રિકેટર હોવો જોઈએ. જોકે, ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (સીસીઆઇ), સર્વિસીઝ, યુનિવર્સિટી અને નેશનલ ક્રિકેટ ક્લબ (એનસીસી)ને તેમનો મતાધિકાર પાછો નહીં મળે.