પોતાના લાંચિયા ફૂટબોલ રેફરી પર આજીવન બાન મુકતું સાઉદી

  • પોતાના લાંચિયા ફૂટબોલ રેફરી  પર આજીવન બાન મુકતું સાઉદી

આગામી ફિફા વર્લ્ડકપમાંથી પણ નામ રદ કરવાની ભલામણ કરી
રિયાધ તા,17
સાઉદી ફૂટબોલ ફેડરેશને રેફરી ફહાડ અલ-મિરદાસી ઉપર લાંચ લેવા માટે આજીવન પ્રતિબંધ મૂક્યો છે અને ફિફાને તેનું નામ આગામી વર્લ્ડ કપના રેફરીઓની યાદીમાંથી કાઢી નાખવાની અરજ કરી છે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપનું રશિયામાં આવતા મહિને આયોજન થનાર છે. 32 વર્ષના ફહાડ સાઉદી અરેબિયાના સૌથી અગ્રણી રેફરીઓમાંના એક છે જેેઓએ 2011માં ફિફાની માન્યતા મેળવી હતી તથા 2016માં રિયો જાનેરો મધ્યેના ઑલિમ્પિક રમતોત્સવમાં તથા 2017માં રશિયામાં યોજાયેલ કોન્ફેડરેશન્સ કપમાં કામગીરી બજાવી હતી.
ફહાડની ગયા શનિવારે રમાયેલ સાઉદી અરેબિયાની કિંગ્સ કપ સ્પર્ધાની ફાઈનલ મેચમાં ફરજ બજાવવા માટે નિમણૂક કરાઈ હતી, પણ તેના થોડા જ કલાક પહેલા તેમને ખસેડી લેવામાં આવ્યા હતા. એક નિવેદનમાં શિસ્ત અને નીતિશાસ્ત્રની સમિતિએ જણાવ્યું હતું કે ફહાડે અલ-ઈટિહાડ કલબના પ્રમુખનો સંપર્ક સાધી ટીમને જીતાડી આપવા મદદ કરવા માટે લાંચની વ્હોટસએપ સંદેશા મારફતે માગણી કરી હતી.
કલબના પ્રમુખ હમદ અલ-સમાયેહે સાઉદી અરેબિયા ફેડરેશનને આ બાબતમાં ફરિયાદ કરતા ફહાડ વિરુદ્ધ તપાસ કર્યા બાદ તેમની વિરુદ્ધમાં પગલાં ભયાર્મ હતાં.
નિવેદનમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ફહાડે તેમની સામેના આરોપને સ્વીકારી લીધો હતો અને તેમના ઉપર આજીવન પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફહાડ વર્લ્ડ કપ-2018માં કામગીરી બજાવવા માટે ફિફા દ્વારા પસંદગી પામેલ પાંચ આરબ રેફરીમાંના એક હતા.