પંજાબ સામે મુંબઇનો દિલધડક વિજય

કે.એલ. રાહુલની 94 રનની ઇનિંગ એળે ગઇ: 187 રનના ટાર્ગેટથી પંજાબને 3 રનનું છેટુ રહ્યું
મુંબઇ તા.17
આઇપીએલ11ની 50મી મેચમાં મુંબઈ ઈન્ડિન્સે કિંગ્સ ઈલેવન પંજાબને 3 રને હરાવી દીધી. 187 રનના ટાર્ગેટ સામે પંજાબ 20 ઓવરમાં 5 વિકેટે 183 રન જ બનાવી શકી. પંજાબ તરફથી કે એલ રાહુલે શાનદાર 94 રનની ઈનિંગ રમી પણ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. આ જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં 14 અંક સાથે ચોથા સ્થાને પહોંચી ગઈ છે.
અગાઉ પંજાબે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. મુંબઈના ઓપનર્સે આક્રમક શરૂઆત કરી હતી પણ તેને લાંબો સમય ટકાવી શક્યા નહોતા. ચોથી ઓવરમાં ઈવિન લુઈસ (9), છઠ્ઠી ઓવરમાં ઈશાન કિશન (20) અને સૂર્યકુમાર યાદવ(27) અને નવમી ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા (6)ની વિકેટ પડતા મુંબઈની હાલત નાજુક થઈ ગઈ હતી.
પાંચમા ક્રમે બેટિંગમાં આવેલા કૃણાલ પંડ્યા (32) અને છઠ્ઠા ક્રમે આવેલા કેરોન પોલાર્ડ (50) ઉપયોગી ઈનિંગ રમી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. પોલાર્ડે માત્ર 23 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ફીફ્ટી પૂરી કરી હતી. તેની આ આક્રમક ઈનિંગની મદદથી મુંબઈએ 20 ઓવરના અંતે 8 વિકેટે 186 રનનો સ્કોર બનાવ્યો હતો. પંજાબ તરફથી એન્ડ્રયૂ ટાઈએ શાનદાર બોલિંગ કરતા 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
187 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પંજાબના ઓપનર કે એલ રાહુલ અને ક્રિસ ગેઈલે ટીમને સારી શરૂઆત અપાવી હતી. જોકે, ગેઈલ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો અને 18 રન બનાવી આઉટ થયો હતો. ત્રીજા ક્રમે આવેલા એરોન ફિન્ચે રાહુલને પૂરેપૂરો સાથ આપ્યો હતો અને બંને બીજી વિકેટ માટે 111 રનની ભાગીદારી નોંધાવી હતી. 145 રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવ્યા બાદ પંજાબે યુવરાજને બદલે માર્કસ સ્ટોઈનિસને ચોથા ક્રમે ઉતાર્યો હતો જે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.
બીજી તરફ કે એલ રાહુલે એકલા હાથે ટીમને જીતાડવાની જવાબદારી ઉઠાવી લીધી અને લાગતું હતું કે પંજાબ આરામથી મેચ જીતી લેશે. જોકે, એક મિસ ટાઈમ શોટમાં તે આઉટ થતા પંજાબ મુશ્કેલીમાં આવી ગયું હતું. છેલ્લી ઓવરમાં પંજાબને જીતવા માટે 17 રનની જરૂર હતી.