નિવૃત્તિ સમયે કર્મીઓને ચાર્જશીટ નહીં આપવા સૂચના

રાજ્યના મહેસુલી કર્મચારીઓની હડતાલ મોકૂફ મહેસૂલ સચિવ સાથે મળી બેઠક : એક ડઝન માગણીઓ સ્વીકારાતા હડતાળ પાછી ખેંચાઈ
રાજકોટ તા,17
ગુજરાત રાજ્ય રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે આવતીકાલથી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. હડતાલ અંગે કર્મચારી મહામંડળના હોદ્દેદારો અને અધિક મુખ્ય સચિવ દ્વારા ગત તા.15ના રોજ બેઠક યોજી તમામ પડતર પ્રશ્ર્નોનો નિકાલ કરવાની ખાતરી આપવામાં આવતા હડતાલ મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીયકૃત ભરતી યોજનાના કારકુન સંવર્ગના 62 કર્મચારીઓની ડી.પી.સી. કરવામાં આવેલ છે અને તે કર્મચારીઓને ટૂંક સમયમાં પ્રમોશન આપવા જણાવેલ છે.
નાયબ મામલતદાર કક્ષાના 150 કર્મચારીઓના પ્રમોશન બાબતે ડી.પી.સી. કરવામાં આવેલ છે અને જી.પી.એસ.સી.માં ફાઈલ મોકલેલ તે ફાઈલ પરત આવી ગયેલ છે. જેઓના પ્રમોશનના ઓર્ડર ટુંક સમયમાં આપવા જણાવેલ છે.
વધુમાં રાજ્યમાં 200 કરતા વધુ જગ્યાઓ ખાલી છે અને તા.30/6/2018ના રોજ બીજા 100 જેટલા મામલતદારો નિવૃત્ત થતા હોઈ વધુ 300થી 400 કર્મચારીઓના સી.આર.મગાવી ડી.પી.સી. કરી યાદી તૈયાર કરવા રજૂઆત કરતા તે સ્વીકારેલ છે.
સને-2009થી આજદિન સુધી ભરતી થયેલ કલાર્ક તથા રેવન્યુ તલાટીઓની પ્રવરતા યાદી જિલ્લા કક્ષાએથી મોકલવા છતાં બહાર પાડવામાં આવેલ નથી જે યાદી સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ તાકીદે બહાર પાડવા બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી. જે યાદી તાકીદે બહાર પાડવા ખાત્રી આપી છે.
રેવન્યુ તલાટીઓની કેડર ઉભી કરવામાં આવેલ છે. જે બાબતે ચર્ચા કરતાં સચિવએ જણાવ્યું કે, ગ્રામ્ય કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી રેવન્યુનો સ્ટાફ જરૂરી હોઈ રેવન્યુ તલાટીની ક્રેડર કરેલ છે. જેથી કલાર્ક સંવર્ગમાં મર્જ ઉચિત નથી પરંતુ કલાર્ક અને રેવન્યુ તલાટીમાં રેશીયો નકકી કરવા સરકારમાં વિચારણામાં છે. જે બાબતે રેશીયો 2:1 તથા 3:1 કરવા રજૂઆત કરેલ છે. જે બાબતે સરકાર સાથે ચર્ચા કરી નિર્ણય લેવા જણાવેલ છે.
મહેસુલ પરીક્ષામાં નાપાસ થયેલ 113 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવેલ નથી. નિમ્ન મહેસુલ પરીક્ષા વર્ષમાં 2 વાર પરિક્ષા લેવા માટે રજૂઆત કરેલ છે. જે પરિક્ષા તાકીદે લેવા કાર્યવાહી કરવા જણાવેલ છે.
પૂર્વસેવા તાલીમાન્ત પરીક્ષાનો સમયગાળો 2 કલાકથી 3 કલાક કરવા રજૂઆત કરેલ છે. જે બાબતે આસિસટન્ટ સેકશન અધિકારીનો સમયગાળો 3 કલાકનો છે. તે રીતે 3 કલાક કરવા ફાઈલ કાર્યરત હોવાનું જણાવેલ છે.
સીધી ભરતીના કલાર્ક તેમજ રેવન્યુ તલાટીના પાંચ વર્ષનો કરારીય સમય પૂર્ણ થતા નિયમિત પગારમાં આદેશો થયેલ છે. બાકી હશે તે સત્વરે કરવા સુચના આપવા જણાવેલ છે. જ્યારે ના.મામ. કક્ષાના કર્મચારીઓની પરીક્ષા લેવામાં આવેલ છે. જેનું રીઝલ્ટ ટૂંક સમયમાં ડીકલેર થનાર હોઈ તાકીદે પુરા પગારમાં કરવામાં આવશેફ. તેમ જણાવેલ છે.
મહેસુલી ડીપાર્ટમેન્ટ તમામ ખાતાનું સર્વોપરી હોઈ અન્ય કચેરીની કામગીરીનું સુપર વિઝન / લાયઝન સરકાર દ્વારા સુપ્રત કરવામાં આવે છે. જેથી આ કામગીરી ચાલુ રાખવા સચિવએ જણવેલ છે. એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટને ઓળખ દરમિયાન ગાડી ફાળવવા બાબતે સરકાર સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવશે. નિવૃત્ત થતા કર્મચારીઓને છેલ્લા સમયે ચાર્જશીટ આપવામાં આવે છે. તે બાબતે રજૂઆત કરેલ છે. આવી બાબતનો ઝડપી નિકાલ થાય તે માટે સંબધિતોને સુચના આપવા જણાવેલ છે.
રેવન્યુ તલાટીઓના જોબચાર્ટ સરકાર દ્વારા નિયત થયેલ નથી. જેથી લોકહિત કામગીરીમાં વિક્ષેપ પડે છે. ગામ નમુના નં.1થી 18 એકબીજા સાથે સંલગ્ન હોઈ રેવન્યુ તલાટીનો જોબચાર્ટ બાબતે વિભાગમાં નિર્ણય પર પેન્ડીંગ છે. જે તાકીદે બહાર પાડવા જણાવેલ છે.