મારું સાચું ખોટું હું નક્કી કરીશ

સતત દોડતી આ દુનિયામાં હવે કાંઈ પણ માત્ર ખોટું કે સાચું નથી રહ્યું. બધું એક "ગ્રે એરિયા" બની ગયું છે. મારી નીતિ એ મારા પાડોશી માટે મૂર્ખાઈ હોઈ શકે, એને એમની અનીતિ મારે માટે પાપ. તો પછી ખરેખર શું સાચું છે અને શું ખોટું છે એ કેમનું નક્કી કરવાનું? અબાધિત સત્ય જેવું હોય પણ છે?
આપણી ચારે બાજુ સ્પર્ધા ચાલી રહી છે. દોડવાની હરીફાઈ. હું કોઈની પણ સાથે વ્યાપાર નીતિની વાત કરું એટલે વળતરમાં મને સ્પર્ધા કેટલી છે અને કોણ કેટલું "ખોટું" કરે છે એનું જ્ઞાન મળે. અને મને કાયમ એક જ પ્રશ્ર્ન થાય, કે આંતર બાળીને હરીફાઈમાં ચમકવાનો શું અર્થ?
સુરેશભાઈનું કાપડ બજારમાં ખુબ મોટું નામ. સાથે એટલી જ પ્રતિષ્ઠા. પ્રામાણિકતાથી વ્યાપાર માટે લોકો એમનું ઉદાહરણ આપતા. આર્થિક સફળતા કદાચ આજુ બાજુની મીલો કરતા ઓછી હશે. પણ એમની સત્યનિષ્ઠા અને બધાનું હિત ઈચ્છવાના સ્વભાવને કારણે લોકોના હૃદયમાં વસી ગયેલા.
અચાનક એક વર્ષે ખુબ મંદી આવી. મીલો બંધ થવા માંડી. સુરેશભાઈનો માલ લેવાવાળા વ્યાપારી પોતાની પ્રતિબદ્ધતા નિભાવી ન શક્યા. સુરેશભાઈના ઘણા જ રૂપિયા ફસાયા. આગળ રૂપિયા આપી શકે એવી પરિસ્થિતિમાં જ ન હતા. ઘણા પ્રયત્ન કર્યા. છેલ્લે હારી ને આશા છોડી દીધી. ગમે તેમ શહેર છોડ્યું અને અમેરિકા જઈ નવેસરથી જીવન ચાલુ કર્યું.
આ જ મંદીમાં નરેન પણ તકલીફમાં મૂકાઈ ગયેલો. એ તો માત્ર વેપારી હતો. આગળથી પૈસા ન આવે તો એ કેમના ચૂકવે? પણ એને આપેલા વચનથી એ કેમનો ફરી જાય? એની સાથે કોઈકે દગો કર્યો એટલે એ પણ દગો કરે? એવું તો એની બા એ ન’તું શીખવાડ્યું.
નરેને પોતાની ગાડી વેચી. ઘર પર લોન લઇ, બધાના પૈસા ચૂકવ્યા. સવારે ને રાત્રે - 2 નોકરી કરવા લાગ્યો. જીવનના આ યુગની સમાપ્તિ કરતા એના સિદ્ધાંતોની અસ્થિ ન થઇ.
નરેને મૂર્ખાઈ કરી? એના સિદ્ધાંત કરતા પહેલા એને પોતાની પત્નીનું ન વિચારવું જોઈએ? આ બધામાં એનો શું વાંક?
સુરેશભાઈ તો ઉડી ગયા. અને સાથે જે રૂપિયા એમણે નરેનને આપવાના હતા તે પણ. એમનું જીવન નવેસરથી ચાલુ થઇ ગયું, અને નરેનનું?
આપણી નીતિ શું છે, એ આપણે નક્કી કરવાનું છે. મારે માટે શું સાચું એ હું નક્કી કરીશ; તારે માટે શું ખોટું એ તારે નક્કી કરવાનું. આપણુી સફર ક્યાં સરખી છે? આપણું ગંતવ્યસ્થાન પણ ભિન્ન છે, તો પછી આપણા રસ્તા કેમ એક જેવા હોય?
હા, પણ એક રસ્તે ચડ્યા પછી પાછા વળીયે એમાં નુકસાન આપણું જ છે. સ્પર્ધા તો ક્યારેય ઓછી નથી થવાની. આપણી સાથે જેટલા દોડે છે એ બધાં જ જીતવાના દરેક પ્રયત્ન કરવાના જ છે. એકાદ જણ તો બાજુવાળાને ધક્કો મારીને પણ આગળ વધશે. પણ હું કેવી રીતે આગળ વધીશ એ મારે નક્કી કરવાનું છે. જરૂરી નથી કે જીતવા માટે યુક્તિની નહિ, શક્તિની જરૂર છે.
તમારો ગ્રે એરિયા શું છે? તમારા માટે બ્લેક શું છે અને વ્હાઈટ શું છે? એક વાર આપણી નીતિ શું છે એ તો નક્કી કરીએ. પછી એ માર્ગે આગળ વધવાના ઉકેલ શોધીએ. જયારે પ્રામાણિકતાની પરીક્ષા થાયં ત્યારે અભ્યાસક્રમ બનાવવા ન બેસાય. એમના એમ ક્યારે નાપાસ થઇ જઈશું ખબર પણ નહિ પડે. ક્યાંક ને ક્યાંક તો એક લક્ષ્મણ રેખા દોરવી જ પડશે. નહીંતર રાવણને જીતતા વાર ન લાગે!
- સૃષ્ટિ શાહ