ટીપ્સ ફ્રોમ મોમ

જુદા જુદા પ્રકારની સુકવણી જૈનો ચાતુર્માસ અમુક લીલા શાકભાજી તેમજ કંદમુળ વાપરતા નથી તેમજ અમુક ધર્મમાં પણ અમુક શાકભાજી વાપરવા નિષેધ હોય છે તો ઉનાળામાં આ પ્રકારની સુકવણી કરી રાખવાથી શાકભાજી બનાવવા કામમાં આવે છે.
ખેરો: ચણાની દાળને કરકરી દળાવી તેમાં મીઠું, હીંગ, ધાણાજીરૂ, મરચુ વગેરે મસાલો ચડીયાતો નાખી તીખા ગાઠીયાના જેવો લોટ બાંધી લો. ત્યારબાદ ગાંઠીયાના જારા વડે જ ગાઠીયા જેવું પાળીને તડકે સુકવવા દો. બે થી ત્રણ દિવસ સુકવીને એકદમ કડક થઇ જાય એટલે બરણીમાં ભરી લો અને જ્યારે શાક બનાવવું હોય ત્યારે પાણીનો વઘાર કરી તેમાં ખેરો નાખી ચડવા દો અને ખટાશ ગળાશ નાખી ઉપયોગમાં લઇ શકો.
વડી: ચોળાની દાળને રાત્રે પલાળી દો. સવારે એકદમ પીસી લો તેમાં મીઠું, આદુ, મરચા મીકસ કરી હાથ વડે નાની નાની ગોળ વડી પાડી તડકામાં સુકવી દો. બે થી ત્રણ દિવસ સુકાઇ એટલે ડબ્બામાં ભરી લો અને શાક બનાવવાના ઉપયોગમાં લઇ શકો.
ગુવાર: ગુવારને ધોઇને તડકામાં સુકવી તે એકદમ કડક અને સુકાઇ જાય એટલે ડબ્બામાં ભરી લો. તળીને તેના પર મીઠું મસાલો ભભરાવીને ખાવાના ઉપયોગમાં લઇ શકાય.
કેરી: કાચી કેરીના પાતળા પીસ કરી સુકવવા મુકી દો. આ કેરીના પીસનો મુખવાસમાં ઉપયોગ થઇ શકશે અને તેનો પાવડર કરી લેવાથી આમચુર પાવડર તૈયાર થશે.
આમ પાપડ: આમ પાપડ બનાવવા પ00 ગ્રામ પાકી કેરીના પીસ કરી તેને મિકસરમાં પીસી લો. તેમાં 1/ર કપ ખાંડ નાખી થોડીવાર ગેસ પર રાખી ગરમ કરો. ત્યારબાદ ડીશમાં પાથરીને સુકવવા દો. એક કે બે દિવસ સુકાવા દો અને પીસ કરીને ઉપયોગમાં લો. ફ્રીઝરમાં રસ સ્ટોર કરીને રાખવો તેના કરતા આમ પાપડનો સ્વાદ માણી શકાય.
ગોટલીનો મુખવાસ: કેરીની ગોટલીને સુકવી દો. એક અઠવાડીયા સુધી સુકવી દો. સુકાઇ ગયા બાદ અંદરથી ગોટલી કાઢી તેને મીઠુ નાખી બાફી લો તેને ખમણીને કે પીસ કરીને સુકવી દો. ત્યારબાદ સહેજ ઘી મુકી સાંતળી લો. તેના પર મીઠું સંચળ છાંટી ઉપયોગમાં લો.