ઉનાળો: ઘરની જાળવણીનો યોગ્ય સમય

ઉનાળાની સીઝન આવતા જ ગૃહિણીઓ અનાજ મસાલાની ખરીદી અને જાળવણીમાં વ્યસ્ત થઇ જાય છે. માર્ચથી મે સુધી ત્રણ મહિના ઉનાળાનો સમય અને વાતાવરણ સુકુ હોવાથી મસાલા અથાણા અનાજ વગેરે યોગ્ય રીતે પેકીંગ કરી રાખે છે. પાછળથી બારેમાસ વાપરી શકાય છે. ઉપરાંત તેની ગુણવત્તા પણ જળવાઇ રહે છે. કેટલીક કાળજી રાખીને જો મસાલા, અનાજ વગેરે સ્ટોર કરવામાં આવે તો સારી કવોલીટીની વસ્તુ સમગ્ર વર્ષ દરમ્યાન વાપરી શકાય છે. આ ઉપરાંત અમુક સુકવણી કરીને પણ ભરવામાં આવે છે જે પણ ઉપયોગી થાય છે. આ બધાની જાળવણીમાં કેટલીક કાળજી રાખવામાં આવે તો વર્ષભર ગુણવતા સારી રહે છે.
* ઘઉંને સાફ કરીને એરંડીયુ લગાવીને કોઠી કે ડબ્બાને એકદમ તડકામાં તપાવીને ભરવાથી બગડતા નથી.
* બાજરામાં પારાની થેપલી કરીને મુકવાથી જીવાત થતી નથી અને સારો રહે છે.
* એ જ રીતે ચોખામાં પણ બોરીક પાઉડર લગાવવામાં આવે છે અથવા એરંડીયું કે પછી બોરીક પાવડરની ટીકડી આવે છે તે પણ મુકી શકાય.
* કઠોળને પણ કાચની બરણીમાં ભરતા પહેલા બરણી અને કઠોળ બંને જો તડકામાં તપાવીને ભરવામાં આવે તો બગડતા નથી. ઉપરાંત ભરતી વખતે સહેજ તેલવાળો એરંડીયાવાળો હાથ કરીને લગાવવામાં આવે તો પણ કઠોળ સારા રહે છે.
* બોરીક પાઉડર જેમાં નાખ્યો હોય તે વસ્તુ વાપરતા પહેલા ચારથી પાંચ વખત ધોવી.
* બોરીક પાઉડરની ટીકડી પણ કપડામાં બાંધીને મુકવાથી રસોઇ બનાવવામાં જતી ન રહે તે ડર લાગતો નથી.
* બારેમાસ ભરવાના મસાલાને પણ ચાળીને તેલ કે એરંડીયુ દઇ ફરી ચાળીને ભરવા તેમજ તળીયે સહેજ મીઠુ પાથરીને ભરવાથી રંગ અને સ્વાદ એવા જ રહે છે.
* મરચા પાવડરમાં હિંગના ટુકડા પણ મુકી શકાય અને ધાણાજીરૂમાં આખા લવીંગ મુકવાથી મસાલા બગડતા નથી તેમજ તેમાં મીઠાના ગાંગડા મૂકી શકાય છે.
* અથાણા પણ ભરતી વખતે બરણી એકદમ તપાવીને કોરી કરી લેવી અને તેલનું પ્રમાણ વધારે રાખવું.
* અત્યારે બધા મસાલા તાજા આવતા હોવાથી છાશ મસાલો, ગરમ મસાલો, પંજાબી મસાલો, સાંભાર મસાલા વગેરે બનાવીને સ્ટોર કરી શકાય.
* તલ, ધાણાદાળ, વરીયાળી પણ સારી હોવાથી મુખવાસ પણ એકસાથે બનાવી લેવાય છે.
બધા મસાલા એરટાઈટ ક્ધટેન્ટરમાં ભરી લેવા તેમજ ભેજ ન જાય તે માટે તેના પર રૂમાલ પણ બાંધી શકાય તેમજ કાઢતી વખતે ભીનો ચમચો કે ચમચી ન નાખવા. અનાજ, અથાણા, મસાલાને યોગ્ય રીતે ભરવાથી બારેમાસ ગુણવતા જળવાય રહે છે ગાદલા-રજાઇ
વગેરે તપાવીને મુકવાથી ભેજની વાસ અને જીવાત થતા નથી અનાજ કઠોળ બગડે નહીં તે માટે નીચે પ્રમાણે થેપલી બનાવી ઉપયોગમાં લઇ શકાય.
પારાની થેપલી
1 ગ્રામ જેટલો પારો લો.તેમાં 4કપ જેટલુંગાય નું છાણ મિક્સ કરી દો.એકદમ હલાવવું જેથી પારો મિક્સ થઈ જાય સહેજ માટી ઉમેરી પુરી જેવું હાથથી બનાવી થેપલી બનાવી તડકે સૂકવવા મૂકી દો.ત્રણ કે ચાર દિવસ સુધી રાખો એકદમ કડક થઇ જાય પછી અનાજ કઠોળ ગમે તેમા મૂકી શકાય.
બોરીક પાવડરની થેપલી
1વાટકી બોરીક પાવડરમાં 1/2 વાટકી મેંદાનો લોટ મિક્સ કરી પાણી નાખી નાની નાની થેપલી બનાવી તડકે સૂકવવા દો. કડક થાય એટલે અનાજ કઠોળમાં મૂકો જેથી તે બગડશે નહીં.
* ઉનાળો હોવાથી ઘરમાં પણ કીડીનો ઉપદ્રવ થતો હોય છે. ઘરમાં ફિનાઈલ કે કેરોસીન નાખીને પોતા કરવાથી કીડી જીવજંતુનો ઉપદ્રવ રોકી શકાશે.   ગાદલા રજાઇની આ રીતે રાખો કાળજી
ગરમીની ઋતુનો ફાયદો લેતા ગાદલા, બ્લેન્કેટ, રજાઇ જે એકસ્ટ્રા હોય છે તેને પણ એકદમ તપાવી લેવા જેથી ચોમાસાની ઋતુમાં ભેજની વાસ ન રહે. ઉપરાંત ગાદલા ભરાવતી વખતે રૂને પીંજીને અંદર કપૂર મૂકી દેવુ અને પછી દર ત્રણ મહિને ગાદલા તપાવી લેવા.
રૂના ગાદલા કે ઓશિકામાં રહેલ રૂ ખરાબ થતું નથી. ગાદલા કે રજાઇ મુકતા પહેલા ફિનાઇલની ગોળી મુકવાથી ઝીણી જીવાત થતી નથી કે વાસ આવતી નથી. તેમાં કાળી જીરી કે લવીંગ છુટા કે કપડામાં બાંધીને મુકવાથી પણ ભેજની વાસ કે જીવાત થતી નથી. બાળકો ફીનાઇલની ગોળી હાથમાં ન લે તે માટે તેને કપડામાં બાંધીને પણ મુકી શકાય.