સ્વાદ અને સેહત માટે શ્રેષ્ઠ: કાળા જાંબુ

સૌરાષ્ટ્રમાં ‘રાવણા’ના લાડકા નામે ઓળખાતું આ ફળ દરેક રીતે ગુણકારી છે રોગોમાં ઉપયોગી જાંબુ નિરોગી વ્યકિત પણ સેવન કરે તો સ્વસ્થ રહી શકે છે વર્તમાન સમયમાં ફળોના રાજા કેરીની સાથે સાથે બજારમાં જાંબુએ પણ પોતાની જગ્યા બનાવી છે. સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી જાંબુ સ્વાદે તુરા મધુર અને કયારેક ખાટા પણ હોય છે. બહારથી ડાર્ક જાંબલી કલરના હોવાથી કાળા જાંબુ કહેવાય છે. જ્યારે છાલની અંદર સુંદર મજાનો પર્પલ કલર હોય છે અને એનાથી લાઇટ પર્પલ અને કયારેક વાઇટ કલરનો ઠળીયો નીકળે છે. જાંબુ નાના અને મોટા બે પ્રકારના મળે છે. સ્વાદમાં મોટા જાંબુ સારા લાગે છે. જ્યારે સ્વાસ્થ્યમાં નાના જાંબુ ઉત્તમ ગણાય છે. ગુણની દ્રષ્ટીએ શીતળ એવા જાંબુને હિંદીમાં જામુન, તેલુગુમાં પંડુ, બંગાલીમાં જામ તથા આપણી કાઠીયાવાડી ભાષામાં રાવણા કહેવાય છે. આ રાવણા અનેક રીતે ગુણકારી છે છતા ખાલી પેટે કે ઉપવાસ દરમ્યાન રાવણાનું સેવન ન કરીએ તે યોગ્ય છે કે સાયટીકા, સાંધાના દુ:ખાવા, વાઇ આંચકી વગેરેમાં પણ જાંબુનું સેવન ન કરવું તેમજ સ્વરપેટી માટે જાંબુ અનુકુળ નથી જેથી ગાયક કે વકતાઓએ જાંબુ ખાવાનું ટાળવું બાકી જાંબુની છાલ, ઠળીયા પણ બધુ જ ગુણકારી છે. કઇ રીતે તેનું સેવન કરવું જોઇએ તે જોઇએ.
* સૌપ્રથમ તો ડાયાબીટીઝના દર્દી માટે જાંબુ ઠળીયાનો પાવડર કરી સેવન કરવામાં આવે તો ફાયદો થાય છે. ઠળીયામાં રહેલું જામ્બોલીન તત્વ સ્ટાર્ચને શર્કરામાં રૂપાંતરીત થતા રોકે છે.
* જાંબુમાં પોટેશિયમની માત્રા ભરપુર હોવાથી હાર્ટએટેક, હાઇ બ્લડપ્રેશર, સ્ટ્રોક વગેરેથી બચી શકાય છે.
* જાંબુમાં વિવિધ પ્રકારના પોષકતત્વો વિટામીન કેલ્શિયમ, આયર્ન પોટેશિયમ આવેલા છે તેથી રોગપ્રતિકારક શકિતમાં ફાયદાકારક છે.
* જાંબુના ઠળીયાની પેસ્ટ બનાવીને દાંતે ઘસવાથી દાંત મજબુત થાય છે.
* કીડની અને પથરીની પરેશાનીમાં જાંબુના ઠળીયાને સુકવીને પાવડર બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે જે દહી સાથે પણ લઇ શકાય છે.
* કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગોમાં રાહત થાય છે.
* ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસીને તેનો પાવડર બનાવો અને આ પાવડરને પાણીમાં નાખી કોગળા કરવાથી ગળુ સાફ થાય છે તેમજ મોની દુર્ગંધ પણ દુર થાય છે. જાંબુના પાન ચાવવાથી પણ મોની દુર્ગંધ દુર થાય છે.
* ઝેરી જીવજંતુ કરડી ગયું હોય તો જાંબુના પાનનો રસ પીવડાવવો તેમજ તેના પાનની પેસ્ટ કરીને બાંધવાથી ઘા રૂઝાઇ જશે.
* નસકોરી ફુટે ત્યારે જાંબુના કુણા પાનનો રસ બે ટીપા નાકમાં નાખવાથી ફાયદો થાય છે.
* સ્ત્રીઓને શ્ર્વેતપ્રદરમાં ચોખાના ઓસામણમાં જાંબુના ઠળીયાનું ચૂર્ણ નાખીને પીવાથી ફાયદો થાય છે.
* જાંબુમાં મીઠુ અને મરી નાખીને પીવાથી હરસ મસામાં ફાયદાકારક
રહે છે.
* જાંબુની સીઝનમાં તેના ઠળીયા સુકવીને પાવડર બનાવી લેવો જે બારેમાસ વાપરી શકાય છે. સૌંદર્ય વધારવા પણ ઉપયોગી જાંબુ જાંબુનું સેવન વાળ માટે ખુબ ફાયદાકારક છે. વાળ લાંબા થવામાં મદદરૂપ થાય છે તેમજ સફેદ થતા અટકાવે છે.
જાંબુના સેવનથી ત્વચામાં પણ ચમક આવે છે અને મૃત ત્વચા દુર થાય છે.
જાંબુ ખાવાના કારણે રકતસંચાર થાય છે. જેના કારણે કરચલીઓ દુર થાય છે તેમજ કાળા દાગ ધબ્બા થવાની શકયતા રહેતી નથી.
જાંબુના પલ્પને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકીલી બને છે.
તેના ઠળીયાનાં પાવડરની પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી પણ ફાયદો થાય છે.
આમ અનેક રીતે ગુણકારી કાળા જાંબુ અનેક રોગોમાં ઉપયોગી થાય છે. આમ છતા તેનું વધુ પડતું સેવન નુકસાનકારક પણ સાબીત થાય છે તેથી ર00 ગ્રામથી વધારે માત્રામાં તેનું સેવન ન કરવું જોઇએ.