તેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા...

‘પ્રભુ જાણે કે મારુ ઘર હશે કયાં ?
અનાદિકાળથી ભૂલો પડયો છું.’
- શયદા
એવું કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનિમાં ભટકયા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન ભલે બાળકનો જન્મ અટકાવી શકે પરંતુ મોત અટકાવવા હજુ એ અસમર્થ છે ત્યારે માનવું પડે કે આ જગતને નિયંત્રિત કરનાર કોઇ છે તો ખરુ? આટલા જન્મ ધારણ કરનાર માણસ મુળ કયાંનો ? તેનું સાચુ ઘર કયું ? એવો પ્રશ્ર્ન સ્વાભાવિક છે.
માણસ ઘર બનાવતી વખતે નાનામાં નાની સગવડનો ખાસ ખ્યાલ રાખતો હોય છે. ઘર બની ગયા પછી વધુ સમય ત્યાં પસાર કરવા પ્રયાસ કરતો હોય છે. આ આપણું ઘર આપણો બંગલો, મારી હવેલી કરતો ફરતો હોય છે પરંતુ મે આપણે આ જગત છોડી ચાલ્યા જ જવાનું હોય તો આપણું સાચું ઘર કયાં હશે ? જગત તો પંખીનો મેળો છે. તે અહીં આવે તેને જવાનું જ છે તો પછી બધો મોહ શું ? કવિ સરસ વાત કરે છે કે આપણે અનાદિકાળથી ભુલા પડેલા છીએ એટલે પ્રભુને ખબર કે આપણું ઘર કયાં છે ?
‘એ ઘરની વાત જવા દો એ ઘર મળે કયાંથી ?
કે જેની શોધ હતી એ મને ગલી ન મળી !’
- નૂરી
કેટલીક વખત માણસ એક એવું સ્થળ કે ઘર શોધતો હોય છે કે જયાં તેને પોતાના ઘર જેવું જ લાગી શકે. પોતાનું ઘર હોવા છતાં આવી અપેક્ષા આમ તો અસ્થાને ગણાવી શકાય પરંતુ સ્કુટરમાં પંચર પડે ત્યારે કામ આવી શકે તેવું સ્પેરવ્હીલ રાખનાર માણસ પોતાનું ઘર તો છે જ છતાં પણ વૈકલ્પીક વ્યવસ્થા તરીકે બીજુ ઘર શોધતો હોય છે. કે જયાંથી તેને આવકાર, આદર, પ્રેમ મળી શકે. આમ પણ જોઇએ તો માણસ માત્ર પ્રેમનો ભુખ્યો છે પરંતુ અથાગ પ્રયાસ કરવા છતા આ શોધમાં તે સફળ થાય છે ખરો ? કેમ કે ઘર એ આપણું ઘર જ્યાં પરીવારના સભ્યો સાથે આત્મીય લાગણી જોડાયેલ હોય છે. અથાગ પ્રયાસ કરવા છતાં તેને ઘર તો શું એ ગલી પણ નથી મળતી કે જેની શોધમાં તે ભટકી રહ્યો છે. અહીં માનવીય સ્વભાવને ઉજાગર કરવા પ્રયાસ થયો છે.
‘હું મારા ઘરમાં રહી ખુદ મને મળી ના શકું !
ખુદા કોઇને કદી એમ લા-પતા ન કરે’
- નુર પોરબંદરી
પોતે પોતાને જ મળવું તે વાત જરા નવી લાગે પરંતુ હરકોઇ વ્યકિતએ ખુદ પોતે પોતાની સાથે સંવાદ કરી પોતાના સ્વને ઓળખવા પ્રયાસ કરવો જોઇએ પરંતુ સાંપ્રત સતત ભાગદોડ વચ્ચે માણસ એટલો વ્યસ્ત બની ગયો છે કે તેને ખુદ પોતાનેય મળવાનો સમય નથી !
આમ તો કોઇને ન મળી શકવું એટલે તેનાથી દુર હોવું તેવો અર્થ કરી શકાય.
કદાચ આવડી મોટી દુનિયામાં કોઇ ખોવાઇ જાય અથવા બીજે કયાંક ચાલ્યા જાય તો સ્વાભાવિક છે કે આપણે તેને મળી નથી શકતા પરંતુ કયારેક એવું પણ બનતું હોય છે કે આપણે અન્ય બાબતોમાં એટલા તો વ્યસ્ત બની જઇએ છીએ કે ખુદ પોતાને પણ મળી શકાતું નથી ! ત્યારે કવિ ખુદાને મીઠી ફરીયાદ કરે છે કે સાવ કંઇ આવું જ કરવાનું ? હું ઘરમાં છું છતા જાણે ખોવાઇ ગયો હોઉ તેવું કરવાનું ? કવિની કલ્પના કાબીલેદાદ ગણવી પડશે. આસ્વાદબાલેન્દુ શેખર જાની