RTE અંતર્ગત પ્રવેશનો પ્રથમ રાઉન્ડ 18મીથી

વાલીઓ 26મી સુધી શાળાઓમાં ડોકયુમેન્ટસ જમા કરાવી શકશે
રાજકોટમાં 10 હજારથી વધુ, રાજ્યમાં 1 લાખથી વધુ ફોર્મ મંજૂર
રાજકોટ તા.14
ઓનલાઇન ફોર્મ ભરવાની મુદતમાં ત્રણ દિવસનો વધારો થયા બાદ હવે આરટીઇ અંતર્ગત પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આજનાં બદલે 18 મી મે થી શરૂ થશે. ફોર્મ મંજુર થયા બાદ પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓનાં વાલીઓ ર6મી સુધી શાળાઓમાં ફોર્મ જમા કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં રાજકોટમાં 10000 થી વધારે અને રાજ્યમાં 1 લાખથી વધારે વિદ્યાર્થીઓનાં ફોર્મ મંજુર થયા છે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધો.1માં પ્રવેશ માટેની ઓનલાઈન કાર્યવાહી અંતર્ગત હવે પ્રવેશની યાદી 18 મેના રોજ જાહેર કરવામાં આવશે. ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીમાં 3 દિવસનો વધારો કરાયો હોઈ તેના પગલે પ્રવેશના પ્રથમ રાઉન્ડની તારીખમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળે છે. અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ પ્રવેશ યાદી 14 મેના રોજ જાહેર કરવામાં આવનાર હતી. શનિવારે ડીઈઓ અને ડીપીઈઓના એપ્રુવલનો છેલ્લો દિવસ હોઈ આ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રવેશ અંગેની યાદી જાહેર કરવાની કાર્યવાહી શરૂ કરાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં 10000 કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મને ડીઈઓ-ડીપીઈઓ દ્વારા મંજૂરી આપી દેવાઈ છે.
આરટીઇ એક્ટ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી 8 મેના રોજ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં રાજ્યમાં 1.87 લાખ વાલીઓએ તેમના બાળકોને ધો.1માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભર્યા હતા. જોકે, તે પૈકી 1.42 લાખ વિદ્યાર્થીઓના ફોર્મ ક્ધફર્મ થયા હતા અને 1.22 લાખ વિદ્યાર્થીઓના ફોર્મને રિસિવિંગ સેન્ટર દ્વારા એપ્રુવલ આપવામાં આવી હતી. હાલમાં ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા ફોર્મની મંજૂરી આપવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં અત્યાર સુધીમાં એક લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના ફોર્મ મંજૂર કરી દેવાયા છે જ્યારે દોઢ હજાર જેટલા ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. હજુ શનિવારના રોજ ડીઈઓ-ડીપીઈઓ દ્વારા ફોર્મ મંજૂર કરવાનો છેલ્લો દિવસ હોઈ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આરટીઇમાં પ્રવેશ માટે અગાઉ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ 14 મેના રોજ પ્રવેશ ફાળવવામાં આવનાર હતા. પરંતુ ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીમાં 3 દિવસનો વધારો કરવામાં આવતા હવે 14 મેના બદલે 18 મેના રોજ પ્રવેશ ફાળવવામાં આવશે. ત્યાર બાદ જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા છે તેમના ડોક્યુમેન્ટ સ્કૂલમાં 26 મે સુધીમાં જમા કરાવી પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ 2 જૂનના રોજ પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે. અગાઉના કાર્યક્રમ મુજબ 28 મેના રોજ પ્રવેશનો બીજો રાઉન્ડ જાહેર થવાનો હતો પરંતુ હવે તેના બદલે 2 જૂનના રોજ બીજો રાઉન્ડ જાહેર કરાશે. આમ, રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થાય તે પહેલા જ આરટીઇની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી દેવાનું આયોજન કરાયું છે.