બોલિવૂડમાં લગ્નગાળો! હિમેશ રેશમિયાએ બીજીવાર લગ્ન કર્યા

ટીવી એકટ્રેસ સોનિયા કપૂર સાથે ઘર સંસાર માંડયો: લગ્નમાં પૂર્વ પત્નીનો પુત્ર હાજર
મુંબઈ તા.14
બોલિવૂડમાં હાલ લગ્નનો માહોલ જામ્યો છે. અનિલ કપૂરની લાડકી પુત્રી અને બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરના દિલ્હી સ્થિત બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન થયા. ત્યારબાદ નેહા ધૂપિયા અને અંગ બેદીના લગ્નના થયાના અહેવાલો સામે આવ્યાં અને હવે વધુ એક બોલિવૂડ હસ્તીના લગ્નના અહેવાલ સામે આવ્યાં છે.
મ્યૂઝિક ડાઈરેક્ટર અને એક્ટર હિમેશ રેશમિયાએ એક પ્રાઈવેટ ફંક્શનમાં ટીવી અભિનેત્રી સોનિયા કપૂર સાથે લગ્ન કરી લીધા છે એવી માહિતી સામે આવી છે. આ લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતાં. હિમેશ રેશમિયાનો પુત્ર પોતે આ લગ્નમાં સામેલ થયો હતો. આ લગ્ન નવી દિલ્હીના એક ગુરુદ્વારામાં થયા હોવાનું કહેવાય છે.
અત્રે જણાવવાનું કે હિમેશ રેશમિયાના આ બીજા લગ્ન છે. અગાઉ તેના લગ્ન કોમલ સાથે થયા હતાં પહેલી પત્ની સાથે 22 વર્ષ સંબંધમાં રહ્યાં બાદ છૂટાછેડા આપ્યાં. ગત વર્ષે જ હિમેશના ડિવોર્સ થયા. એવા અહેવાલો પણ હતાં કે સોનિયા સાથે ખુબ નીકટતા હોવાના કારણે જ હિમેશના લગ્નમાં ભંગાણ પડ્યું હતું.
સોનિયા કપૂર ટેલિવૂડની જાણીતી અભિનેત્રી છે. તે કૈસા યે પ્યાર હૈ, જુગની ચલી જલંધર, યહ બોસ, રિમિક્સ જેવી અનેક ટીવી સીરિયલમાં જોવા મળી હતી. એવા અહેવાલો છે કે હિમેશ અને સોનિયા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. અહેવાલ મુજબ મહેંદીની રસમ બે દિવસ પહેલા થઈ હતી.