‘નીટ’ માટે 25 વર્ષની વયમર્યાદા કોર્ટ-માન્ય

જનરલ કેટેગરીના ઉમેદવાર માટે 25 વર્ષ અને અનામત કેટેગરીમાં 30 વર્ષની મર્યાદા પ્રમાણભૂત
નવી દિલ્હી તા.1ર
એમબીબીએસ કોર્સમાં પ્રવેશવાંચ્છુ ઉમેદવારો માટેની નેશનલ ઇલિજિબિલટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) માટે અરજદારોની ઉપલી વય મર્યાદા સામાન્ય કેટેગરી માટે 25 વર્ષ અને આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે 30 વર્ષની મર્યાદાના નોટિફિકેશનને પડકારતી અરજી હાઈ કોર્ટે કાઢી નાખી હતી.
હાઇ કોર્ટે તેમ છતાં નોટિફિકેશનમાં ઓપન સ્કૂલ અથવા ખાનગી અભ્યાસ કરતા વિધ્યાર્થીઓને ટેસ્ટ આપવા પર પાબંધી લાગુ કરતા ક્લોઝને કાઢી નાખ્યો હતો. જસ્ટિસ સંજીવ ખન્ના અને ચંદ્રશેખરની બેન્ચે જણાવ્યું હતું કે સીબીએસઈના જાન્યુઆરીની 22 તારીખના નોટિફિકેશનમાં જનરલ કેટેગરીના ઉમેદવાર માટે ઉપલી વય મર્યાદા 25 અને આરક્ષિત કેટેગરીના ઉમેદવાર માટેની 30 વર્ષની ઉપલી વય મર્યાદાની કલમ કાયદેસર અને પ્રમાણભૂત છે. આને અનુલક્ષીને નિયમ 4ની કલમને પડકારતી રીટ અરજી કાઢી નાખવામાં આવે છે.
કોર્ટે જણાવ્યું હતું કે નિયમનમાં માન્યતાપ્રાપ્ત ઓપન સ્કૂલ બોર્ડના ઉમેદવારોને નીટ પરીક્ષા માટે ગેરલાયક ગણાવતી કલમ કાઢી નાખવામાં આવે છે અને તેને બંધારણની વિરુદ્ધ હોવાનું જાહેર કરવામાં આવે છે.
કોર્ટે જણાવ્યું હતું કે નેશનલ ઈન્ટિસ્ટિટયૂટ ઑફ ઓપન સ્કૂલિંગ (એનઆઈઓેસ) અથવા માન્યતાપ્રાપ્ત સ્ટેટ સ્કૂલ બોર્ડના બારમું ધોરણ પાસ થયેલા વિદ્યાર્થીઓ/ઉમેદવારોને નીટ પરીક્ષા આપવા દેવાની રહેશે તેમને ગેરલાયક ગણવામાં નહીં આવે. આવા ઉમેદવારોના નીટનાં પરિણામ બીજા ઉમેદવારોનાં પરિણામોની સાથે જાહેર કરવાના રહેશે, એમ બેન્ચે 81 પાનાંના ચુકાદામાં જણાવ્યું હતું.